રાજકોટ
News of Monday, 21st May 2018

પરાબજાર માંથી ર હજાર કિલો કેરી ઝડપાઇ ૩ હજાર કેલ્શીયમ કાર્બાઇડ પડીકી પણ જપ્ત

રાજકોટ તા. ૨૧: મ્યુ. કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા કેલ્શિયમ કાર્બાઇડથી પકાવવામાં આવતી હાનિકારક કેરી ઝડપી લેવા દરોડાનો દોર શરૂ થયો છે જે અંતર્ગત આજે બે ટન એટલે કે ૨ હજાર કિલો અખાદ્ય કેરીનો જથ્થો તથા ૩૦૦૦ પડીકી   કાર્બાઇડનો જથ્થો ઝડપી લેતા કેરીના વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.

આ અંગે નાયબ આરોગ્ય અધિકારી ડો. રાઠોડે જાહેર કરેલ સત્તાવાર વિગતો મુજબ આજે સવારે ફુડ ઇન્સ્પેકટરોની ટુકડીએ શહેરના પરાબજારમાં સ્વામિનારાયણ કોમ્લેકસનાં સેલરમાં  મુનાભાઇ કાલ્વલેશ્વર બીંદ દ્વારા રાખવામાં આવેલ કેરીના જથ્થાનું ચેકીંગ કરવામાં આવતા આ સ્થળે રાખવામાં આવેલ. અંદાજે ૨ હજાર કિલો એટલે કે ૨ ટન કેરીનો જથ્થો કેલ્શિયમ કાર્બાઇડ અને ચાઇનીસ કેમિકલની પડીકીથી પકાવવામાં આવતું હોવાનું રંગે હાથ ઝડપાયું હતું.

આમ, આ સ્થળેથી મળી આવેલ અંદાજે ૨ ટન અખાદ્ય કેરીનો જથ્થો તથા ચાઇનીઝ કેમિકલ અને કાર્બાઇડની ૩ હજાર નંગ પડીકી આ તમામ અખાદ્ય જથ્થાઓને સીઝ કર્યો હતો અને હજારો ટન અખાદ્ય કેરીનો નાશ તથા કાર્બાઇડના જથ્થાનો નાશ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

ઉપરોકત દરોડાની કાર્યવાહી નાયબ આરોગ્ય અધિકારી ડો. રાઠોડ, ડેઝિગ્નેટેડ ઓફિસર એ.એન.પંચાલ, ફુડ ઇન્સ્પેકટરો એચ.જી.મોલિયા, સી.ડી.વાઘેલા, કે.એમ.રાઠોડ, કે.જે.સરવૈયા, આર.આર. પરમાર વગેરે દ્વારા હાથ ધરાઇ હતી.

(3:11 pm IST)