રાજકોટ
News of Tuesday, 21st May 2019

પ્રદ્યુમન પાર્ક ઝુમાં ૧ સિંહ બાળનો જન્મ

૧૯મીએ રાત્રે સિંહણ 'સ્વાતી'એ બચ્ચાને જન્મ આપતા ઝુમાં સિંહની સંખ્યા ૧૯ થઇ : મેયર બીનાબેન તથા ઝુ સમિતિના ચેરપર્સન વિજયાબેનની જાહેરાત

રાજકોટ તા. ૨૧ : મેયર બિનાબેન આચાર્ય તથા બાગ બગીચા અને ઝુ કમિટીના ચેરમેન વિજયાબેન વાછાણી એક યાદીમાં જણાવે છે કે, રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે તા.૧૯ના રોજ સિંહ માદા સ્વાતિએ સિંહબાળ-૦૧ (નર)ને જન્મ આપેલ છે. સિંહબાળના પિતા મેઘવન છે. સ્વાતિ સિંહણે અગાઉ ૨૪/૦૯/૨૦૧૪ના રોજ પ્રથમ વખત ત્રણ બાળને જન્મ આપેલ જેમાં નર-૦૧ તથા માદા-૦૨ જે તમામ સિંહબાળ હાલમાં પુખ્ત થઇ ગયેલ છે.

વિશેષમાં, રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતેનું કુદરતી જંગલ સ્વરૂપેની નૈસર્ગિક વાતાવરણ એશિયાઈ સિંહો તથા સફેદ વાઘને અનુકુળ આવી જતાં સમયાંતરે ખૂબ જ સફળતાપૂર્વક સંવર્ધન થઇ રહેલ છે. વન્યપ્રાણી વિનિમય હેઠળ સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી, ન્યુ દિલ્હી તથા રાજય સરકારની નિયમોનુસાર મંજૂરી મેળવી રાજકોટ ઝૂ ખાતેથી સિંહોને સક્કરબાગ ઝૂ-જુનાગઢ, અમદાવાદ ઝૂ, લખનઉ ઝૂ, છતબીર ઝૂ-પંજાબ, મૈસુર ઝૂ, ભિલાઈ ઝૂ- છતિસગઢ, હૈદરાબાદ ઝૂ વિગેરેને આપવામાં આવેલ છે. હાલ ઝૂ ખાતે સિંહ નર-૦૫, સિંહ માદા-૧૩ તથા જન્મેલ સિંહ બાળ-૧ મળી કુલ-૧૯ સિંહ સંખ્યા થયેલ છે. હાલ ઝૂમાં જુદી જુદી ૫૩ પ્રજાપતિઓના કુલ-૪૦૬ વન્યપ્રાણી-પક્ષીઓ મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવે છે.

દરમિયાન ઝુ વિભાગના અધિકારીની યાદીમાં જણાવાયું છે કે, મહાનગરપાલિકાનાં પ્રદ્યુમન પાર્ક પ્રાણી ઉદ્યાન ખાતે તા.૧૯/૦૫/૨૦૧૯ના રોજ રાત્રી દરમિયાન સિંહ માદા 'સ્વાતી'એ સિંહ નર 'મેઘવન' સાથેના સંવનનથી એક સિંહબાળને જન્મ આપેલ છે. માદા સિંહણ તથા બચ્ચાનું સી.સી.ટી.વી. કેમેરા હેઠળ રાઉન્ડ ધ કલોક સતત ૨૪ કલાક અવલોકન કરવામાં આવી રહેલ છે. હાલ માતા તથા બચ્ચુ તંદુરસ્ત જણાય છે.

અગાઉ ઝૂ ખાતે ઉકત માદા સ્વાતીએ તા.૨૪/૦૯/૨૦૧૪ના રોજ પ્રથમ વખત ત્રણ સિંહ બાળ-૦૩ (નર-૧ તથા માદા-૨)ને જન્મ આપેલ. જે તમામ સિંહબાળ હાલ પુખ્ત થઇ ગયેલ છે અને ઝૂ ખાતે પધારતા મુલાકાતીઓ માટે ખુબ જ આકર્ષણનું કેન્દ્ર બની ગયેલ છે.રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતેનું કુદરતી જંગલ સ્વરૂપેનું નૈસર્ગીક વાતાવરણ એશીયાઇ સિંહો તથા સફેદ વાઘને અનુકુળ આવી જતા સમયાંતરે ખુબ જ સફળતા પૂર્વક સંવર્ધન થઇ રહેલ છે.

રાજકોટ પ્રાણીઉદ્યાનનો આધુનીક ઢબે વિકાસ કરાતા મુલાકાતીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયેલ છે. ગત વર્ષ ૨૦૧૮-૧૯ દરમિયાન કુલ- ૭,૪૧,૦૪૧ મુલાકાતીઓ પાર્ક ખાતે પધારતા રાજકોટ મહાનગરપાલિકાને કુલ-રૂ.૧,૮૫,૬૭,૭૦૪ની આવક થયેલ છે. જે ગત વર્ષના સાપેક્ષમાં મુલાકાતીઓની સંખ્યામાં ૨૦્રુનો વધારો નોંધાયેલ છે. હાલ વેકેશનનો સમયગાળો હોય ઝૂ ખાતે દૈનીક મુલાકાતીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયેલ છે અને રાજકોટ ઝૂનું કુદરતી નૈસર્ગીક વાતાવરણ વન્યપ્રાણીઓ તેમજ મુલાકાતીઓને પણ પસંદ પડે છે.

(3:07 pm IST)