રાજકોટ
News of Monday, 21st May 2018

રેસકોર્સ રીંગ રોડ પરનાં વિવાદીત

વિઠ્ઠલ એપાર્ટમેન્ટમાં ગેરકાયદે બાંધકામ અટકાવોઃ રહેવાસીઓની કમિશ્નરને રજૂઆત

ટી.પી. વિભાગે નોટીસ પણ આપી છતાં બેફામ પણે બાંધકામ ચાલુઃ કોન્ટ્રાકટર ઉપર કોર્પોરેશનની એક સમિતિનાં ચેરમેનનાં ચાર હાથ હોવાના આક્ષેપો

રાજકોટ તા. ર૧ :.. શહેરનાં હાર્દસમાં રેસકોર્ષ રીંગ રોડ પર આવેલ વિવાદીત વિઠ્ઠલ એપાર્ટમેન્ટમાં ગેરકાયદે થઇ રહેલ બાંધકામ અટકાવવો. એપાર્ટમેન્ટનાં રહેવાસીઓ દ્વારા મ્યુ. કમિશ્નર બંછાનીધી પાનીને રજૂઆત કરાઇ હતી.

આ અંગે વિઠ્ઠલ એપાર્ટમેન્ટનાં પ્રમુખ સહિત ૪૦ ફલેટ ધારકોએ સહી-સિકકા સાથે મ્યુ. કમિશનર બંછાનીધિ પાનીને પાઠવેલા આવેદન પત્રમાં જણાવાયું છે કે, વિઠ્ઠલ એપાર્ટમેન્ટનાં રહેવાસીઓ દ્વારા ર૯ એપ્રિલે વિઠ્ઠલ એપાર્ટમેન્ટમાં ગેરકાયદે બાંધકામ થઇ રહ્યાની રજૂઆત કરેલ જે અનુસંધાને ટી. પી.ઓ શ્રી સાગઠીયા દ્વારા બાંધકામ અટકાવવા નોટીસ અપાયેલ છે.

રહેવાસીઓએ રજૂઆતમાં આક્ષેપો કરતાં જણાવેલ કે એપાર્ટમેન્ટની વધારાની એફ. એસ. આઇ. નો 'વહીવટ' કરીને પાંચ-૬ અને ૭ માળ સુધી લીફટનું ગેરકાયદે બાંધકામ શરૂ થયેલ છે.

જે બિલ્ડીંગનાં જૂનવાણી બાંધકામ સાથે સુસંગત નહી હોવાથી જોખમી છે.

રજૂઆતમાં રહેવાસીઓ દ્વારા એવો આક્ષેપ પણ કરાયો હતો કે કોન્ટ્રાકટર દ્વારા ખૂલ્લે આમ એવુ કહેવાય છે કે તેઓને કોર્પોરેશનની એક સમિતિનાં ચેરમેનનાં આર્શિવાદ છે. તેથી આ બાંધકામ અટકશે નહીં.

આમ આ પ્રકારની રજૂઆત થી મ્યુ. કોર્પોરેશનમાં ખળભળાટ મચી ગયો છે અને વિઠ્ઠલ એપાર્ટમેન્ટ વધુ એક વખત વિવાદી બન્યું છે.

(4:42 pm IST)