રાજકોટ
News of Tuesday, 21st May 2019

૧૫૦ રીંગ રોડ પર આસ્થા એન્કલેવમાં અભયભાઇ તન્નાના ફલેટમાં આગઃ ૧ાા લાખનું નુકસાન

પરિવારજનો પિતાશ્રીની પૂણ્યતિથી નિમીતે વૃધ્ધાશ્રમમાં ગયા ને રાત્રે આગ ભભૂકીઃ શોર્ટ સરકિટ કારણભૂત

રાજકોટ તા. ૨૧: માધાપર ચોકડી નજીક ૧૫૦ રીંગ રોડ પર સિનર્જી હોસ્પિટલ પાછળ આસ્થા એન્કલેવ બીજા માળે ફલેટ નં. ૨૦૪માં રહેતાં અને સ્ટર્લિંગ હોસ્પિટલમાં એકાઉન્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરતાં અભયભાઇ રમેશચંદ્રભાઇ તન્નાના ફલેટમાં રાત્રીના દસેક વાગ્યે આગ ભભૂકતાં તમામ રાચરચીલુ બળી જતાં દોઢેક લાખનું નુકસાન થયું છે.

અભયભાઇના પિતાશ્રી રમેશચંદ્રભાઇ તન્નાની ગઇકાલે પૂણ્યતિથી હોઇ અભયભાઇ અને પરિવારના સભ્યો ગોંડલ રોડ પર આવેલા પદ્દમકુંવરબા વૃધ્ધાશ્રમમાં દાન કરવા ગયા હતાં. રાત્રીના દસેક વાગ્યે તેમના ફલેટમાં આગ લાગતાં ધૂમાડા નીકળતાં પડોશીઓએ તાકીદે ફાયર બ્રિગેડને જાણ કરતાં સ્ટાફના સંજયભાઇ વાઘેલા, દિગ્વીજયસિંહ જાડેજા, કલ્પેશભાઇ ગોસ્વામી સહિતે પહોંચી આગ બુઝાવી હતી.

એ દરમિયાન અભયભાઇ પણ ઘરે પહોંચી ગયા હતાં. આગમાં આખો બેડરૂમ સળગી ગયો હતો. સેટી પલંગ, કબાટ, પંખો, ફર્નિચર, બાજુના રૂમનો દરવાજો તેમજ પીઓપી સળગી જતાં દોઢેક લાખનું નુકસાન થયું હતું. શોર્ટ સરકિટથી આગ ભભૂકયાનું પ્રાથમિક તારણ છે.

ગાંધીગ્રામના એએસઆઇ જયસુખભાઇ હુંબલ અને સ્ટાફે આજે સવારે એફએસએલને સાથે રાખી તપાસ કરી હતી.

(1:42 pm IST)