રાજકોટ
News of Tuesday, 21st May 2019

ગુરૂવારે રાજકોટ લોકસભા બેઠકની મતગણત્રી : રન ફોર ટ્રાયલ યોજાઇ

તૈયારીઓને આખરી ઓપ અપાયો : જડબેસલાક સુરક્ષા બંદોબસ્ત : સાંજે મતગણત્રી સ્ટાફનું રેન્ડમાઇઝેશન

કણકોટ ખાતે મતગણત્રી સંદર્ભે આજે તૈયારીઓને આખરી ઓપ અપાયો હતો, રન ફોર ટ્રાયલ યોજાઇ હતી, તાલીમો અપાઇ હતી, તસ્વીરમાં વિધાનસભા વાઇઝ રૂમોમાં ગોઠવાયેલ વ્યવસ્થા, તાલીમ અને નીચે કમાન્ડો સહિતનો જડબેસલાક બંદોબસ્ત નજરે પડે છે.

રાજકોટ તા. ૨૧ : સાથે સમગ્ર દેશમાં મનાવવામાં આવેલા લોકશાહીના મહાપર્વ સમી લોકસભાની ચૂંટણી બાદ ઇલેકટ્રોનિક વોટિંગ મશીનમાં બંધ થયેલા ઉમેદવારોના પરિણામો આગામી તા. ૨૩ના રોજ મતગણના બાદ જાહેર થવાના છે. ૧૦-રાજકોટ સંસદીય મત વિસ્તારની મતગણના શહેરની ભાગોળે કણકોટ સ્થિત સરકારી ઇજનેરી કોલેજ ખાતે કરવામાં આવશે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતગણનાને લગતી તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહી રહ્યો છે.

મતગણના માટે ૧૪ ટેબલ રાખવામાં આવ્યા છે. એટલે કે, મતગણનામાં એક રાઉન્ડમાં ૧૪ સીયુના પરિણામો ખોલવામાં આવશે. એક ટેબલ પર એક મત ગણતરીદાર, એક સહાયક મત ગણતરીદાર અને એક સૂક્ષ્મ નિરીક્ષક એમ મળી કૂલ ત્રણ વ્યકિતને ફરજ સોંપવામાં આવશે. તેની સંખ્યા કૂલ મળી ૨૯૪ થશે. આજ સાંજે કાઉન્ટિંગ સ્ટાફનું રેન્ડમાઇઝેશન કરવામાં આવશે.

રાજકોટ બેઠક માટે સૌથી વધુ પોલિંગ સ્ટેશન રાજકોટ ગ્રામ્યમાં છે, એટલે સૌથી વધુ ૨૬ રાઉન્ડ ત્યાં થશે. સર્વ પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી કરવા આવશે. એ બાદ ઇવીએમની મતગણતરી કરવામાં આવશે. ઇલેકશન કમિશનના નિર્દેશ મુજબ આખરી વીવીપેટની ગણતરી કરવામાં આવશે. આ વીવીપેટ એક જ ટેબલ પર વારાફરતી ગણવામાં આવશે. તત્પશ્ચાત આખરી પરિણામ જાહેર કરવામાં આવશે.

આ વખતે ઇલેકશન કમિશન દ્વારા એવો આદેશ આપવામાં આવ્યો છે કે, પ્રત્યેક રાઉન્ડની ગણતરી બાદ પરિણામો કમિશનના સુવિધા સોફટવેર ઉપર અપલોડ કરવાના છે. એટલે પરિણામો તમામ લોકોને એક સાથે મળી શકશે. આ પરિણામો ઇલેકશન કમિશનની એન્ડ્રોઇડ એપ્લિકેશન સુવિધા અને વેબસાઇટ ઉપર નિહાળી શકાશે.

રાજકોટ સંસદીય વિસ્તાર હેઠળ આવતી સાતેય વિધાનસભા મતવિસ્તારના એઆરઓ દ્વારા આજે મતગણતરીની પૂર્વ તૈયારી કરવામાં આવી હતી. અહીં એક મુખ્ય કન્ટ્રોલ રૂમ, પોલીસ કન્ટ્રોલ રૂમ, ઓબ્ઝર્વર રૂમ બનાવવામાં આવ્યો છે.

(3:59 pm IST)