રાજકોટ
News of Tuesday, 21st May 2019

લોન્ડ્રી કન્સેપ્ટઃ અંજુબેનનું સેવાનું સ્વપ્ન સાકાર

ભદ્ર-સુખી પાઉં પરિવારના મહિલાએ કપડાં વોશ-પ્રેસના વ્યવસાયમાં ઝંપલાવી, મહિલાઓને રોજગારી આપી : રાજકોટના શાપર-વેરાવળમાં પિકઅપ માય લોન્ડ્રી ધમધમે છેઃ સંપૂર્ણપણે મહિલા સંચાલિતઃ કપડાં લેવા-આપવાથી માંડીને વોશ-પ્રેસ સર્વિસઃ અત્યાધુનિક સ્ટીમ ટેકનોલોજી અપનાવીઃ રાજકોટમાં લોન્ડ્રી કન્સેપ્ટ વિસ્તારવા આયોજન

લોન્ડ્રી કન્સેપ્ટ દ્વારા વ્યવસાય અને સેવા આદરીને સમાજને પ્રેરણા પૂરી પાડનાર અંજુબેન પાઉં સાથે પુત્રી પ્રાંશુ નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ર૧: રાજકોટના અંજુબેન પાઉંએ મહિલા સશકિતકરણની દિશામાં ગૌરવભેર કદમ માંડયા છે. જરૂરિયાતમંદ મહિલાઓને રોજગાર આપીને એ મહિલાના પૂરા પરિવારનું કલ્યાણ કરવાનો પ્રયોગ સફળ રહ્યો છે.

અંજુબેન ભદ્ર-સુખી રઘુવંશી પરિવારના છે. તેઓ 'અકિલા'ની મુલાકાતે આવ્યા હતા. અંજુબેને જણાવ્યું હતું કે, કારખાનામાં મહિલાઓ કામ કરે છે, પરંતુ પુરૂષની તુલનાએ ઓછું વળતર મળે છે. મહિલાઓને અમે કામ-ટ્રેનિંગ-પુરૃં વળતર અને આત્મસન્માન આપીએ છીએ.

મોટા ભાગે લોકોના ઘરે કપડાં લેવા-આપવા જવાનું, ધોવાનું અને ઇસ્ત્રીનું કામ પુરૂષો કરતા હોય છે, પરંતુ અંજુબહેને રાજકોટમાં છ મહિના પહેલાં શરૂ કરેલા પિકઅપ માય લોન્ડ્રીના બિઝનેસમાં ડોર ટુ ડોર કપડાં લેવા-આપવાથી માંડીને બધી જ કામગીરી મહિલાઓ દ્વારા કરવામાં આવે છે. અંજુબહેને બહુજ ટૂંકા ગાળામાં શહેરના મોટા ભાગના વિસ્તાર કવર કરીને આ પુરૂષપ્રધાન ક્ષેત્રમાં મહિલાનું મજબૂત સ્થાન બનાવી લીધું છે. અંજુબહેનના આ બિઝનેસમાં અત્યારે ર૦થી વધારે મહિલા કપડાંનું ડોર ટુ ડોર કલેકશન કરી, એને વોશ કર્યા બાદ પ્રેસ કરીને કસ્ટમરને પાછાં પહોંચાડવાની કામગીરી બજાવી રહી છે.

આ વ્યવસાયમાં આવવાનો વિચાર કઇ રીતે આવ્યો?

અંજુબહેન પાઉં કહે છે, 'એક વાર બે-ત્રણ દિવસના લગ્ન પ્રસંગમાંથી ઘરે આવ્યા બાદ પ્રસંગનો થાક હતો અને કપડાંનો ઢગલો થઇ ગયો. ઘરના બધા લોકો પ્રસંગમાં હોવાથી કપડાં વધારે હતાં. કામવાળી પણ એ સમયે કામે આવી નહીં. થાકના હિસાબે આળસ પણ થઇ રહી હતી. ત્યારે વિચાર આવ્યો કે મારી જેમ ઘર સંભાળતી અન્ય મહિલાઓને પણ અવારનવાર આવી જ પરિસ્થિતિનો સામનો કરવો પડતો હશે ને? બસ, આ વિચાર સાથે વોશિંગના ક્ષેત્રમાં આગળ વધવાનો વિચાર કર્યો. મારા પતિ અમિતને મેં આ વાત કરી તો એમણે મને પ્રોત્સાહિત કરી. એ પછી તો અમે આ વ્યવસાયને લગતી બધી માહિતી એકઠી કરવા લાગ્યાં. અમદાવાદ-વડોદરામાં ચાલતી લોન્ડ્રીની મુલાકાત લીધી. ત્યારે વિચાર આવ્યો કે આ પ્રકારનો વ્યવસાય કોઇ ગૃહિણી નથી કરતી એટલે અમે એવાં ઘર-ગૃહિણીઓને નજર સામે રાખીને લોન્ડ્રીની શરૂઆત કરી. આ વ્યવસાયનું મુળ આમ તો મહિલા છે એટલે એને જ આ કામગીરીમાં સાંકળવાનું વિચાર્યું'

લોન્ડ્રીના વિચાર પછી અંજુબહેને તાલીમ પણ લીધી. કપડાંના વોશિંગ દરમિયાન પાણી તથા વીજળીની બચત થાય એવી મશીનરી વસાવી. રાજકોટ નજીક શાપરમાં લોન્ડ્રીની શરૂઆત કરી આજુબાજુમાં રહેતી જરૂરતવાળી મહિલાઓનો સંપર્ક કરી એમને કપડાંના કલેકશનની તથા કપડાં ધોવાની ને ઇસ્ત્રી કરવાની તાલીમ આપી. કપડાંના ડોર ટુ ડોર કલેકશનની કામગીરી માટે એમણે ઓનલાઇન એપ્લિકેશન પણ બનાવી. કપડાં લેવા જનારી મહિલા ટેબ્લેટ સાથે લઇ જાય અને કેટલાં પેન્ટ? કેટલાં શર્ટ? સહિતની અલગ અલગ નોંધ પણ કરે. આમ એમણે આ વ્યવસાયને આધુનિક સ્વરૂપ આપ્યું.

મહિલા પણ પડકાર ઉપાડે ત્યારે એનો ખરો મિજાજ સામે આવે છે. મારી સાથે કામ કરતી મહિલાઓ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે. લોન્ડ્રીમાં વોશમાં જતાં કપડાંને ટેગિંગ કોડ કરતાં શીખી ગઇ છે. વિવિધ કપડાંમાંથી કોટન અને સિલ્કનાં કપડાં જુદાં પાડીને કલરવાઇઝ એમને અલગ રીતે ધોવાના કામમાંય એ માહેર થઇ ગઇ છે.'

પિકઅપ માય લોન્ડ્રીમાં બધી કામગીરી મહિલા કરી રહી છે. માત્ર આ કામ માટે વપરાતી ઓટોરિક્ષાના ડ્રાઇવર જ પુરૂષો છે અને એમાં પણ હવે મહિલા આવે એવા પ્રયત્ન અંજુબહેન કરી રહ્યાં છે. આજે પ૦૦થી વધુ ગ્રાહકો ધરાવતી લોન્ડ્રીમાં મહિલા મહિને ૧૦,૦૦૦ થી ૧ર,૦૦૦ સુધી કમાય છે. આ ઉપરાંત, અંજુબહેન પોતાના એક મિત્રનું સપનું પુરૃં કરવા માટે એક ઉલ્લેખનીય કાર્ય કરી રહ્યાં છે. પિકઅપ માય લોન્ડ્રીની આવકમાંથી પ૦ ટકા રકમ કિડનીના દરદીઓને ડાયાલિસિસ માટે આપવામાં આવે છે.

સાસુ-સસરા મારા ભગવાનઃ અંજુબેન પાઉં

જીવનસાથી અમિતભાઇ પાઉંનો ભરપૂર સહયોગઃ અંજુબેન ભવિષ્યમાં સુધારેલા શાકનો કન્સેપ્ટ લોન્ચ કરશેઃ તેઓ કહે છે, શ્રીનાથજી બાવામાં મને અતૂટ શ્રદ્ધા છે

રાજકોટ તા. ર૧: લોન્ડ્રી કન્સેપ્ટથી વ્યવસાય અને સેવાનો સંગમ સર્જનાર અંજુબેન પાઉં કહે છે કે, સફળતા માટે મેનેજમેન્ટ અને ટીમવર્ક જરૂરી છે. તેઓ કહે છે કે, મને મારા જીવનસાથીનો સહયોગ મળ્યો છે. ઉપરાંત સાસુ કૈલાશબેન અને સસરા કિશોરભાઇ મારા ભગવાન સમાન છે. સાસુ ઘર સંભાળે તો હું આ બધું સંભાળી શકું.

અંજુબેનનું પીયર અમરેલી છે મગનલાલ રામજીભાઇ અટારા પરિવારમાંથી આવે છે, જે પંકજ ટ્રેડિંગ કંપની ધરાવે છે. ચા નો જથ્થાબંધનો વ્યાપાર છે. અંજુબેનની દીકરી પ્રાંશુ એમ.એસ. યુનિ.માં મેથ્સ સાથે બીએસસી કરે છે. પુત્ર ઝીલ્સ પણ ખૂબ તેજસ્વી છે.

અંજુબેન કહે છે કે, લોન્ડ્રી કન્સેપ્ટ રાજકોટના વિવિધ વિસ્તારોમાં વિસ્તારવા આયોજન ચાલે છે. આ ઉપરાંત ભવિષ્યમાં સુધારેલા શાક-ભાજીના વ્યવસાયમાં જવાની ઇચ્છા છે.

અંજુબેન લોન્ડ્રી કન્સેપ્ટ દ્વારા મહિલાઓને રોજગારી તો આપે જ છે, સાથે જે નફો થાય તેમાંથી કીડનીના દર્દીઓની સેવા કરાય છે. તેઓ કહે છે કે, અમારા મિત્ર શાંતુભાઇ રૂપારેલિયાનું સ્વપ્ન સિદ્ધ કરવા દર્દીઓને ડાયાલીસીસ ફ્રી કરાવવામાં આવે છે.

અંજુબેન શ્રીનાથજી બાવા પર પૂર્ણ શ્રદ્ધા ધરાવે છે તેઓ કહેછે કે, આપણે શુદ્ધભાવથી કામ કરીએ તો શ્રીનાથજીની સહાય સતત મળતી રહે. અંજનાબેન પાઉંનો સંપર્ક મો. ૭૦૩૧૧ ૦૮૧૦૮ નંબર પર થઇ શકે છે.

(3:51 pm IST)