રાજકોટ
News of Monday, 21st May 2018

ઘરે ઘરે પહોંચેલ મોબાઇલ ટેકનોલોજી સ્વ.રાજીવ ગાંધીની દુરંદેશી નીતિનું પરિણામ

પુણ્યતીથીએ પ્રદેશ કોગ્રેંસ અગ્રણી મનોજ રાઠોડ દ્વારા શ્રધ્ધાસુમન અર્પણ

રાજકોટ, તા.૨૧: દેશના યુવા વડાપ્રધાન તરીકે સુકાન સંભાળનાર પૂર્વ વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીની આજે પુણ્યતિથિ નિમિતે શ્રદ્ઘા સુમન અર્પણ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મોરબી શહેર જિલ્લાના નિરીક્ષક અને લોધિકા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મનોજ રાઠોડે કહ્યું છેકે  રાજીવ ગાંધીએ વડાપ્રધાનપદનો કાર્યભાર સાંભળ્યો ત્યારથી ખેતી પ્રધાન ભારતના આર્થિક કરોડરજ્જૂ સમાન ખેડૂતોની સાથોસાથ ગૌ રક્ષાની પણ ચિંતા કરતાં હતા, દેશને આઈ.ટી. ક્ષેત્રે આગળ લાવવા માટે તેઓએ મોબાઈલની ઓળખ દેશવાસીઆને કરાવી હતી. સ્વ. રાજીવગાંધીની દૂરદેશી નીતિને કારણે આજે ઘેર ઘેર મોબાઈલ મહત્વનું અને અભીન્ન અંગ બની ગયા છે.

 વરસાદ પર આધારિત ખેતીને કારણે ખેડૂતોને આર્થિક નુકશાન ન જાય તે માટે પાકવીમાની શરૂઆત પણ સ્વ. રાજીવ ગાંધીએ સૌરાષ્ટ્રના ખંભાળિયાની મુલાકાત દરમિયાન કરાવી હતી એટલુજ નહીં દુષ્કાળના સમયમાં ગૌશાળાઓને ગૌ રક્ષા માટે સબસિડીનો અમલ કરાવવાનો નિર્ણય પણ તેમણે શરૂ કરાવ્યો હતો

સ્વ. રાજીવ ગાંધી ૨૧મી સદીના સ્વપ્નદ્રષ્ટા હતા. ભારતના આધુનિક દ્યડતર માટે વિશેષ યોગદાન આપનારા સ્વ. વડાપ્રધાન રાજીવ ગાંધીની આજે પુણ્યતિથિ છે ત્યારે તેઓના જીવન કાર્યમાંથી પ્રેરણા લઈને દરેક કોંગ્રેસી મિત્રોને આગળ વધવાનો અનુરોધ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મોરબી શહેર જિલ્લાના નિરીક્ષક મનોજ રાઠોડે ઉમેર્યું છે કે , સ્વ. રાજીવ ગાંધીએ વડાપ્રધાન તરીકેનના તેમના કાર્યકાળમાં અનેક મહત્વના નિર્ણયો લીધા હતા. ઇન્ફોર્મેશન ટેકનોલૉજી, કમ્પ્યુટર ક્રાંતિ, અને ટેલિફોનક્ષેત્રે ભારતની પ્રગતિ એ સ્વ. રાજીવગાંધીજીનું ૨૧મી સદીના ભારતનું સપનું હતું. તેઓએ આ ક્ષેત્રે કરેલી કામગીરીને કારણે આજે ભારત વિશ્વના અન્ય દેશોની સમકક્ષ બનીને ઊભો છે. સસ્તી ટેલિફોન સેવા દ્વારા તેઓએ દેશના તમામ ગામડાઓને સંદેશા વ્યવહારથી જોડી દીધા બાદ મોબાઈલ દ્વારા વિશ્વને લોકોની આંગળીઓમાં રમતું કરી દેવામાં પણ સ્વ.રાજીવ ગાંધીનો સિહફાળો રહ્યો છે.

દેશના યુવાનોને ૧૮ વર્ષે મતાધિકાર આપીને લોકશાહીનું નવ સર્જન કરનાર સ્વ. રાજીવ ગાંધીએ પંચાયતી રાજમાં પણ મહિલાઓ માટે ૩૩ ટકા અનામત બેઠક આપીને તેઓએ મહિલા સશકિતકરણની સૌપ્રથમ શરૂઆત કરાવી હતી. આ કારણે આજે કેન્ધ્થી માંડી ગ્રામ પંચાયત સુધી મહિલાઆ રસોડામાંથી બહાર નીકળી રાજકારણનો અગ્રિમ હિસ્સો બની ગઈ છે. ગામડાઓમાં વીજળી પહોચડવામાં પણ સ્વ. રાજીવ ગાંધીનો મહત્વનો ફાળો રહ્યો હોવાનું મનોજ રાઠોડે ઉમેર્યું છે.

આરોગ્ય ક્ષેત્રે પણ સ્વ. રાજીવ ગાંધીએ ટેકનોલાજી મિશન દ્વારા રસીકરણ કાર્યક્રમ અમલમાં મૂકી  પોલિયો મુકત ભારતનું આભિયાન હાથ ધર્યું હતું. આ અભિયાનને કારણે આજે ભારત પોલિયોમુકત રાષ્ટ્ર બની શકયું છે. સ્વ. રાજીવ ગાંધીએ હમેશા રાજકારણની ગરિમા જાળવી છે તેમ જણાવી મનોજ રાઠોડ મો.૯૮૨૪૨૫૧૬૬૩ એક પ્રસંગ યાદ કરી શબ્દાંજલી અર્પણ કરી હતી.

(4:14 pm IST)