રાજકોટ
News of Monday, 21st May 2018

ત્રંબા પાસે રોઝડુ આડે આવતાં નવેનવી કારનો બૂકડોઃ અંદર બેઠેલા લોકોનો ચમત્કારીક બચાવઃ રોઝડાને ગંભીર ઇજા

કાળીપાટથી આર. કે. કોલેજ વચ્ચેના રસ્તા પર અવાર-નવાર આવા અકસ્માત સર્જાય છે

રાજકોટઃ રાજકોટ-ભાવનગર હાઇવે પર ત્રંબા નજીક મુરલીધર કોલેજ પાસે રાત્રીના રોડ પર અચાનક રોઝડુ દોડી આવતાં અને કારની ઠોકરે ચડી જતાં કારના આગળના ભાગનો બૂકડો બોલી ગયો હતો. રોઝડાને ગંભીર ઇજા થતાં રોડ પર ફેંકાઇ ગયું હતું. બીજી તરફ અકસ્માતને કારણે કાર સોએક ફુટ સુધી ઢસડાઇને દૂર જતી રહી હતી. જાણવા મળ્યા મુજબ કારમાં બે મહિલા, બે બાળકો અને એક પુરૂષ હતાં. આ પરિવારજનોનો નજીવી ઇજા સાથે ચમત્કારીક બચાવ થયો હતો. રોઝડાને ઇજા પહોંચી હોઇ કોઇએ એનિમલ હેલ્પલાઇનને ફોન કરતાં તેને રાજકોટ સારવાર માટે લઇ જવાયું હતું. ત્રંબાના જી.એન. જાદવે તસ્વીરો મોકલી હતી. આ રોડ પર કાળીપાટથી આર. કે. કોલેજ વચ્ચે અવાર-નવાર રોઝડાને કારણે અકસ્માત સર્જાય છે. પરંતુ વન વિભાગ દ્વારા આ બાબતની જાણકારી આપતાં કોઇપણ સાઇન બોર્ડ મુકાયા નથી. રોઝડાની અવર-નવર થતી હોઇ વાહન ચાલકો વાહન ધીમે હંકારે તેની સુચના આપતા સાઇન બોર્ડ મુકવા જરૂરી છે. (૧૪.૧૨)

 

 

(1:03 pm IST)