રાજકોટ
News of Monday, 21st May 2018

નંદનવન સોસાયટીમાં પાણી ઢોળવાની ના પાડતાં કનકસિંહ સરવૈયા પર સશસ્ત્ર હુમલો

સુંદર નામના સિકયુરીટીવાળાને પાણીનો બગાડ થતો અટકાવવાનું કહેતાં તેનું ઉપરાણું લઇ દિગ્વીજયસિંહ, દિવ્યરાજસિંહ, અજયસિંહ સહિતે પાઇપ-લાકડી-ઢીકાપાટુનો માર માર્યો

રાજકોટ તા. ૨૧: જામનગર રોડ પર શેઠનગર પાસે નંદનવન સોસાયટી-૪માં રહેતાં અને ઘેર બેઠા ઇમિટેશનનું કામ કરવા ઉપરાંત રિક્ષા હંકારી ગુજરાન ચલાવતાં કનકસિંહ પોપટસિંહ સરવૈયા (ઉ.૫૨) નામના દરબાર પ્રોૈઢ પર સોસાયટીના જ દિગ્વીજસિંહ કાળુભા જાડેજા, દિવ્યરાજસિંહ કાળુભા જાડેજા, અજયસિંહ ગોહિલ અને સુંદરે લાકડી-પાઇપથી હુમલો કરી તેમજ ઢીકા-પાટુનો માર માર ઇજા કરતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

બનાવની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ મથકના એએસઆઇ કે.આર. કાનાબારે હોસ્પિટલે પહોંચી કનકસિંહની ફરિયાદ પરથી ચારેય શખ્સો સામે ગુનો નોંધ્યો હતો.  કનકસિંહના કહેવા મુજબ સોસાયટીમાં પાણીની પાઇપ લાઇન લિક થઇ હોઇ પાણી વેડફાતું હોઇ સિકયુરીટીગાર્ડ અને વાલ્વમેન સુંદરને પાણીનો બગાડ થતો અટકાવવાનું કહેતાં તેણે ઝઘડો કર્યો હતો. બાદમાં તેનું ઉપરાણું લઇ દિગ્વીજસિંહ, દિવ્યરાજસિંહ અને અજયસિંહે મળી ગાળો દઇ હુમલો કર્યો હતો. પોલીસે ચારેયની ધરપકડ કરવા તજવીજ આદરી છે.

મહેશનગરમાં દિપ અને નિકુંજને બે શખ્સે ધોકાવ્યા

દૂધની ડેરી પાછળના ભાગે સંત કબીર રોડ પર મહેશનગરમાં રહેતાં દિપ મનોજભાઇ બદરકીયા (ઉ.૨૭) અને નિકુંજ ઠાકરશીભાઇ બદરકીયા (ઉ.૨૦)ને ઘર પાસે હતાં ત્યારે સાયમંડ કોળી અને એક કુંભાર શખ્સે ઝઘડો કરી ધોકાથી માર મારતાં બંનેને હોસ્પિટલમાં ખસેડાયા હતાં. (૧૪.૧૦)

(1:03 pm IST)