રાજકોટ
News of Tuesday, 21st May 2019

હવે શિક્ષકોની હાજરી ઓન લાઇન પુરાશે

રાજકોટ તા. ર૧ :.. શિક્ષણ વિભાગે એક મહત્વનો નિર્ણય લીધો છે, જે અંતર્ગત સરકારી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક સ્કુલના વિદ્યાર્થીઓ અને શિક્ષકોની હાજરી ઓનલાઇન પુરવામાં આવશે. રાજકોટ જિલ્લાની કુલ ર૮૦ સ્કુલમાં આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. આ નિયમ લાગુ થતાં ૬ હજાર જેટલા શિક્ષકો અને ૧.રપ લાખ વિદ્યાર્થીઓની આગામી સત્રથી ઓનલાઇન હાજરી પુરાશે. ઓનલાઇન હાજરી પુરવાનું શરૂ થઇ જતાં ગુટલીબાજ શિક્ષકો મુંઝવણમાં મુકાયા છે.

જિલ્લા શિક્ષણાધિકારીએ પત્ર બહાર પાડતાં જણાવ્યું કે જૂન ર૦૧૯ થી શરૂ થતા નવા સત્રનો શુભારંભ થતાની સાથે સમગ્ર રાજયમાં આગામી ૧૦ જૂનથી ઓનલાઇન એસ. એસ. એ પોર્ટલ પર હાજરી પુરવાનો શુભારંભ થશે. સ્કુલ ખૂલતાંની સાથે સવારના ૧૧.૩૦ પહેલાં હાજરી પુરાય એ ખૂબ જ જરૂરી છે. તેમજ તમામ સ્કુલમાં ધોરણ ૯ થી ૧૧ ના તમામ સરકારી તથા બિનસરકારી, ગ્રાન્ટેડ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કુલના વિદ્યાર્થીઓની માહિતી અપડેટ કરવાની રહેશે. આ સાથે જ જણાવ્યું કે તમામને સ્કુલના યુઝર આઇડી અને પાસવર્ડ પણ આપવામાં આવ્યા છે. તેમ છતાં કોઇ મુશ્કેલી હોય તો આપના તાલુકાના બીઆરસી ભવન કે શહેરી વિસ્તારના યુઆરસી ભવનના બ્લોક એમઆઇએસનો સંપર્ક કરવો.

(10:39 am IST)