રાજકોટ
News of Monday, 21st May 2018

ત્રણ દિ' ગરમી હજુ યથાવત, બાદ બફારો વધશે

દક્ષિણ - પૂર્વ અરબી સમુદ્રનું લોપ્રેશર મજબૂત બન્યુ, હાલ અરબી સમુદ્રમાં છે, ૪૮ કલાક બાદ વાવાઝોડામાં પરિવર્તિત થશે : 'મેકુનુ' વાવાઝોડુ હાલ ભારતથી દૂર જાય છે : તા.૨૧ થી ૨૪ (સોમથી) ૪૨ થી ૪૪ ડિગ્રી વચ્ચે તાપમાન રહેશે : ૨૪મીથી વાદળો છવાશે : સવારે ભેજ વધશે એટલે બફારાનો અનુભવ થશે : ૨૫મીથી ઉપલા લેવલની અસ્થિરતા વધશે : તા.૨૪ થી ૨૭ કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકિનારે પવનનું જોર વધશે : અશોકભાઈ પટેલ

રાજકોટ, તા. ૨૧ : અસહ્ય તાપ- ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. હજુ પણ ત્રણેક દિવસ ગરમીમાં રાહત મળવાની નથી. ત્યારબાદ ગરમીમાં આંશિક ઘટાડો થશે પરંતુ બફારાનો અનુભવ થશે. દરમિયાન દક્ષિણ - પૂર્વ અરબી સમુદ્રનું એક લોપ્રેશર મજબૂત બન્યુ છે. જે હાલ અરબી સમુદ્રમાં છે આવતા ૪૮ કલાકમાં વાવાઝોડામાં પરિવર્તિત થશે. આ વાવાઝોડાનું નામ 'મેકુનુ' રાખવામાં આવ્યુ છે. આ વાવાઝોડુ હાલ તો ભારતથી ઘણુ દૂર જાય છે.

જાણીતા વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે, ગઈકાલે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં એક લોપ્રેશર થયેલુ. જે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરી આજે દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્રમાં છે. જેનું લોકેશન ૮ ડિગ્રી નોર્થ, ૫૯ ઈસ્ટ, ૧૦૦૪ મિલીબાર પ્રેશર અને ૧ મિનિટના સરેરાશ ૪૫ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાય છે. આ સિસ્ટમ આવતા ૨૪ કલાકમાં મજબૂત બની ડિપ્રેશનમાં પરિવર્તિત થયા બાદ પછીના ૨૪ કલાક પછી વાવાઝોડામાં પરિવર્તિત થશે. યુરોપિયન મોડલ મુજબ આ સિસ્ટમ યેમેનની બોર્ડર તરફ જાય છે. જયારે બીએસએફ ઓર્ડર મુજબ આ સિસ્ટમ ઓમાન તરફ જાય છે. હાલમાં આ સિસ્ટમ ભારતથી દૂર જાય છે.  (નોંધ.. : હવામાન ખાતાની સુચના મુજબ અનુસરવું)

અશોકભાઈ વધુમાં કહે છે કે તા.૨૧ થી ૨૪ સુધી ગરમી યથાવત રહેશે. ગરમીનો પારો ૪૨ થી ૪૪ ડિગ્રી વચ્ચે જોવા મળશે. તા.૨૪ થી વાદળો છવાવાની શરૂઆત થશે. સવારે ભેજનું પ્રમાણ પણ વધશે. તેમજ તા.૨૫-૨૬ના બપોરના સમયે પણ ભેજ વધશે. એટલે કે ગરમીમાં થોડીક રાહત મળશે. પણ બફારો વધશે. તા.૨૫થી  ઉપલા લેવલની અસ્થિરતા વધશે. તા.૨૪ થી ૨૭ કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકિનારે પવન વધુ રહેશે.

(3:09 pm IST)