રાજકોટ
News of Friday, 21st June 2019

કોઠારિયાનાં ટી.પી. રોડ ખુલ્લો નહિં કરાવાય તો ગંભીર અકસ્માતની ભીતી

એનીમલ હોસ્ટેલમાં જવાનો આ રોડ ખુલ્લો કરાવવા રાધેશ્યામ સોસાયટીનાં રહેવાસીઓની મ્યુ. કમિશ્નરને રજુઆત

રાજકોટ તા. ર૧: શહેરનાં વોર્ડ નં. ૧૮માં આવેલા રાધેશ્યામ સોસાયટીનાં ૧૦૦થી વધુ રહેવાસીઓનાં ટોળાએ આ વિસ્તારનો ટી.પી. રોડ ખુલ્લો કરાવવા માંગ ઉઠાવી છે. કેમકે જો વ્હેલી તકે આ ટી.પી. રોડ નહિં ખોલવામાં આવે તો સોસાયટીની શેરી ગલીમાંથી પસાર થતાં ભારે વાહનો-બાઇક સવારોને કારણે ગંભીર અકસ્માત સર્જાવાની ભીતી છે.

આ અંગે વિસ્તારવાસીઓને મ્યુ. કમિશ્નરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે, રામનગર સોસાયટી-૧ તથા રાધેશ્યામ સોસાયટીમાં આશરે ૮ થી ૯ હજાર માણસો વસવાટ કરી રહ્યા છે. આ સોસાયટીઓની પાછળ એનીમલ હોસ્ટેલ બનાવવામાં આવેલ છે અને આ હોસ્ટેલમાં આવવા-જવા માટે આ સોસાયટીઓની આંતરીક રસ્તાઓ (શેરીઓ) માંથી મોટા ભારેખમ વાહનો, ઢોર ઢાંખર વિગેરે સતત આવન-જાવન ચાલુ હોય છે તથા બાઇકો તથા વાહનો જેમ ફાવે તેમ ચલાવે છે. તેમજ મોટા ભારેખમ વાહનોથી પી.જી.વી.સી.એલ.ની આવેલ સર્વીસો વારંવાર તોડી નાખે છે જેથી મોટી જાનહાની થોવાનો અમોને સતત ભય થયા કરે છે. તેમજ આ સોસાયટીમાં સ્કુલ આવેલ હોય તેમાં નાના-નાના બાળકો શેરીઓમાં રમતા હોય તેથી અવાર-નવાર આ શેરીમાં સ્પીડમાં નીકળતા બાઇકો તથા વાહનોથી નાની-મોટી દુર્ઘટના થતી રહે છે. તેથી અકસ્માતનું જોખમ સતત રહ્યા કરે છે. આ સોસાયટીઓની શેરીઓ તથા રસ્તો ઉપર નાના-મોટા વાહનોથી ખુબજ દબાણ થાય છે.

એનીમલ હોસ્ટેલમાં જવા માટે જે ૩૦ ફુટનો રોડ-કોઠારીયા રોડથી ટી.પી.નો રસ્તો આવેલ છે તે રસ્તો આગળ જતાં બંધ હોય તે રસ્તો ખુલ્લો કરી એનીમલ હોસ્ટેલમાંથી સીધી રીતે આવન-જાવન થઇ શકે તેમ છે. તેમજ નેશનલ હાઇવે ઉપરથી સર્વીસ રોડ આવેલ છે તે સર્વીસ રોડ ઉપરથી એનીમલ હોસ્ટેલમાં જવા માટે સીધો રસ્તો થઇ શકે તેમ હોય આ રસ્તાથી એનીમલ હોસ્ટેલમાં સાવ સહેલાયથી જઇ શકાય તેમ છે. તો આ રસ્તો તાત્કાલીક ખુલ્લો કરાવવા માંગ છે.

(3:26 pm IST)