લક્ષ્મીવાડીમાં લતાબેન માંડલીયાને ઘરકામ કરતી ભાનુ પ્રજાપતીએ મારમાર્યો
'મને કામ પરથી કેમ કાઢી નાખી' કહી હુમલો કર્યો
રાજકોટ તા. ર૧: લક્ષ્મીવાડી મેઇન રોડ પર મીલ કમ્પાઉન્ડમાં રહેતી વણીક મહિલાને તેના જ ઘરમાં કામ કરતી મહિલાએ મારમારી ધમકી આપતા ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ લક્ષ્મીવાડી મેઇન રોડ મીલ કમ્પાઉન્ડ-૧ માં રહેતા લતાબેન હસુભાઇ માંડલીયા (ઉ.વ.૪૮) એ ભકિતનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે, ગઇકાલે પોતે ઘરની બહાર કચરો નાખવા જતા હતા ત્યારે પોતાના ઘરમાં અગાઉ ઘરકામ કરતી ભાનુ પ્રજાપતિ (રહે. આજીડેમ ચોકડી પાસે) આવી કહેવા લાગેલ કે, 'મને કામ પરથી કેમ કાઢી નાખી' તેમ કહી ગાળો આપતા પોતે ગાળો આપવાની ના પાડતા ભાનુએ ઉશ્કેરાઇ જઇ ગડદા પાટુનો માર મારવા લાગી હતી. અને જતા જતા કહેવા લાગેલ કેુ, જો તું મને કામ પર નહિં રાખીશ તો જાનથી મારી નાખીશ તેમ ધમકી આપી હતી. આ ભાનુ પ્રજાપતી છેલ્લા એક વર્ષથી પોતાના ઘરે કામ કરતી હતી. દોઢેક માસ પહેલા તે વધારે રજા રાખતી હોઇ જેથી પોતે ઘરકામ કરવા આવવાની ના પાડી હતી તે બાબતનો ખાર રાખી હુમલો કર્યો હતો. આ અંગે ભકિતનગર પોલીસ મથકના હેડ કોન્સ. ધર્મેન્દ્રસિંહ ઝાલાએ તપાસ હાથ ધરી છે.