રાજકોટ
News of Tuesday, 21st August 2018

પાણી અંગે કચ્છની સ્થિતિ ભારે ખરાબઃ કુલ ર૦ ડેમોમાં ૧૧ ટકા પાણીઃ મેઘરાજાનો મોટો રાઉન્ડ જરૂરી

જો હવે વરસાદ ખેંચાશે તોઉનાળામાં સ્થિતિ ગંભીર બનશેઃ નર્મદામાં પણ હાલ ૪૪ ટકા પાણી છે...: ત્રીજા રાઉન્ડમાં વરસાદ પડયો પણ ડેમો ન ભરાયાઃ સૌરાષ્ટ્રના કુલ ૧૩૮ ડેમોમાં હાલ ૪પ ટકા પાણી

રાજકોટ તા. ર૧ :.. મોડે મોડે આવેલા ત્રીજા રાઉન્ડમાં સાર્વત્રિક વરસાદથી પણ જળાશયો ભરાય નથી. હાલ પાણીનું સંકટ દૂર થયું છે. પરંતુ જો વરસાદ હવે ખેંચાઇ જશે તો આગામી ઉનાળાથી ખૂબ જ ગંભીર સ્થિતિ ઉભી જશે.છેલ્લી સ્થિતિ મુજબ રાજયનાં કુલ ર૦૩ જળાશયો પૈકીમાંથી ૧૩ર જળાશયોમાં ૧પ થી પ૦ ટકા સુધીનો પાણીનો જથ્થો બચ્યો છે. જળાશયોમાં સંગ્રાહાયેલા પાણીના જથ્થા અંગે જળ સંપતિ વિભાગના સુત્રો જણાવે છે કે, ૮૩ જળાશયોમાં રપ ટકાથી ઓછો જથ્થો છે. જયારે ૪૯ ડેમોમાં પ૦ ટકા સુધી પાણી ભરેલા છે. એ સિવાય પ૦ થી ૭૦ ટકા વચ્ચે પાણી ઉપલબ્ધ હોય તેવા ર૬ અને ૭૦ થી ૧૦૦ ટકા પાણી ભર્યા હોય તેવા ૩ર જળાશયો છે. જયારે ૧૦૦ ટકા કે તેથી વધુ પાણી હોય તેવા  જળાશયોની સંખ્યા માત્ર ૧૩ જ છે. ગુજરાતના જીવાદોરી સમાન સરદાર સરોવર જળાશયમાં હાલમાં ૧૪૬૮૯પ એમસીએફટી પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતનાં ૪૪ ટકા છે.

સૌથી વધુ ખરાબ સ્થિતિ કચ્છની છે, કચ્છમાં કુલ ર૦ ડેમો આવેલા છે, તેમાં માત્ર ૧૧ ટકા પાણી છે, ગયા વર્ષે આ સમયે ૪૦ ટકા પાણી હતું.

જયારે સૌરાષ્ટ્રના કુલ ૧૩૮ ડેમોમાં ૪પ ટકા પાણી હાલ છે, વરસાદના બે મોટા રાઉન્ડની ખાસ જરૂર છે, નહી તો સ્થિતિ ગંભીર બનશે તે પણ હકિકત છે.

(11:53 am IST)