રાજકોટ
News of Tuesday, 21st May 2019

કેસ શરૂ થયા પહેલા પરિણિતાને વચગાળાનું ભરણ પોષણ ચૂકવવા અદાલતનો આદેશ

રાજકોટ, તા. ર૧ : ભરણ પોષણની અરજીમાં કેસ શરૂ થયા પહેલા પરણિતાને વચગાળાનું ભરણ પોષણ ચૂકવવાનો અદાલતે હુકમ કર્યો હતો.

અહીંના ૧પ૦ ફુટ રીંગ રોડ પર આવેલ ગુલાબ વિહાર સોસાયટી શેરી નં.ર વિસ્તારમાં રહેતી પરણિતા પ્રિયંકાબહેનના લગ્ન સુરત મુકામે વિશ્વનગર સોસાયટી ત્રિકમનગર ચોપાટી સામે રહેતા ચિરાગગીરી રાજેષગીરી સાથે સને ર૦૧પની સાલમાં થયેલ હતાં અને પછી પતિ-પત્ની વચ્ચે અણબનાવ થતાં પરણિતા પોતાના પીયરે પરત ફરેલ હતી અને તેની પાસે કોઇ આવકનું સાધન ન હોઇ તેણે અરજદાર બની ફેમીલી કોર્ટમાંથી પતિ પાસેથી ભરણ પોષણની રકમની માંગ કરતી અરજી કરેલ હતી અને મૂળ અરજી સાથે કેસ શરૂ થયા પહેલા પતિ પાસેથી વચગાળામાં ભરણ પોષણની માંગ કરતી અરજી પોતાના વકીલ શ્રી અંતાણી મારફતે કરેલ હતી.

આ વચગાળાની અરજી ચાલવા પર આવતા પરણિતાના વકીલ શ્રી અંતાણીએ વિગતવાર દલીલો રજૂ કરેલ હતી અને આ તમામ દલીલોથી સહમત થઇ અને અદાલતે પત્ની ને કેસ ચાલે તેસમય દરમ્યાન વચગાળામાં અરજીની દાખલ તારીખથી એટલે કે તારીખ પ-૧૦-૧૮થી માસીક ૩૦૦૦/- ભરણ પોષણ પેટે ચૂકવવાનો હુકમ કરેલ છે અને કેસની નવી તારીખ મુકરર કરેલ છે અને આ રકમ અરજીની તારીખથી મળતા અરજદાર કેસ ચાલુ થયા પહેલા પતિ પાસેથી ર૧૦૦૦/-ની ભરણ પોષણની રકમ વસુલવા હકકદાર બનેલ છે જેનાથી પરણિતાએ રાહતનો દમ લીધેલ છે.

ઉપરોકત કેસમાં પરણિતા પ્રિયંકાબેન વતી રાજકોટના લગ્ન વિષયક કાયદાના નિષ્ણાત એડવોકેટ શ્રી સંદીપ કે. અંતાણી, તથા સમીમબેન કુરેશી વકીલ તરીકે રોકાયેલ છે.

(3:58 pm IST)