રાજકોટ
News of Wednesday, 21st April 2021

દવાખાના - મેડિકલ સ્ટોર - લેબોરેટરી ખાતે મંડપ બાંધવા તંત્રની પૂર્વ મંજૂરી કે ચાર્જમાંથી મુકિત

મેયર પ્રદિપ ડવ, સ્ટે. કમિટી ચેરમેન પુષ્કર પટેલ અને મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલનો સંવેદનશીલ નિર્ણય : મેડીકલ કિલનીક અને મેડીકલ સ્ટોર ખાતે લોકો વચ્ચે સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા પણ મનપા દ્વારા ખાસ અપીલ

રાજકોટતા.૨૧: શહેરનાં દવાખાના, લેબોરેટરી,  મેડીકલ સ્ટોર ખાતે મંડપ બાંધવા મ્યુ.કોર્પોરેશનની પૂર્વ મંજુરી કે ચાર્જ ચુકવવામાંથી મકિતની જાહેરાત મેયર પ્રદીપ ડવ, મ્યુ.કમિશ્નર ઉદીત અગ્રવાલ, સ્ટે.ચેરમેન પુષ્કર પટેલ દ્વારા કરવામાં આવી છે.

આ અંગે પ્રદીપ ડવ, ઉદીત અગ્રવાલ, પુષ્કર પટેલે જણાવ્યુ હતુ કે, કોરોનાની વર્તમાન પરિસ્થિતિમાં હાલ નાના મોટા મેડિકલ કિલનિક અને મેડિકલ સ્ટોર ખાતે વધુ સંખ્યામાં નાગરિકો એકત્ર થઇ રહયા છે. આવા કેટલાક કિલનિક અને મેડિકલ સ્ટોર ખાતે ઉનાળાના હાલના સમયમાં છાંયડાની સગવડતા કરવામાં આવી રહી છે જયારે અન્ય કેટલાક સ્ટોર કે કિલનિક ખાતે લોકોને તડકામાં ઉભા રહેવું પડે છે ત્યારે આ સંજોગોને નજર સમક્ષ રાખીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મેડિકલ કિલનિક અને મેડિકલ સ્ટોર ખાતે લોકો માટે છાંયાની વ્યવસ્થા કરવા મંડપ નાંખવા માટે રાજકોટ મહાનગરપાલિકાની પૂર્વમંજુરી લેવામાંથી અને મંડપ નાંખવા માટેના મનપાના ચાર્જ ચૂકવવામાંથી તબીબો અને મેડિકલ સ્ટોરના સંચાલકોને મુકિત આપવાનો નિર્ણય કરવામાં આવેલ છે.   વિશેષમાં તેઓએ એમ પણ જણાવ્યું હતું કે, મેડિકલ સ્ટોર અને મેડિકલ કિલનિક ખાતે વધુ સંખ્યામાં લોકો એકત્ર થઇ રહયા હોઈ ત્યાં સોશિયલ ડિસ્ટન્સનું ખાસ પાલન કરી કોરોનાનું સંક્રમણ અટકાવવા પ્રયાસ કરવામાં આવે તે પણ એટલું જ જરૂરી છે.

(4:18 pm IST)