રાજકોટ
News of Saturday, 21st July 2018

રણુજાનગરમાં મોડી રાત્રે ચાર શખ્સો ઘરમાં ઘુસ્યાઃ એક પકડાતાં ધોલધપાટ, ઠેકડો મારતાં ઘવાયો

બાકીના ત્રણે લોકો પર પથ્થરમારો કર્યો અને વાહન અકસ્માતમાં ઇજા થયાનું બહાની કરી હોસ્પિટલે જવા નીકળ્યા પણ સકંજામાં લઇ લેવાયા

રાજકોટ તા. ૨૧: રણુજાનગર પાસેની એક સોસાયટીમાં મોડી રાત્રે દોઢેક વાગ્યે એક ઘરમાં ચારેક શખ્સો ચોરીના ઇરાદે ઘુસી ગયા હતાં. પણ ઘરધણી જાગી જતાં ત્રણ શખ્સ ભાગી છુટ્યા હતાં અને એક હાથમાં આવી જતાં દેકારો મચતાં ટોળુ ભેગુ થઇ ગયું હતું અને પકડાયેલા શખ્સને બેફામ ધોલધપાટ કરી હતી. આ શખ્સે અગાસી પરથી ભાગવા માટે છલાંગ લગાવતાં નીચે ખાબકયો હતો અને અર્ધબેભાન જેવો થઇ ગયો હતો. તેને હોસ્પિટલમાં લઇ જવાયો હતો ત્યારે આ શખ્સના ત્રણ સાગ્રીતો પણ તેને જોવા માટે પોતાને વાહન અકસ્માતમાં ઇજા થયાનું બહાનુ કરી હોસ્પિટલે આવ્યા હતાં. પોલીસે ચારેયને સકંજામાં લઇ પુછતાછ આદરી છે.

જાણવા મળ્યા મુજબ રણુજાનગરના એક મકાનમાં રાત્રે દોઢેક વાગ્યે અવાજ થતાં ઘરધણી જાગી જતાં ચારેક શખ્સો ભાગ્યા હતાં. જેમાંથી એક દબોચાઇ ગયો હતો. ચોર-ચોરની બૂમો પડતાં લત્તાવાસીઓ ભેગા થઇ ગયા હતાં અને આ શખ્સને મેથીપાક આપ્યો હતો. બીજી તરફ ભાગેલા ત્રણ શખ્સોએ પોતાના લોકો ઉપર પથ્થરમારો કર્યો હતો. તક જોઇ પકડાયેલા શખ્સે ભાગવા માટે અગાસીએથી ઠેકડો માર્યો હતો. પણ તે બેભાન જેવો થઇ જતાં તેને હોસ્પિટલે ખસેડાયો હતો.

પોલીસને જાણ થતાં ટૂકડી ભાગી ગયેલાઓને શોધવા અને ઠેંકડો મારનારની માહિતી મેળવવા હોસ્પિટલે પહોંચી હતી. ત્યાં બેભાન થયેલા શખ્સના ત્રણ સાગ્રીતો પોતાને અકસ્માતમાં ઇજા થયાનું બહાનુ કરી સાગ્રીતને જોવા હોસ્પિટલે પહોંચ્યા હતાં. આ વખતે જેના ઘરમાં તે ઘુસ્યા હતાં અને ઘરધણી હાજર હોઇ ઓળખી જતાં પોલીસે સકંજામાં લીધા હતાં. આ ચારેયની વિશેષ પુછતાછ થઇ રહી છે.

ગીરધર પવારને પડી જતાં ઇજા

મુળ મધ્યપ્રદેશના બગોલી ગામનો ગીરધર રહેમસિંગ પવાર (ઉ.૨૩) રાત્રે રણુજાનગરમાં ઋષીપ્રસાદ સોસાયટીમાં કોઇ કારણોસર પડી જતાં ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ચોકીના સ્ટાફે જે તે પોલીસ મથકને જાણ કરી હતી.

(11:27 am IST)