રાજકોટ
News of Monday, 21st May 2018

'ઝેર તો પીધાં છે જાણી જાણી'બહુમુલી કૃતિઃ ડો.નરેશ વેદ

નાગરિક બેન્ક દ્વારા પુસ્તક પરબમાં 'દર્શક'ની નવલથાની ભાવયાત્રા

રાજકોટઃ .ફકત બેન્કિંગ જ નહિ, સામાજિક ઉત્તરદાયિત્વ સાથે કાર્ય કરતી, રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ.દ્વારા પુસ્તક પરબ ચાલી રહ્યું છે. તાજેતરમાં'૨૪' મણકામાં મનુભાઈ પંચાળી 'દર્શક'ની નવલકથા 'ઝેર તો પીધાં છે જાણી જાણી'ની ભાવયાત્રા ગુજરાત યુનિવર્સીટી અને ભાવનગર યુનિવર્સીટીના પૂર્વ ઉપકુલપતિ ડો.નરેશ વેદે બેન્કની રાજકોટ ખાતેની હેડ ઓફિસ 'અરવિંદભાઈ મણીઆર નાગરિક સેવાલય'માં રજુ કરી હતી. તેઓએ જણાવેલ કે વિશ્વ સાહિત્યની આ એક બહુમુલી કૃતિ છે. જેટલું માન- સન્માન 'ઝેર તો પીધાં જાણી જાણી'ને મળવું જોઈએ તેટલું મળ્યું નથી. આ નવલકથાની વિશેષતાએ છે કે પહેલીવાર કોઈ ગુજરાતી નવલકથાકાર ગુજરાતની બહાર જ નહિ પરંતુ વિશ્વમાં પગ મૂકે છે. નવલકથાનો નાયક વિશ્વનેતાની ભૂમિકા અદા કરે છે. જગતનાં મહાન કહી શકાય તેવા વિશ્વ નેતાઓઙ્ગતેની સાથે બેસીને ચર્ચા કરે છે. આપણે જોઈએ છીએ કે વિશ્વમાં કોઈને કોઈ ખૂણે યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધ ખરેખર તો ઝેર છે. માનવજાત આ યુદ્ધનું ઝેર દરરોજ જાણી જાણીને પીવે છે અને એટલે જ દર્શકની નવલકથા કહે છે ઝેર તો પીધાં છે જાણી જાણી. આ પુસ્તક પરબમાં નલિનભાઈ વસા (ચેરમેન), જીવણભાઈ પટેલ (વાઈસ ચેરમેન), જયોતિન્દ્રભાઈ મહેતા (ચેરમેન- નાફકબ), ટપુભાઈ લીંબાસીયા (પૂર્વ વાઈસ ચેરમેન- ડિરેકટર), હરકિશનભાઈ ભટ્ટ (એડવાઈઝર ટુ બોર્ડ), વિવિધ શાખા વિકાસ સમિતિનાં કન્વીનર, સહ- કન્વીરનર, ડેલીગેટ, આમંત્રિતો- નાગરિક પરિવારજનો ઉપસ્થિત રહ્યા  હતા. આ તકે ડો.નરેશ વેદનું નલિનભાઈ વસા અને જયોતિન્દ્રભાઈ મહેતાએ પુસ્તક- ખાદીનો રૂમાલ અને સ્મૃતિ ભેટ આપી સન્માન કર્યું હતું. કાર્યક્રમનું સરળ અને ભાવવાહી સંચાલન કવયિત્રી- સીએ સ્નેહલ તન્નાએ કર્યું હતું.

(4:37 pm IST)