રાજકોટ
News of Monday, 21st May 2018

સ્વયંભૂ ગ્રામ દેવતા.. રામનાથ મહાદેવ મંદિરના પૂનરોધ્ધાર માં પૂજારી પરિવાર સમંતઃ ઘાટ તોડવાનું શરૂ

કલેકટરની સૂચના બાદ સીટી પ્રાંત-૨ દ્વારા કાર્યવાહીઃ કુલ ૫ કરોડના ખર્ચે વિકાસ કામો

રાજકોટ, તા.૨૧: શહેરના ગ્રામ દેવતા ભગવાન શ્રી રામનાથજીના આજી નદીના કાંઠે આવેલા મંદિરના પુનરુદ્ઘાર માટે નારાજગી વ્યકત કરનારા પૂજારી પરિવાર અંતે આ સદ્દકાર્ય માટે રાજી થઇ ગયો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા  આ પરિવાર સાથે બેઠક કરવામાં આવી હતી અને રાજકોટ શહેર માટેના નમૂનારૂપ કામગીરીમાં સહયોગ આપવા સમજાવવામાં આવ્યા હતા. બેઠક બાદ આ પરિવારે ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્રના આયોજન સાથે સહમત થયા હતા અને આ કાર્યમાં  જોડવા માટે રાજી થયા હતા.

ભગવાન શ્રી રામનાથજીની સેવાપૂજા કરતા મહંત શ્રી હરસુખગિરિ ગોસ્વામી, શ્રી અરવિંદગિરિ ગોસ્વામી, શ્રી નલીનગિરિ ગોસ્વામી, શાંતિગિરિ ગોસ્વામી, નિશાંતગિરિ ગોસ્વામીએ જિલ્લા વહીવટી તંત્ર સમક્ષ એવી રજૂઆત કરી હતી કે રામનાથ દ્યાટ તેમના પરિવારે ભાવિકો પાસેથી આઠ આઠ આની દાન સ્વરૂપે એકત્ર કરી બનાવ્યો છે. એથી તેને તોડવો ન જોઇએ. આ બાબતને ધ્યાને લઇ કલેકટર ડો. રાહુલ ગુપ્તાએ શહેરના પ્રાંત અધિકારી શ્રી પ્રજ્ઞેશ જાનીને પૂજારી પરિવાર સાથે બેઠક કરી સમજૂત કરવા મોકલ્યા હતા.

પ્રાંત અધિકારી શ્રી જાનીએ પૂજારી પરિવારના ઉકત વ્યકિત સાથે આજે મંદિર ખાતે જ બેઠક યોજી હતી. જેમાં પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના અધિકારી પણ હાજર રહ્યા હતા. પરિવારને સમજાવવામાં આવ્યા હતા કે મંદિરના થાળા, શિવલિંગ કે મૂળ ઢાંચામાં કોઇ ફેરફાર કરવાનો નથી. પણ, દ્યાટ નવો બનાવવાનો છે. જયારે, દાન એકત્ર કરી દ્યાટ બનાવવામાં આવ્યો હતો, હવે તેની સામે રાજય સરકાર જ નવો દ્યાટ બનાવી આપવાની છે, ત્યારે તેની સામે કોઇ વાંધો ન હોવો જોઇએ. એવો શ્રી જાનીએ અભિપ્રાય રાખતા પૂજારી પરિવાર સહમત થયો હતો. રેમ્પની બાબતમાં આવી ખાતરી આપવામાં આવી હતી કે તે વિકલાંગો માટે છે. તે વાહનો માટે નહીં વાપરવા દેવામાં આવે. આવા નાના પ્રકારના નિર્ણયો મંદિરના સંચાલનમાં જ લઇ શકાશે. એવી સમજૂતી આપવામાં આવી હતી. આ પરિવારને મંદિરના પુરુદ્ઘારનો સમગ્ર પ્લાન સમજાવવામાં આવ્યો હતો. તેના પ્રત્યે પરિવારો પોતાનો રાજીપો વ્યકત કર્યો હતો.

શ્રી રામનાથ મંદિરના વિકાસ માટે રાજય સરકાર દ્વારા કૂલ રૂ. ૪.૯૨ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. તેમાં પ્રથમ તબક્કામાં રૂ. સવા બે કરોડના કામો કરવામાં આવી રહ્યા છે. જેમાં આજે દ્યાટ તોડવાના કામનો આરંભ થયો હતો. આ કામનો આરંભ મંદિરના મહંતોએ જ પૂજા વિધિ કરીને કરાવ્યો હતો.

(3:55 pm IST)