રાજકોટ
News of Tuesday, 21st May 2019

વિદેશી દારૂની છ હજારથી વધુ બોટલો સાથે પકડાયેલ આરોપીઓની જામીન અરજી રદ

દારૂના મોટા જથ્થા સાથે પકડાયેલ હોય જામીન આપવા યોગ્ય નથી

રાજકોટ, તા. ર૧: વિદેશી દારૂની બોટલ નંગ ૬૦૩૬ સાથે પકડાયેલા આરોપીઓની જામીન અરજીને સેન્સ અદાલતે રદ કરી હતી.

આ કેસની હકીકત એવી છે કે આરોપી ગુરપ્રીતસીંગ બહાદુરસીંગ તથા ગુરદીપસીંગ ગુરબક્ષસીંગ રે. ધુરકોટ ગામ લુધીયાણા પંજાબવાળા તા. ૪-૩-૧૯ના રોજ પોલીસને મળેલ બાતમીના આધારે રાજકોટ હાઇવે અમદાવાદ બેટીગામ પાસે ટ્રકમાં પાછળના ભાવે ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂ કુલ બોટલ નંગ ૬૦૩૬ સાથે બંને આરોપી કડાયેલ આમ પોલીસ દ્વારા આરોપીઓના કબજાવાળા ટ્રકમાંથી કુલ રૂ. ર૧,૧૭,૦૪૦/-ની મોટી રકમનો વિદેશી દારૂ કબ્જે કરવામાં આવેલ. તેવી જ રીતે બંને આરોપીની પૂછપરછ દરમ્યાન પકડાયેલ દારૂ હનીફશા ઇસ્માઇલશા શાહમદર રે. દુધસાગર રોડ, ભગવતી સોસાયટી, રાજકોટનાએ મગાવેલાની કબુલાત આપતા ઉપરોકત ત્રણેય આરોપી દ્વારા સેસન્સ કોર્ટ સમક્ષ જામીન અરજી દાખલ કરેલ હતી.

સરકાર પક્ષે સરકારી વકીલશ્રી એ.એસ. ગોગીયા તેમજ અરજદાર પક્ષેની દલીલો તેમજ રજુઆતો તથા તપાસ કરનાર અમલદારનું સોગંદનામુ ધ્યાને લીધા બાદ એડીશનલ સેસન્સ જજ રાજકોટ દ્વારા એવા તારણો આપવામાં આવેલ કે બંને આરોપીઓ વિદેશી દારૂના મોટા જથ્થા સાથે પકડાયેલ હોય તેમજ પકડાયેલ દારૂ ખૂબ જ મોટી રકમનો હોય જેથી પકડાયેલ દારૂના જથ્થા અને કાયદામાં થયેલ સુધારા અન્વયે ત્રણેય આરોપીઓને જામીન ઉપર મુકત કરવા યોગ્ય જણાઇ આવતો ન હોય તમામ આરોપીઓની જામીન અરજી નામંજુર કરતો હુકમ કરેલ હતો. આ કામે સરકાર પક્ષે સરકારી વકીલ શ્રી અનિલ એસ. ગોગીયાએ રજૂઆત કરેલ હતી.

(3:58 pm IST)