રાજકોટ
News of Sunday, 21st July 2019

રાજૂ રૂપમની ઓફિસમાં અજાણ્યા શખ્સોએ એડવોકેટ સંજય પંડિતને હથોડી-પાઇપ-કુહાડીથી ફટકારતાં ફ્રેકચરઃ એસીબીમાં કરેલી અરજીના સમાધાનમાં ૩૦ લાખ આપવાની લાલચ દઇ કાવત્રુ રચી ઓફિસમાં બોલાવી હુમલો કરાવ્યાની ફરિયાદ

આકાશવાણી ચોક શાંતિ હાઇટ્સ લેન્ડ ડેવલપર ઓફિસમાં ધમાલ : સામા પક્ષે સંજય પંડિત વિરૂધ્ધ પણ પ્રકાશ પરમારની એટ્રોસીટી, હુમલાની ફરિયાદ

રાજકોટઃ યુનિવર્સિટી રોડ પર આકાશવાણી ચોકમાં શાંતિ હાઇટ્સ લેન્ડ ડેવલોપર નામની રાજૂ રૂપમની ઓફિસમાં એસીબીમાં થયેલી અરજીના સમાધાન મામલે ડખ્ખો થતાં જામનગર રોડ પર નાગેશ્વર પાર્શ્વનાથ મંદિર પાસે શાંતિનગર-૧માં રહેતાં એડવોકેટ સંજય હેમતભાઇ પંડિત (ઉ.૪૪)ને રાજૂ રૂપમ તથા સાથેના ચારેક અજાણ્યા શખ્સોએ અરજીનું ચેપ્ટર ભુલી જવાનું કહી લોખંડની પાઇપ, કુહાડી અને હથોડીથી ફટકારી તેમજ તિક્ષ્ણ હથીયારથી ઘાયલ કરી પગમાં ફ્રેકચર કરી નાંખ્યાની ફરિયાદ દાખલ થઇ છે. સામા પક્ષે રાજુ રૂપમના સાહેદ પ્રકાશ પરમારે સંજયભાઇ પંડિત સામે એટ્રોસીટી હેઠળ ફરિયાદ નોંધાવી છે.

બનાવ અંગે શાપર વેરાવળ શિતળા માતાજીના મંદિર પાસે ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતાં પ્રકાશ રણછોડભાઇ પરમાર (અનુ. જાતિ) (ઉ.૨૫) નામના યુવાનની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે સંજયભાઇ પંડિત સામે આઇપીસી ૩૨૩, ૩૨૪, ૧૩૫ (૧) તથા એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધ્યો છે.

પ્રકાશે ફરિયાદમાં જણાવ્યું છે કે શનિવારે બપોરે ત્રણેક વાગ્યે તે રાજૂભાઇ રૂપમની ઓફિસમાં હતો ત્યારે રાજુભાઇ અને સંજયભાઇ અંદરો અંદર વાતચીત કરતાં હતાં તે વખતે ટેબલ પર પાણીનો ગ્લાસ ભરેલો હોઇ તે પોતે લેવા જતાં સંજયભાઇએ સામે જોઇ 'તું કોણ છો? અમારે મિંટીંગ ચાલુ છે, તું શું કામ અંદર આવ્યો?' તેમ પુછતાં પ્રકાશે પોતાનું નામ આપી પોતે દલિત છે તેમ કહેતાં અને રાજુભાઇ રૂપમને તેના મિત્ર સંજયભાઇને રૂપિયા આપવાના હોવાથી પોતે સાથે આવ્યો હોવાનું કહેતાં સંજયભાઇએ જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી તારાથી પાણીનો ગ્લાસ અડાય જ કેમ? તેમ કહી ઝાપટ મારી ઢીકાપાટુનો માર મારી નેફામાંથી છરી કાઢી ડાબા પડખામાં અને જમણા પડખામાં ઇજા કરી હતી. આ ફરિયાદ મામલે એસસીએસટી સેલના એસીપીશ્રીએ તપાસ હાથ ધરી છે.

જ્યારે શાંતિનગર-૧ નાગેશ્વરમાં રહેતાં સંજયભાઇ હેમતભાઇ પંડિત (ઉ.૪૪)ની ફરિયાદ પરથી પોલીસે રાજુભાઇ રૂપમ તથા ત્રણથી ચાર અજાણ્યા અને તપાસમાં ખુલે તે તમામની સામે આઇપીસી ૩૨૩, ૩૨૪, ૩૨૫, ૧૧૪, ૧૨૦-બી, જીપીએકટ ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધ્યો છે.

સંજયભાઇ પંડિતે ફરિયાદમાં જણાવ્યું છે કે મને તથા મારા મિત્ર મનોજભાઇ રામભાઇ ગઢવીને રાજૂભાઇ રૂપમે તેની ઓફિસે બોલાવ્યા હતાં. મેં અગાઉ લાંચ રૂશ્વત વિરોધી ખાતામાં અરજી કરી હોઇ તેનું સમાધાન કરવાનું કહી રૂા. ૩૦ લાખ આપવાની લાલચ અપાઇ હતી.  મને શંકા ઉપજી હતી કે રાજૂભાઇ રૂપમ મને ફસાવીને મારી ઉપર હુમલો કરશે અથવા કરાવશે. આ અંગે ડર બેસી જતાં રાજુભાઇની વાતમાં સહમતી દર્શાવી હતી અને મંે જે અરજી હાઇકોર્ટ તથા અન્ય ખાતામાં પોલીસ વિરોધી કે અન્ય કોઇપણ વિરૂધ્ધ અરજી કરી છે તેનું ચેપ્ટર ભુલી જઇશ તેવી વાત કરતાં મેં હા પાડી હતી.

વાતચીત દરમિયાન મારા મિત્ર મનોજભાઇ ગઢવી ઓફિસની બહાર જતાં કાવતરાના ભાગ રૂપે રાજુભાઇ રૂપમે ચારેક જણાને બોલાવ્યા હતાં અને આ શખ્સોએ પાઇપ, તિક્ષ્ણ હથીયાર તથા કુહાડી અને હથોડી સાથે આવી મારું મોઢુ દબાવી બંને હાથમાં લોખંડની હથોડીના ઘા ફટકાર્યા હતાં તેમજ બંને પગમાં પાઇપના ઘા માર્યા હતાં અને તિક્ષ્ણ હથીયારથી માર મારી ફ્રેકચર જેવી ઇજા કરી હતી. યુનિવર્સિટી પી.આઇ. એ.એલ. આચાર્ય, જે. પી. મેવાડા સહિતે તપાસ હાથ ધરી છે.

(11:51 am IST)