રાજકોટ
News of Monday, 21st May 2018

હાઉસીંગ બોર્ડની રંગોલી પાર્ક ટાઉનશીપમાં લીફટ ધડાકાભેર તુટીઃ તંત્રની પોલ છતીઃ ફલેટ ધારકોમાં રોષ

ગઇકાલે એજ બિલ્ડીંગમાં ૪થા માળેથી લીફટ નીચે પટકાઇઃ સદ્નસીબે કોઇ જાનહાની નથીઃ સેંકડો રહેવાશીઓએ પોલીસ સ્ટેશને ધરણા કર્યાઃ ટાઉનશીપની તમામ લીફટની તપાસ કરાવવા માંગ

રાજકોટ તા.૨૧: ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા પ્રધાનમંત્રી ગૃહ યોજના હેઠળ કાલાવડ રોડ પર રંગોલી પાર્ક પાસે સૈકડો ફલેટ ટાઉનશીપનું નિર્માણ કરાયું છે. જેમાં બાંધકામ તેમજ લીફટ સહિતની ગુણવતા બાબતે રહેવાસીઓએ અવારનવાર રજુઆતો કરવા છતાં કોઇ પગલા લેવાયા ન હતા. દરમિયાન ગઇકાલે ટાઉનશીપના એન-બિલ્ડીંગમાં ચોથા માળેથી લીફટ તુટી અને નીચે પટકાઇ હતી અને ત્રણથી ચાર બાળકોનો ચમત્કારીક બચાવ થયો હતો.

કેમકે આ બાળકો ચોથા માળે ઉતર્યા બાદ તુરંત જ લીફટ તુટી પડી હતી અને ગંભીર અકસ્માત સર્જાયો હતો જોકે સદ્નસીબે કોઇ જાનહાની થઇ નથી. પરંતુ આ બનાવથી તંત્રની પોલંપોલ છતી થઇ હતી. અને રહેવાસીઓમાં જબ્બર રોષ ફેલાયો હતો.

લીફટ તુટવાની આ ઘટના બનતા જ સૈકડો રહેવાસીઓનું ટોળું એકત્રીત થઇ ગયેલ હતું અને બાજુમાં આવેલ તાલુકા પોલીસ સ્ટેશને દોડી જઇ લીફટ તુટવા મામલે જવાબદાર અધિકારી-તંત્ર- કોન્ટ્રાકટર સામે પોલીસ ફરીયાદ નોંધાવા રજુઆત કરી હતી પરંતુ પોલીસે કાયદાની મર્યાદા સમજાવી અને આ બનાવમાં પોલીસ ફરીયાદ થઇ ન શકે તેવું કહેતા રહેવાસીઓએ પોલીસ સ્ટેશનમાંજ ધરણા કર્યા હતા.

 જોકે બાદમાં આ ઘટનાથી એફ.એસ એલ. તપાસ ની ખાત્રી અપાતાં મામલો થાળે પડયો હતો અને રહેવાસીઓને આ 'ટાઉનશીપ' ની તમામ ૩૩ જેટલી લીફટની તપાસ કરાવવા માંગ ઉઠાવી હતી.

(4:12 pm IST)