રાજકોટ
News of Monday, 21st May 2018

પૂ. મહંતસ્‍વામીની ઉપસ્‍થિતિમાં રાજકોટ બીએપીએસ મંદિરે કાલથી આધ્‍યાત્‍મિક - સાંસ્‍કૃતિક મહોત્‍સવ

૧૪ દિવસ વિવિધ કાર્યક્રમોની હારમાળા : ૨૭મીએ મુખ્‍યમંત્રીની ઉપસ્‍થિતિમાં માનવ ઉત્‍કર્ષ મહોત્‍સવ : દરરોજ પ્રેરક પ્રવચન, સંવાદ, નૃત્‍ય, વિડીયો શોના કાર્યક્રમો

રાજકોટ, તા. ૨૧ : બીએપીએસના છઠ્ઠા આધ્‍યાત્‍મિક અનુગામી પૂ.મહંતસ્‍વામી મહારાજ પૂ.પ્રમુખસ્‍વામી મહારાજના ૯૮માં જન્‍મજયંતિ મહોત્‍સવના ઉપક્રમે આજે રાજકોટ પધારેલ છે.

કાલાવડ રોડના સ્‍વામીનારાયણ મંદિરે કાલે તા.૨૨ મે થી ૩ જૂન સુધી દરરોજ સવારે ૫ થી ૭:૩૦ પૂજા દર્શન - આર્શીવાદનો લાભ આપશે. તેમજ દરરોજ સાંજે ૫:૩૦ થી ૮ સુધી સાયંસભામાં પૂ.આત્‍મસ્‍વરૂપ સ્‍વામી ‘શાશ્વત સત્‍પુરૂષ' વિષય પર પારાયણનો લાભ આપશે.

દરમિયાન તા.૨૭ના રવિવારે સાંજે ૭ થી ૧૦ દરમિયાન રેસકોર્ષ મેદાન ખાતે મુખ્‍યમંત્રીશ્રીની ઉપસ્‍થિતિમાં ભવ્‍ય માનવ ઉત્‍કર્ષ મહોત્‍સવ યોજાશે. જેમાં રાજકોટ મંદિરના સંત નિર્દેશક પૂ.અપૂર્વમુનિ સ્‍વામી દુઃખનો દેહાંત - સુખનો સૂર્યોદય વિષયક પ્રેરક પ્રવચન આપશે. સાથે પ્રેરક સંવાદો, નૃત્‍ય અને રસપ્રદ વિડીયો શો પણ થશે.

કાલાવડ રોડ બીએપીએસ મંદિરે તા.૩ જૂન સુધી આધ્‍યાત્‍મિક સાંસ્‍કૃતિક કાર્યક્રમો ચાલશે. ધર્મપ્રેમીજનોએ લાભ લેવા અનુરોધ કરાયો છે.

પૂ. મહંતસ્‍વામી મહારાજ - એક પરિચય

પૂજય મહંત સ્‍વામી મહારાજ (સ્‍વામી કેશવજીવનદાસજી)એ બીએપીએસ સ્‍વામીનારાયણ સંસ્‍થાના છઠ્ઠા અને વર્તમાન આધ્‍યાત્‍મિક ગુરૂ છે.

પૂજય મહંતસ્‍વામી મહારાજનો જન્‍મ ૧૩ સપ્‍ટેમ્‍બર, ૧૯૩૩ (ભાદરવા વદ ૯, સંવત ૧૯૮૯)ના રોજ ડાહીબેન અને મણીભાઈ નારણભાઈ પટેલને ત્‍યાં, જબલપુર (મધ્‍યપ્રદેશ, ભારત) ખાતે થયો હતો. થોડા દિવસો બાદ, બીએપીએસના સ્‍થાપક બ્રહ્મસ્‍વરૂપ શાષાી મહારાજ જબલપુરની મુલાકાતે પધાર્યા. જયાં તેમણે નવજાત બાળકને આર્શીવાદ આપ્‍યા અને તેને ‘કેશવ' નામ આપ્‍યુ પણ તેમનો પરીવાર તેમને પ્રેમથી વિનુ કહેતા.

મણીભાઈ મુળ ગુજરાતમાં આણંદના હતા અને વેપાર માટે જબલપુરમાં સ્‍થાયી થયા હતા. વિનુભાઈ (પૂજય મહંતસ્‍વામી મહારાજ)એ જબલપુરમાં તેમના પ્રારંભિક વર્ષો ગાળ્‍યા હતા. તેમનું પ્રાથમિક અને માધ્‍યમિક શિક્ષણ અંગ્રેજી - માધ્‍યમ શાળામાં પૂર્ણ કર્યુ. તેઓ બાળપણથી જ તેજસ્‍વી હતા અને જબલપુરમાં ક્રાઈસ્‍ટ ચર્ચ બોયઝ સીનીયર સેકન્‍ડરી સ્‍કુલ ખાતે ૧૨ ધોરણ પૂર્ણ કર્યા હતા. ત્‍યારબાદ આણંદમાં કૃષિ કોલેજ ખાતે અભ્‍યાસ કર્યો. ૧૯૫૧-૫૨માં તેઓ બ્રહ્મસ્‍વરૂપ શાષાીજી મહારાજના આધ્‍યાત્‍મિક અનુગામી યોગીજી મહારાજના સંપર્કમાં આવ્‍યા.

૧૯૫૭માં યોગીજી મહારાજે તેમને પાર્શદી દીક્ષા આપી અને તેમનું નામ ‘વિનુ ભગત' રાખ્‍યુ. યોગીજી મહારાજે વિનુ ભગતને તેમના દૈનિક પત્રવ્‍યવહાર અને અન્‍ય સેવાઓની સંભાળ રાખવા માટે તેમને વિચરણમાં સાથે રહેવા કહ્યું.

૧૯૬૧માં, ગઢડામાં બીએપીએસ સ્‍વામીનારાણ મંદિરના કળશ મહોત્‍સવના પ્રસંગે યોગીજી મહારાજે ૫૧ સુશિક્ષિત યુવાનોને ભાગવતી (ભગવા) દીક્ષા આપી હતી તે પ્રસંગે વિનુ ભગતનું નામ ‘સ્‍વામી કેશવજીવનદાસ' અપાયુ. ત્‍યારબાદ યોગીજી મહારાજે મુંબઈમાં સંસ્‍કૃતનો અભ્‍યાસ કરવા માટે ૫૧ નવા સાધુઓને આજ્ઞા આપી. દાદર મંદિરમાં સ્‍વામી કેશવજીવનદાસને મંદિરના મહંત તરીકે નિમણુંક કરવામાં આવી હતી. ત્‍યારથી સમય જતા તે મહંત સ્‍વામી તરીકે આદરણીય રીતે જાણીતા બન્‍યા.

૧૯૭૧માં યોગીજી મહારાજના પૃથ્‍વી પરના પ્રસ્‍થાન બાદ તેઓ ગુરૂ યોગીજી મહારાજ માટેની ભકિત અને વફાદારી સાથે અનુગામી ગુરૂપૂજય પ્રમુખસ્‍વામી મહારાજમાં સંપૂર્ણપણે જોડાઈ ગયા. પ્રમુખસ્‍વામી મહારાજની શુદ્ધતા અને આધ્‍યાત્‍મિક ઉચ્‍ચતા સાથે તેમનો સંપર્ક ૧૯૫૧માં શરૂ થયો હતો. ૧૯૭૧માં બ્રહ્મસ્‍વરૂપ યોગીજી મહારાજના સ્‍વધામગમન બાદ તેઓના અનુગામી પ્રમુખસ્‍વામી મહારાજની ઈચ્‍છાઓ અને આજ્ઞા મુજબ તેમણે અગણિત ભકતોમાં સત્‍સંગની પ્રેરણાને મજબૂત બનાવવા સમગ્ર દેશ અને વિદેશમાં પ્રવાસ કર્યો. તેમણે સંસ્‍થાના મોટા ઉત્‍સવો, બાળ અને યુવા પ્રવૃતિઓ, અક્ષરધામ પ્રોજેકટ્‍સ સાથે અન્‍ય સત્‍સંગ પ્રવૃતિઓમાં તેમની સેવાઓ પણ આપી છે. ૨૦ જુલાઈ ૨૦૧૨ના રોજ, અમદાવાદમાં વરિષ્‍ઠ સાધુઓની હાજરીમાં, પ્રમુખસ્‍વામી મહારાજે મહંત સ્‍વામીને તેમના આધ્‍યાત્‍મિક અનુગામી તરીકે જાહેર કર્યા. ૧૩ ઓગષ્‍ટ ૨૦૧૬ના રોજ પ્રમુખસ્‍વામી મહારાજના પૃથ્‍વી પરના પ્રસ્‍થાન બાદ, પરમ પૂજય મહંતસ્‍વામી ભગવાન સ્‍વામીનારાયણની ગુણાતીત પરંપરાના છઠ્ઠા ગુરૂ બન્‍યા. પરમ પૂજય મહંતસ્‍વામી મહારાજ હવે અગણિત ભકતોના ગુરૂ અને આધ્‍યાત્‍મિક માર્ગદર્શક તરીકેની આગેવાની કરે છે અને બીએપીએસ સ્‍વામીનારાયણ સંસ્‍થાની વિશ્વભરમાં સામાજીક - આધ્‍યાત્‍મિક પ્રવૃતિઓ સંભાળી રહ્યા છે.

(11:46 am IST)