રાજકોટ
News of Monday, 21st September 2020

આંબેડકરનગરમાં મોરબીથી આવેલા તુષાર ઉર્ફ ચીની પરમારને સાળા વિશાલ સહિત ત્રણે ધોકાવ્‍યો

વિશાલની બહેન સાથે તુષારે લવમેરેજ કર્યા છેઃ તે રાજકોટ આવતાં વિશાલે પોતાની બહેન પાસે વસીયતનામામાં સહી કરાવવા બાબતે ડખ્‍ખો કર્યાની રાવ

રાજકોટ તા. ૨૧: મોરબીના યુવાનને રાજકોટ એંસી ફુટ રોડ પર આંબેડકરનગરમાં હતો ત્‍યારે તેના સાળા સહિત ત્રણ શખ્‍સોએ પ્‍લાસ્‍ટીકના પાઇપથી અને ઢીકા-પાટુનો માર મારતાં સારવાર લેવી પડી હતી.

આ અંગે થોરાળા પોલીસ મથકના હેડકોન્‍સ. જે. એસ. ગોવાણીએ મોરબી વી.સી. ફાટક નજીક ગુજરાત સોસાયટીમાં રહેતાં તુષાર ઉર્ફ ચીની મનુભાઇ પરમાર (ઉ.વ.૨૩)ની ફરિયાદ પરથી આંબેડકરનગર-૧૧માં રહેતાં તેના સાળા વિશાલ પાતર તથા વિશાલ સાથેના નયન દાફડા અને અમીનેશ વાળા સામે ગુનો નોંધ્‍યો છે. પોલીસ તપાસમાં ખુલ્‍યા મુજબ તુષારે ત્રણ મહિના પહેલા વિશાલની બહેન સાથે લવમેરેજ કર્યા છે. લગ્ન પછી તે પત્‍નિને લઇ મોરબી રહેવા જતો રહ્યો છે.

ગઇકાલે તુષારની બહેનની સગાઇ હોઇ તે પત્‍નિ સાથે આંબેડકરનગરમાં પોતાના ઘરે આવ્‍યો હતો. આ વખતે વિશાલ સહિતે આવી પોતાની બહેન પાસે વસીયતનામામાં સહી કરાવવા બાબતે ઝધડો કરી ગાળાગાળી કરતાં તુષારે ગાળો બોલવાની ના પાડતાં તેના પર હુમલો કરાયો હતો.

 

(3:16 pm IST)