રાજકોટ
News of Monday, 21st September 2020

રાજકોટમાં કોરોનાની પરિસ્થિતિમાં ઉત્તરોત્તર સુધારો : ડો.રાહુલ ગુપ્તા

શહેર અને જિલ્લામાં કેસોની સંખ્યા ઘટવા તરફ : અભયભાઈની તબિયત સુધારા ઉપર : ખાલી બેડની સંખ્યામાં પણ વધારો : વહીવટી તંત્ર એકદમ સજ્જ, શહેર - જિલ્લામાં એન્ટીજન ટેસ્ટની કામગીરી પૂરજોશમાં

રાજકોટ, તા. ૨૧ : રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કેસોની સંખ્યા અને ડેથરેટમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કોરોનાને કાબુમાં લાવવા જરૂરીયાત મુજબ તમામ પગલા લેવાઇ રહ્યા છે. પરિસ્થિતિને કાબુમાં લાવવા ઉત્તરોત્તર સુધારો જોવા મળી રહ્યો હોવાનું પૂર્વ કલેકટર અને રાજકોટ જિલ્લા પ્રભારી ડો.રાહુલ ગુપ્તાએ ટીવી ચેનલના પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું.

ડો. રાહુલ ગુપ્તાએ જણાવેલ કે છેલ્લા પંદરેક દિવસમાં કોરોનાથી રાજકોટ જિલ્લા અને શહેરમાં લોકો સંક્રમિત થયા હતા. તે પૈકી સંપૂર્ણ રીતે સાજા થઈ ગયેલા જે દર્દીઓમાં રીકવરીમાં જે પંદર દિવસ પહેલા ટકાવારી હતી તે આજે ૭૬%એ પહોંચી છે. એટલુ જ નહિં વિવિધ અર્બન કિલનીક અને સિવિલ હોસ્પિટલ ખાતે ઓપીડી છે તેમાં પણ છેલ્લા પંદરેક દિવસથી દર્દીઓ આવે છે. તેમાં પણ ઉત્તરોત્તર ઘટાડો થયો છે. તંત્ર દ્વારા ૧૦૪ હેલ્પલાઈન તથા દર્દીઓને બેડની જરૂરીયાત હોય તે માટે પણ હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. આ હેલ્પલાઈનમાં પણ કોલ આવે તેમાં પણ ઘટાડો થયો છે. સાથોસાથ કોરોનાથી મૃત્યુ પામનાર દર્દીઓમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. આપણા માટે દરેકનું જીવન અમૂલ્ય છે અને આપણે પ્રયત્નશીલ છીએ કે દરેક દર્દીનો જીવ આપણે બચાવી શકીએ.

ખાલી બેડની સંખ્યા છે તેમાં પંદરેક દિવસ પહેલા લગભગ ૫૦૦ થી ૬૦૦ આસપાસ રહેતી હતી તે આજે વધીને ૧ હજારે પહોંચી ગઈ છે તો આ સંપૂર્ણ ઈન્ડીકેટર દર્શાવે છે કે રાજકોટમાં કોરોનાની પરિસ્થિતિ છે તેમાં ઉત્તરોત્તર સુધારો આવી રહ્યો છે અને ખાસ કરીને રાજકોટના નગરજનોને આશ્વાસન આપુ છું કે વહીવટી તંત્ર એકદમ સજ્જ છે. સરકાર તેમની સાથે છે અને નગરજનો કોઈપણ પ્રકારની ચિંતા ન કરે. સાથે સાથે એ પણ અપીલ કરૂ છું કે સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરીએ, માસ્ક પહેરીએ.

ડો. રાહુલ ગુપ્તાએ વધુમાં જણાવેલ કે રાજકોટ ગ્રામ્યમાં પણ તંત્ર દ્વારા પૂરતુ ધ્યાન આપવામાં આવી રહ્યુ છે.  લોકોએ સંપૂર્ણપણે સાવચેત રહેવાની જરૂર છે.

આપણો હેતુ એ હતો કે આપણે વ્હેલી તકે લોકોને કે જે કોઈ કેસમાં પોઝીટીવ આવે તે સમયસર શોધી કાઢી અને સમયસર સારવાર આપી શકીએ અને આગળ વધતુ અટકાવી શકીએ. એ જ હેતુસર આપણે ટેસ્ટીંગની સંખ્યામાં વધારો કરી દીધો છે અને તેમાં આપણને મહદઅંશે સફળતા મળી છે. અત્યારે હું માનું છું કે રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાના કેસોની સંખ્યા ઘટવા તરફ છે.

રાજકોટના ધારાશાસ્ત્રી અને સાંસદ શ્રી અભયભાઈ ભારદ્વાજને એકમો ટ્રીટમેન્ટ અપાઈ રહી છે અને તેમની તબિયત ઘણી સુધારા ઉપર હોવાનું શ્રી ગુપ્તાએ જણાવ્યુ હતું.

(2:50 pm IST)