રાજકોટ
News of Monday, 21st May 2018

મિસિસ ગુજરાત બ્યુટી કવીન સ્પર્ધામાં હારી જતાં પાંચ મહિલાની મિસ ઇન્ડિયા બ્યુટી કવીનના ઘરે ધબધબાટી

બ્યુટી કવીન નિશા ચાવડાએ અમદાવાદમાં મિસિસ ગુજરાત સ્પર્ધા યોજી'તીઃ તેમાં વિજેતા ન થતાં સંગીતા પટેલ, નિતા શાહ, કાજલ પંડ્યા, આસી. ભાગ્યશ્રી પવાર અને બિન્દ્રા વૈષ્નવ ઉશ્કેરાઇ ગઇઃ દરવાજો તોડી પાંચેય અંદર ઘુસી ગઇઃ અમારા પૈસા આપો નહિતર સોશિયલ મિડીયામાં બદનામ કરશું તેમ કહી ગાળો ભાંડી કારમાં બેસી ભાગી ગઇઃ જીવરાજ પાર્ક પાસે અરિહંત એપાર્ટમેન્ટમાં બનાવઃ તાલુકા પોલીસે ગુનો નોંધ્યો

મિસિસ ગુજરાત બ્યુટી કવીન સ્પર્ધાના આયોજન નિશા ચાવડા અને તેના ઘરના દરવાજાની તૂટેલી સ્ટોપર જોઇ શકાય છે. નિશા પોતે મિસિસ ઇન્ડિયા બ્યુટી કવીન વેસ્ટ ઝોનમાં વિજેતા રહી ચુકયા છે

રાજકોટ તા. ૨૧: શહેરના મોટા મવા રોડ પર જીવરાજ પાર્ક પાસે શ્રી અરિહંત એપાર્ટમેન્ટ ફલેટ નં. ૩૦૩માં રહેતાં અને અગાઉ મિસ ઇન્ડિયા બ્યુટી કવીન વેસ્ટ ઝોનમાં વિજેતા રહી ચુકેલી મિસિસ નિશા વિપુલ ચાવડા (મોચી) (ઉ.૩૪)એ તાજેતરમાં અમદાવાદ ખાતે મિસિસ ગુજરાત બ્યુટી કવીન સ્પર્ધાનું આયોજન કર્યુ હોઇ તેમાં હારી ગયેલી ચાર સ્પર્ધક મહિલા સહિત પાંચ મહિલાએ રવિવારે નિશા ચાવડાના ઘરે જઇ દરવાજો તોડી અંદર ઘુસી ધબધબાટી બોલાવી નિશા ચાવડાને ધક્કો મારી પછાડી દઇ પૈસા પાછા આપો નહિતર સોશિયલ મિડીયામાં બદનામ કરી દઇશું તેવી ધમકી આપી ગાળો દઇ ધમાલ મચાવતાં મામલો પોલીસમાં પહોંચતા ગુનો નોંધાયો છે.

બઘડાટી બાબતે તાલુકા પોલીસે નિશા ચાવડાની ફરિયાદ પરથી બિન્દ્રા વૈષ્નવ, અમદાવાદની સંગીતા પટેલ, નિતા શાહ,  રાજકોટની કાજલ પંડ્યા અને બરોડાની ભાગ્યશ્રી પવાર સામે આઇપીસી ૧૪૩, ૧૪૯, ૪૫૨, ૩૨૩, ૫૦૪ મુજબ ગેરકાયદે મંડળી રચી ઘરમાં ઘુસી મારામારી ગાળાગાળી કરવા સબબ ગુનો નોંધ્યો છે. નિશા ચાવડાએ એફઆઇઆરમાં જણાવ્યું છે કે હું મારા પરિવાર સાથે રહુ છું અને મિસિસ ગુજરાત બ્યુટી કવીન નામે પાંચ માસથી કંપની ચલાવુ છું. મેં તા. ૮-૫ થી ૧૨-૫ સુધી અમદાવાદ એરપોર્ટ રોડ નારાયણી હાઇટ્સ હોટેલ ખાતે મિસિસ ગુજરાત બ્યુટી કવીન સ્પર્ધાનું આયોજન કર્યુ હતું. જેની ફાઇનલ કોન્ટેસ્ટ ૧૩મીએ યોજાઇ હતી. જેમાં આશરે ૩૬ મહિલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો.  જેમાંથી સંગીતા પટેલ, નિતા શાહ, કાજલ પંડ્યા સહિતની આ ફિનાલે કોન્ટેસ્ટમાં હાર થઇ હતી.

આ હારેલા ઉમેદવારોએ એ દિવસે હોટેલના રૂમ નં. ૫૦૧ની બહાર ભેગા થઇ માથાકુટ શરૂ કરી હતી અને પોતે હારી ગઇ હોઇ તેનો અસંતોષ વ્યકત કરી ગાળાગાળી કરી દેકારો મચાવ્યો હતો. તેમજ રૂમનો દવરવાજો ખખડાવ્યો હતો. તે વખતે હું બીજા રૂમ નં. ૫૧૨માં હતી અને મારા માતા-પિતા પણ સાથે હતાં. તે વખતે ભાગ્યશ્રી પવાર કે જે મારા આસીસ્ટન્ટ તરીકે કામ કરતા હોઇ તેને સ્વાસની તકલીફ થતાં અમે તેને એપોલો હોસ્પિટલે લઇ ગયા હતાં. એ પછી ભાગ્યશ્રીએ મારા પતિને એસએમએસ કરીને પગાર કરતાં વધારે પૈસાની માંગણી કરી હતી. જે મારા પતિએ આપ્યા નહોતાં.

બાદમાં રવિવારે ૨૦/૫ના બપોરે બારેક વાગ્યા પછી હું મારા પિતા, અમારા જમાઇ અરૂણકુમાર સહિતના અમારા ઘરે હતાં ત્યારે બિન્દ્રા વૈષ્નવ, સંગીતા પટેલ, નિતા શાહ, કાજલ પંડ્યા અને આસી. ભાગ્યશ્રી પવાર મારા ઘરે આવ્યા હતાં જોર-જોરથી દરવાજો ખખડાવ્યો હતો. હું દરવાજો ખોલુ એ પહેલા જ આ પાંચેય દરવાજો તોડીને અંદર ઘુસી ગઇ હતી અને અમારા પૈસા આપો નહિતર તમને સોશિયલ મિડીયામાં બદનામ કરી દઇશું તેમ કહી બિન્દ્રાએ મારો કાંઠલો પકડી ગાળો દેતાં મારો સોનાનો ચેઇન તુટી ગયો હતો. બાદમાં સંગીતાએ મને ધક્કો મારતાં હું પડી ગઇ હતી.

મારા ઘરના સભ્યોએ આ તમામની સમજાવી હતી. પાંચેક મિનીટ બેઠા બાદ આ તમામ જતી રહી હતી. ઇનોવા કાર નં. જીજે૧સીવાય-૭૩૨૬માં બેસીની પાંચેય નીકળી ગઇ હતી. મારો સોનાનો ચેનઇ બિન્દ્રા અથવા સંગીતા પાસે છે અથવા તો પડી ગયો છે તેની ખબર નથી. ઘરમાંથી ચેઇન મળ્યો નથી. તેમ નિશા ચાવડાએ વિશેષમાં જણાવતાં તાલુકા પોલીસ મથકના પી.એસ.આઇ. એસ.આર. સોલંકીએ ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે. નિશા ચાવડાએ જણાવ્યું હતું કે બિન્દ્રા તો સ્પર્ધાના ઓડિશનમાં જ નીકળી ગઇ હતી. સંગીતા, નિતા, કાજલ હારી ગઇ હોઇ અને ભાગ્યશ્રીને આસીસ્ટન્ટ તરીકે વધુ પૈસા જોઇતા હોઇ બધાએ ભેગા મળી મારા ઘરમાં ઘુસી હુમલો કર્યો હતો. સ્પર્ધામાં બરોડાની ઝારા ખાન, અમદાવાદની પેરીન શાહ અને મોરબીની પૂજા રાડીયા વિજેતા થઇ હતી.

આરોપીઓ અલગ-અલગ શહેરની હોઇ પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. હાલ તો સ્પર્ધા માટે ભરેલા પૈસા પાછા મેળવવા બાબતે માથાકુટ થયાનું બહાર આવ્યું છે. આરોપીઓ ઝડપાયા બાદ સાચી વિગતો બહાર આવશે. (૧૪.૮)

 

(12:19 pm IST)