રાજકોટ
News of Tuesday, 21st May 2019

બાપુનગર પાસે એકતાકોલોનીના રામક્રિપાલની ભેદી હત્યા

જંગલેશ્વર પાસે રહેતાં અને વે બ્રિજમાં નોકરી કરતાં ૨૭ વર્ષના યુવાનની બાપુનગરના સ્મશાન પાસે લાશ મળીઃ મોબાઇલ ગાયબઃ ડાબા ઢીંચણ પાછળ એક જ ઘાઃ રહસ્ય ઉકેલવા ભકિતનગર પોલીસ, ક્રાઇમ બ્રાંચ અને એસઓજીની ટીમોની દોડધામ : લૂંટના ઇરાદો હોવાની શંકા

રહસ્યમય હત્યાઃ જંગલેશ્વર મેઇન રોડ બાપુનગર સ્મશાન પાસે મુળ યુપીના રામક્રિપાલ નામના યુવાનની હત્યા કરાયેલી લાશ મળતાં ચકચાર મચી ગઇ હતી. તસ્વીરમાં  ઘટના સ્થળ, લાશ જે રીતે પડી હતી તે દ્રશ્ય તથા નીચેની તસ્વીરોમાં મૃતકના ભાઇ પાસેથી માહિતી મેળવી રહેલા  પી.આઇ. વી. કે. ગઢવી, પી.આઇ. એચ. એમ. ગઢવી, પી.આઇ. આર.વાય. રાવલ, પીએસઆઇ પી.એમ. ધાખડા, હેડકોન્સ. વિજેન્દ્રસિંહ જાડેજા, પ્રવિણભાઇ ગઢવી, ઘનશ્યામસિંહ ચૌહાણ, ધમભા રાણા, ગિરીરાજસિંહ જાડેજા તથા છેલ્લી તસ્વીરમાં રાહદારીઓ પાસેથી માહિતી મેળવવા પ્રયાસ કરી રહેલા પી.આઇ. વી. કે. ગઢવી જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૧: શહેરમાં હત્યાની એક ઘટના બની છે. જંગલેશ્વર મેઇન રોડ બાપુનગરના સ્મશાન પાસે મુળ યુપીના ૨૭ વર્ષના યુવાનની હત્યા કરાયેલી લાશ મળતાં ચકચાર જાગી છે. ડાબા પગના ઢીંચણ પાછળના ભાગે છરી કે તિક્ષ્ણ હથીયારનો એક જ ઘા ઝીંકાયો છે. આ યુવાનની હત્યા કોણે અને શા માટે કરી? તે રહસ્ય ઉકેલવા ભકિતનગર પોલીસ અને ક્રાઇમ બ્રાંચની ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હત્યાનો ભોગ બનનાર યુવાનનો મોબાઇલ ફોન ગાયબ છે. તેનું રોકડ સાથેનું પર્સ પણ જેમનું તેમ મળ્યું છે. આથી હત્યા લૂંટના ઇરાદે થયાની શકયતા નહિવત છે. પોલીસે જુદી-જુદી દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ હુશેનભાઇ નામના જાગૃત નાગરિક રમઝાન મહિનો ચાલતો હોઇ સવારે વહેલી ઉઠીને બાપુનગર સ્મશાન નજીકથી પસાર થઇ રહ્યા હતાં ત્યારે સ્મશાનના ગેઇટ બહાર કેબીન પાસે બાંધેલા છાપરા નીચે એક યુવાન પડેલો દેખાતાં અને લોહીનું ખાબોચીયું જોવા મળતાં કંઇક અજુગતું બન્યાનું સમજી નજીક જઇ તપાસ કરતાં આ યુવાન મૃત જણાતાં તેણે તુર્ત જ પોલીસ કન્ટ્રોલ રૂમમાં જાણ કરી હતી.

ત્યાંથી ઇન્ચાર્જ મારફત મેસેજ મળતાં ભકિતનગરના પી.આઇ. વી. કે. ગઢવી, પીએસઆઇ પી. બી. જેબલીયા, ક્રાઇમ બ્રાંચના પી.આઇ. એચ. એમ. ગઢવી, એસઓજી પી.આઇ. આર. વાય. રાવલ, ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ પી.એમ. ધાખડા, પીએસઆઇ ડી.એ. ધાંધલ્યા, ઘનશ્યામસિંહ ચૌહાણ, હરદેવસિંહ, ભકિતનગરના વિજેન્દ્રસિંહ જાડેજા, પ્રવિણભાઇ ગઢવી, નિલેષભાઇ મકવાણા, ઘનશ્યામભાઇ મેણીયા, વિક્રમ ગમારા, મહેન્દ્રસિંહ ડોડીયા, દિવ્યરાજસિંહ ઝાલા, ભાવેશભાઇ મકવાણા, કોન્સ. દેવાભાઇ ધરજીયા, રણજીતસિંહ પઢારીયા, હિતેષ અગ્રાવત સહિતનો સ્ટાફ દોડી ગયો હતો.

પોલીસે તપાસ કરતાં મૃતક યુવાન પાસેથી  આધાર કાર્ડ મળતાં તેનું નામ રામક્રિપાલ ભગીરથ બર્મા (પટેલ) (ઉ.૨૭) હોવાનું અને તે મુળ ઉત્તરપ્રદેશના ગોબરહા પોસ્ટ સિતઇ જંગલનો હોવાની માહિતી મળી હતી. આસપાસથી બીજા પરપ્રાંતિય મજૂરોને બોલાવી તપાસ કરાવતાં મૃતક યુવાન બાપુનગર પાસે આવેલા વે બ્રિજમાં નોકરી કરતો હોવાનું અને તે જંગલેશ્વર એકતા કોલોની-૫માં રૂમ પાર્ટનર સાથે રહેતો હોવાનું ખુલ્યું હતું.

પોલીસે મૃતદેહ ચકાસતાં ડાબા પગના ઢીંચણ પાછળ તિક્ષ્ણ હથીયારનો એક જ ઘા જોવા મળ્યો હતો. કદાચ ધોળી નસ કપાઇ જતાં લોહી વહી જતાં મોત નિપજ્યાનું તારણ કાઢવામાં આવ્યું હતું. પોલીસે વિશેષ તપાસ કરતાં એવી માહિતી મળી હતી કે હત્યાનો ભોગ બનનાર રામક્રિપાલ બર્મા ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં મોટો હતો. તેના બીજા ભાઇઓના નામ સંજય તથા રામસાગર છે. પોલીસે વાવડી રહેતાં સંજયને બોલાવી માહિતી મેળવી હતી.

હત્યાનો ભોગ બનનાર રામક્રિપાલ તેના રૂમ પાર્ટનર ક્રિષ્ના યાદવને પોતે કામે જઇ રહ્યાનું કહીને રાત્રે સાડા દસેક વાગ્યે રૂમેથી નીકળ્યો હતો. એ પછી સવારે તેની બાપુનગરના સ્મશાન પાસેથી હત્યા કરાયેલી લાશ મળી હતી. પોલીસે તેના રૂમ પાર્ટનરની પુછતાછ કરી હતી. પરંતુ તે આ હત્યા વિશે કંઇ જાણતો ન હોવાનું કહે છે.

હત્યા કોણે અને શા માટે કરી? તે રહસ્ય ઉકેલવા ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એચ. સરવૈયા, એસીપી એચ.એલ. રાઠોડની રાહબરીમાં પી.આઇ. વી. કે. ગઢવી, પીઆઇ એચ.એમ. ગઢવી, પી.આઇ. આર.વાય. રાવલ, પીએસઆઇ પી.એમ. ધાખડા, પીએસઆઇ પી. બી. જેબલીયા અને  ટીમોએ ઠેર-ઠેર તપાસ શરૂ કરી છે. (૧૪.૭)

રાત્રે કોઇનો ફોન આવ્યા બાદ નીકળ્યો'તો

 .હત્યાનો ભોગ બનનારના રૂમ પાર્ટનર ક્રિષ્ના યાદવના કહેવા મુજબ રામક્રિપાલને રાત્રે કોઇનો ફોન આવ્યો હતો. એ પછી તે કામે જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો. પોતે અને રામક્રિપાલ એક મહિનાથી રૂમ પાર્ટનર તરીકે રહે છે. પોતે પણ વેબ્રિજમાં કામ કરે છે.

રામક્રિપાલના ગયા વર્ષે જ લગ્ન થયા'તા

. હત્યાનો ભોગ બનેલા રામક્રિપાલ બર્માના ગયા વર્ષે જ લગ્ન થયા હતાં. તે ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં મોટો હતો. તેના  માતા-પિતા અને પત્નિ વતનમાં રહે છે. પોતે વર્ષોથી રાજકોટ રૂમ રાખી મજૂરી કરતો હતો.

સીસીટીવી કેમેરામાં બે શંકાસ્પદ વાહન દેખાયા

 .પોલીસે ઘટના સ્થળ આસપાસના સીસીટીવી કેમેરા ચેક કરવા કવાયત કરી હતી. બે વાહન શંકાસ્પદ જણાયા હોઇ તે અંગે તપાસ શરૂ કરી છે. હત્યા અન્ય સ્થળે કરીને લાશ બાપુનગર પાસે ફેંકી દેવાયાની પણ શંકા ઉપજી રહી છે.

નાના ભાઇ સંજય બર્માની ફરિયાદ પરથી ગુનો દાખલ

 . પોલીસે હત્યાનો ભોગ બનેલા યુવાનના નાના ભાઇ સંજય બર્માની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ અને તપાસમાં ખુલે તેની સામે આઇપીસી ૩૦૨, ૧૩૫ (૧) મુજબ હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જો કે બપોર સુધી ભેદ ઉકેલાય તેવી કોઇ કડી સાંપડી નથી.

(3:03 pm IST)