રાજકોટ
News of Tuesday, 21st August 2018

ગુરૂવારે સ્ટેન્ડીંગ કમીટી..

કચરામાંથી રૂપિયા ઉગશે ! ૩૦ ટનનાં બે પ્લાન્ટ નંખાશે

રૈયાધાર અને કે.એસ. ડિઝલ્સ પાસેના ડમ્પીંગ યાર્ડમાં કચરાના બે પ્રોસેસીંગ પ્લાન્ટઃ પ્લાન્ટ નાખનારી એજન્સી ૧ ટન કચરાના રૂ. ૧૫૦૦ કોર્પોરેશનને આપશેઃ ફલાવર-શોના છ મહિના પછી ૪૨ લાખની ખર્ચ મંજુરીની દરખાસ્તઃ વોર્ડ નં.-૨માં ૨૩ લાખના પેવિંગ બ્લોક નંખાશે

રાજકોટ, તા. ૨૧ :. શહેરમાંથી ઉત્પન્ન થતા કચરામાંથી મ્યુ. કોર્પોરેશન તંત્રવાહકો રૂપિયા મેળવી શકશે કેમ કે આગામી ટૂંક સમયમાં શહેરના બે ડમ્પીંગ યાર્ડમાં કચરાના પ્રોસેસીંગ પ્લાન્ટ ખાનગી કંપની નાખનાર છે અને આ કંપની દ્વારા પ્રતિ ટન રૂ. ૧૫૦૦નો ચાર્જ રોયલ્ટી સ્વરૂપે મ્યુનિસિપલ કોર્પોરેશનને ચૂકવશે. તે મુજબની દરખાસ્ત આગામી ગુરૂવારે તા. ૨૩ના બપોરે મળનાર સ્ટેન્ડીંગ કમિટિ સમક્ષ મ્યુ. કમિશ્નર મારફત કરવામાં આવી છે.

આ અંગે સત્તાવાર પ્રાપ્ત માહિતી મુજબ આગામી ગુરૂવારે યોજાનાર સ્ટેન્ડીંગ કમિટિના એજન્ડામાં રાજકોટ શહેરમાંથી ઉત્પન્ન થતા ડ્રાય વેસ્ટ (સુકો કચરો)ના પ્રોસેસિંગ (કચરામાંથી ખાતર બનાવવું) માટે રૈયાધાર તથા કે.એસ. ડીઝલ સામે આવેલ કચરાના આ બન્ને ડમ્પીંગ યાર્ડમાં બે પ્લાન્ટ ઉભા કરવા માટે ખાનગી કંપની અર્થ એન્વાયરો ટેકનો.ને મંજુરી આપવાની દરખાસ્ત છે.

આ દરખાસ્ત મુજબ આ બન્ને કચરાના પ્રોસેસિંગ પ્લાન્ટ નાખવાની મંજુરીના બદલામાં કંપની દ્વારા પ્રતિ ટન કચરા દીઠ રૂ. ૧૫૦૦ની રોયલ્ટી મ્યુનિસિપલ કોર્પોરેશનને ચૂકવશે આમ આ પ્રકારે મ્યુનિસિપલ કોર્પોરેશન કચરામાંથી રૂપિયા મેળવશે.

આ ઉપરાંત ગુરૂવારે મળનાર સ્ટેન્ડીંગ કમિટિમાં વોર્ડ નં. ૨માં છોટુનગર, પત્રકાર સોસાયટી, શ્રીમદ્દ પાર્ક વગેરે વિસ્તારના રસ્તામાં સાઈડના પડખા પર રૂ. ૨૩ લાખના ખર્ચે પેવિંગ બ્લોક નાખવા અંગે તથા રેસકોર્ષમાં યોજાયેલ ફલાવર-શો દરમિયાન વિન્ટેજ કારનું જે નિર્દેશન થયુ હતુ તેનો રૂ. ૧.૨૦ લાખનો ખર્ચ મંજુર કરવા અને સમગ્ર ફલાવર-શોનો કુલ રૂ. ૪૦.૩૪ લાખનો ખર્ચ કે જેમાં બાંબુના મંડપ માટે ૧.૫૦ લાખ, ડોમના ૪.૫૦ લાખ, ફલાવર શોની જાહેરાત માટેનો ટેબ્લો માટે રૂ. ૪.૨૫ લાખ, રૂ. ૧૬.૩૬ લાખના ખર્ચે વિવિધ સ્ટ્રકચર, સોમનાથ મંદિરની પ્રતિકૃતિના ૪.૫૦ લાખ, વેસ્ટમાંથી બેસ્ટ રૂ. ૧.૩૮ લાખ, સ્ટીલ સ્ટ્રકચરના ૩.૨૦ લાખ સહિતના ખર્ચાઓનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત વોર્ડ નં. ૪માં ટીપી સ્કીમ નંબર ૧૨, ૧૩, ૧૫, ૩૧ના વિવિધ રસ્તાઓ ઉપર ૧.૩૯ લાખના ખર્ચે મેટલીંગ કામ કરવાના કોન્ટ્રાકટ મંજુર કરવા સહિત કુલ ૧૯ દરખાસ્તો અંગે આગામી ગુરૂવારે મળનાર સ્ટેન્ડીંગ કમિટિમાં નિર્ણય લેવાશે.

દૂધનો દાઝયો છાસ ફૂંકે...

મેરેથોન કૌભાંડ ખૂલ્યા બાદ હવે ફલાવર-શોના શંકાસ્પદ ખર્ચાઓને રદ્દ કર્યા પછી

જ સ્ટેન્ડીંગમાં દરખાસ્ત કરાઈ

રાજકોટઃ. રેસકોર્ષમાં ફલાવર-શો યોજાયાના ૬ મહિના બાદ સ્ટેન્ડીંગ કમિટિ સમક્ષ ફલાવર-શોનો કુલ ૪૧ લાખ જેટલો ખર્ચ મંજુર કરવા માટે દરખાસ્ત થઈ છે. જે અંગે આગામી ગુરૂવારે મળનાર સ્ટેન્ડીંગ કમિટિમાં નિર્ણય લેવાનાર છે, ત્યારે કોર્પોરેશનની લોબીમાં આ દરખાસ્ત મુદ્દે ગરમાગરમ ચર્ચાઓ થઈ રહી છે કે, અગાઉ મેરેથોનના ખર્ચાની મંજુરી વખતે સ્ટેન્ડીંગ કમિટિએ લાખો રૂપિયાનો કડદો શોધી કાઢયો હતો અને શંકાસ્પદ જણાતા ખર્ચાઓ નામંજુર કરી દીધા હતા. આથી ફલાવર-શોમાં તેનુ પુનરાવર્તન ન થાય તે માટે મ્યુ. કમિશ્નરે જાતે જ તમામ ખર્ચાઓની વિગતો ઝીણવટભરી રીતે જોઈ હતી અને તેઓએ જ શંકાસ્પદ લાગતા ખર્ચાઓ રદ્દ કર્યા બાદ બાકીના ખર્ચાઓની મંજુરી માટે દરખાસ્ત કરી હતી. આમ દૂધનો દાઝયો છાસ ફૂંકીને પીવે તે ઉકિત મુજબ કોર્પોરેશનમાં હવેથી દરેક ખર્ચાઓની ઝીણવટભરી તપાસ થઈ રહી છે.

૯ રાજમાર્ગો ઉપર લાઈટીંગ પોલમાં જાહેર ખબરના કોન્ટ્રાકટ ફાઈનલઃ વર્ષે ૧૭.૫૧ લાખની આવક

રાજકોટ :. આગામી ગુરૂવારે મળનાર સ્ટેન્ડીંગ કમિટિમાં શહેરના ૯ રાજમાર્ગો ઉપર સેન્ટ્રલમાં આવેલ લાઈટીંગ પોલમાં જાહેર ખબરના કિયોસ્ક બોર્ડના ૩૨૦ પોલ માટેના કોન્ટ્રાકટો ફાઈનલ થઈ ગયા છે. જેમાં કોઠારીયા રોડ, સંત કબીર રોડ, જૂનો મોરબી રોડ, ઢેબર રોડ, જવાહર રોડ, કુવાડવા રોડ, ગોંડલ રોડ, પંચવટી સોસાયટી, ૮૦ ફૂટ રોડ અને જામનગર રોડનો સમાવેશ થાય છે. આ કોન્ટ્રાકટ ગ્લોબલ પબ્લિસીટી, પરિવાર પબ્લિસીટી, વેબપલ્સ એડ. વગેરે એજન્સીઓને અપાયા છે. આ તમામ કિયોસ્ક બોર્ડના મળી પ્રથમ વર્ષે કોર્પોરેશનને કુલ ૧૭.૫૧ લાખની આવક થશે અને ત્યાર બાદ બીજા વર્ષથી પ્રતિ વર્ષ ૬ ટકાનો  વધારો  કરી  અને એજન્સીઓ  તંત્રને  ચાર્જ  ચુકવશે.

(4:11 pm IST)