રાજકોટ
News of Wednesday, 21st April 2021

રાજકોટમાં રેમડેસિવિર-ઓકસીજનનો જથ્થો ખપત પુરતો જ છેઃ રેમ્યા મોહન

રવિવાર સુધીમાં વધુ ૬૪૦ બેડની વ્યવસ્થા થઇ જશેઃ રાજકોટ જીલ્લા કે રાજય બહારનાં દર્દીને ઇન્જેકશનો નહી આપી શકાયઃ સીવીલમાં ડીસ્ચાર્જનાં પ્રમાણમાં આવનારા દર્દીઓનું પ્રમાણ વધુ હોઇ બેડની અછતઃ આજથી ખાનગી ડોકટરોએ કોરોનાં સારવાર શરૂ કરી દીધી છે એટલે ભારણ ઘટવાની આશા

રાજકોટ તા. ર૧ :.. શહેર-જીલ્લા ઉપરાંત બહારથી પણ રાજકોટ સીવીલ સહિત ખાનગી કોવિડ હોસ્પીટલમાં દર્દીઓ માટે બેડ સહિતની અછત સર્જાઇ રહી છે. ત્યારે કલેકટર રેમ્યા મોહને આ બાબતે જણાવેલ કે રાજકોટમાં રેમડેસિવીર ઇન્જેકશન અને ઓકસીજન જરૂર પુરતા જ ઉપલબ્ધ છે. જે ઓકસીજનની અછત ગુજરાતનાં અન્ય સેન્ટરોમાં થોડા પ્રમાણ છે.

કલેકટરશ્રીએ સ્પષ્ટ કર્યુ હતું કે સીવીલ સહિતની કોવિડ હોસ્પીટલોમાંથી જેટલા દર્દીઓને રજા અપાય છે તેની સામે દાખલ થતા આવનારાની સંખ્યા  વધુ છે. એટલે બેડની અછત વર્તાઇ રહી છે.

પરંતુ આ અછતને પહોંચી વળવા યુનિવર્સિટી કેમ્પસમાં આજે ર૦૦ બેડ, સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં ૪૦૦ બેડ અને કેન્સર હોસ્પીટલમાં ૪૦ બેડ, એમ કુલ ૬૪૦ થી વધુ બેડની વ્યવસ્થા રવિવાર સુધીમાં થઇ જશે.

વેન્ટીલેટર સીવીલ હોસ્પીટલમાં પુરતો છે. અને ખાનગી હોસ્પીટલોને પણ લોન ઉપર આપવામાં આવી રહ્યા છે. ઉપરાંત નવા વેન્ટીલેટરની વ્યવસ્થા થઇ રહી છે.

જયારે રેમડેસિવીર ઇન્જેકશનનો રોજ ૮૦૦૦નો જથ્થો રાજકોટને મળે છે પરંતુ એ માત્ર રાજકોટ શહેર જીલ્લા દર્દીઓ પુરતો જ છે માટે અન્ય જીલ્લા કે અન્ય રાજયમાં દર્દીઓને આપી શકાય તેમ નથી.

કેમ કે આ ઇન્જેકશનો ખપત પુરતો જ મળે છે. આથી ખુબ જ જરૂરવાળા હોય તેવા ગંભીર દર્દીઓ માટે જ આ ઇન્જેકશનો આપવામાં આવી રહ્યા છે. તેમ કલેકટરશ્રીએ  આ તકે જણાવ્યું હતું.

(5:06 pm IST)