રાજકોટ
News of Friday, 21st June 2019

'તમે દરરોજ લૂંટ કરવા ઉભા રહો છો'... કહી બાઇક ચાલકે ટ્રાફિક પીએસઆઇનો કાંઠલો પકડી વીંખોડીયા ભરી લીધા!

સતત વાહન ચેકીંગથી ત્રાહીમામ વાહન ચાલકો પિત્તો ગૂમાવી રહ્યા છે... : રૈયા ચોકડીના ઓવર બ્રિજ પર બનાવઃ હેલ્મેટ પહેર્યુ ન હોઇ ઓ કાગળો પણ ન બતાવતાં દંડ ભરવાનું કહેતાં સચીન પાંઉ રોષે ભરાયોઃ ધરપકડ

રાજકોટ તા. ૨૧: શહેરમાં વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરતાં થાય અને પોતાની સુરક્ષા માટે હેલ્મેટ પહેરતાં થાય એ માટે થઇને શહેર પોલીસે ટ્રાફિક ઝુંબેશ કડક બનાવી છે અને ઘણા દિવસોથી લગભગ દરરોજ ઠેક-ઠેકાણે ડ્રાઇવ યોજી વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું ભાન કરાવવા અને તેનો અમલ કરવા સમજ અપાય છે. તેમજ સાથો સાથ નિયમોના ભંગ બદલ દંડ પણ વસુલવામાં આવે છે. આ ઝુંબેશને કારણે લગભગ દરરોજ કોઇને કોઇ સ્થળે પોલીસ અને વાહન ચાલકો વચ્ચે ચડભડ થતી રહે છે. પણ હવે વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ગયા હોય તેવી ઘટના આજે બની છે. રૈયા રોડ ઓવર બ્રિજ પર એક બાઇક ચાલકે હેલ્મેટ પહેર્યુ ન હોઇ અને ગાડીના કાગળો પણ ન હોઇ દંડ ભરવાનું ટ્રાફિક પોલીસમેને કહેતાં આ યુવાને 'તમે ઉઘાડી લૂંટ કરવા ઉભા રહો છો' કહી હુમલો કરી ભારે ધમાલ મચાવતાં લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં.

ઘટનાને પગલે ચેકીંગમાં રહેલા અન્ય પોલીસ કર્મચારીઓ દોડી આવ્યા હતાં અને પોલીસમેનને છોડાવ્યા હતાં. તેમજ હુમલો કરી ફરજમાં રૂકાવટ કરનાર સચીન સંજયભાઇ પાંઉ (ઉ.૨૫-રહે. સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળ, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાધિકા પાર્ક-રાધે મકાન)ને પકડી લીધો હતો. આ બારામાં ટ્રાફિક શાખાના પીએસઆઇ એચ. જે. આહિરએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં સચીનને રજૂ કરતાં એએસઆઇ જે. એસ. હુંબલે તેમની ફરિયાદ પરથી સચીન સામે આઇપીસી ૩૫૩, ૩૩૨ મુજબ ગુનો નોંધ્યો છે.

પીએસઆઇ આહિર અને સ્ટાફના માણસો આજે સવારે સાડા અગિયારેક વાગ્યે રૈયા રોડ ઓવર બ્રિજ પર વાહન ચેકીંગમાં હતાં ત્યારે જીજે૩સીકયુ-૮૯૬૧ નંબરનું ડિસ્કવર બાઇક લઇને એક શખ્સ નીકળતાં તેને અટકાવી ગાડીના કાગળો માંગ્યા હતાં. જે તેણે રજુ કર્યા નહોતાં તેમજ હેલ્મેટ પણ પહેર્યુ ન હોઇ તેને દંડ ભરવાનું કહેતાં તે તુરત જ ઉશ્કેરાઇ ગયો હતો અને જેમ ફાવે તેમ બોલી 'તમે દરરોજ ઉઘાડી લૂંટ કરવા ઉભા રહો છો' તેમ કહી ઝપાઝપી કરી પીએસઆઇ આહિરનો કોલર પકડી લીધો હતો. તેમજ તેના પર હુમલો કરી ફરજમાં રૂકાવટ કરી પીએસઆઇના હાથ પર વીંખોડીયા ભરી લોહી કાઢી નાંખ્યા હતાં.

પોલીસે બાઇક ચાલક સચીન સામે કાયદેસરની કાર્યવાહી કરી કાયદાનું ભાન કરાવ્યું હતું. પકડાયેલો આ યુવાન એચડીએફસી બેંકમાં કોન્ટ્રાકટ બેઝથી નોકરી કરે છે.

(4:01 pm IST)