જામનગર રોડ પર મંદિર નજીકની વાડીમાંથી ઘંટેશ્વરના દિગુભાએ છૂપાવેલો ૪.૬૯ લાખનો દારૂ-બીયર જપ્ત
યુનિવર્સિટી પોલીસે ૧૩૩૨ બોટલ દારૂ અને ૬૯૬ બીયરના ટીન કબ્જે કર્યાઃ નિવૃત આર્મીમેનના પુત્ર દિગુભા જાડેજાની શોધ
રાજકોટ તા. ૨૧: દારૂના ધંધાર્થીઓ પર પોલીસની ધોંસ યથાવત રહી છે. યુનિવર્સિટી પોલીસે મોડી રાત્રે ચોક્કસ બાતમી પરથી જામનગર રોડ પર જેમ્સ સ્કૂલ નજીક આવેલા મંદિર પાસેની દરબાર શખ્સની વાડીમાં છૂપાવાયેલો રૂ. ૪,૬૯,૨૦૦નો દારૂ અને બીયરનો જથ્થો કબ્જે કર્યો છે. આ દારૂ ઘંટેશ્વરના પૂર્વ આર્મીમેનના પુત્ર દરબાર શખ્સે છુપાવ્યો હોવાનું ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે.
પોલીસે રાત્રીના સાડા બારેક વાગ્યે બાતમી પરથી જામનગર રોડ જેમ્સ સ્કૂલ પાછળ આવેલા જલારામ મંદિર પાસેની સિમેન્ટના ચાપણીયાવાડી ફોલ્ડીંગ દિવાલવાળી વાડીમાં દરોડો પાડી જુદી-જુદી બ્રાન્ડનો ૧૩૩૨ બોટલ દારૂ તથા ૬૯૬ બીયરના ટીન મળી રૂ. ૪,૬૯,૨૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તપાસમાં આ દારૂ-બીયરનો જથ્થો ઘંટેશ્વરમાં રહેતાં દિગ્વીજયસિંહ ઉર્ફ દિગુભા પ્રવિણસિંહ જાડેજાએ ઉતાર્યો હોવાનું ખુલતાં તેની સામે ગુનો દાખલ કરી શોધખોળ શરૂ કરવામાં આવી છે.
પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈત, જેસીપી ડી.એસ. ભટ્ટ, ડીસીપી બલરામ મીના, ડો. કરણરાજ વાઘેલા, એડી ડીસીપી હર્ષદ મહેતાએ પ્રોહીબીશન અંગે કડક કાર્યવાહી કરવા આપેલી સુચના અંતર્ગત યુનિવર્સિટી પોલીસ મથકના પી.આઇ. એમ. ડી. ચંદ્રવાડીયા અને ટીમના પીએસઆઇ બી. જે. કડછા, હેડકોન્સ. હરેશભાઇ પરમાર, અમીનભાઇ, રવિરાજસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ, રાજેશભાઇ મિંયાત્રા, લક્ષમણભાઇ સહિતની ટીમ મોડી રાત્રે પેટ્રોલીંગમાં હતી ત્યારે અમીનભાઇ ગફારભાઇ કરગથરા, ધર્મેન્દ્રસિંહ વેલુભા ઝાલા અને રવિરાજસિંહ અશોકસિંહ જાડેજાની પાક્કી માહિતી પરથી દરોડો પાડવામાં આવ્યો હતો.
આ વંડામાંથી દિગુભા દારૂનું કટીંગ કરી છુટક બુટલેગરોને સપ્લાય કરે એ પહેલા પોલીસે ત્રાટકી મોટો જથ્થો જપ્ત કરી લીધો હતો.