રાજકોટ
News of Monday, 21st September 2020

કોરોના રૂપી રાત બહુ જલ્દી પુરી થશે અને સૂરજ ઉગશેઃ સાઇરામ દવે

રાજકોટ તા. ૨૧ : રાજય નહી પરંતુ રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સમર્થ હાસ્યકાર તરિકે ખ્યાતિ પ્રાપ્ત કરનાર રાજકોટના હાસ્ય કલાકાર અને લેખક સાંઈરામ દવેએ સમગ્ર વિશ્વ ઉપર આવી પડેલી કોરોનારૂપી મહામારીનો સામનો કરવાનો પ્રેરક સંદેશ આપતાં જણાવ્યું છે કે, છએક મહિનાથી સમગ્ર વિશ્વ ઉપર એક કપરો સમય ચાલી રહયો છે. કોરોનાએ આપણા બધાના શ્વાસને, આપણા અર્થતંત્રને અને આપણા જીવનને જાણે કે, સ્ટેચ્યું કહી દીધુ હોય તેવું લાગી રહયું છે.

પરંતુ કોઈ પણ રાત ૧૩ કલાકની હોય જ નહી, ૧૨ કલાકે સૂરજ ઉગી જ જવાનો હોય. પરંતુ સાડા અગિયાર કલાકે આપણી ધીરજ ડામાડોળ થઈ જાય છે, આપણી શ્રધ્ધા હચમચી જાય છે. રાજકોટવાસીઓ આજે આપણે બધા એ પરિક્ષાની સાડા અગિયારમી કલાકમાંથી પસાર થઈ રહયાં છીએ. બહું જલ્દી આ રાત પૂરી થઈ જશે અને ૧૨માં કલાકે સૂરજ ઉગશે જ.

આજે જયારે સરકાર આટલું કામ કરી રહી છે, તબીબો આટલું સરસ કામ કરી રહયાં છે. દરેક ક્ષેત્રના લોકો કોરોનાને હરાવવા માટે જયારે મહેનત કરતાં હોય ત્યારે મને એટલું જ સમજાય છે કે, આજની આ પરિસ્થિતિથી આપણે જરાપણ ગભરાયા વિના, હિંમત રાખીને સરકારની માર્ગદર્શિકાનું જો પાલન કરીશું તો જરૂરથી 'હારશે કોરોના, જીતશે રાજકોટ.'

(2:55 pm IST)