રાજકોટ
News of Wednesday, 21st April 2021

ત્રંબા પાસેના વડાળીનો હિતેષ બારૈયા ૧૫ વર્ષની બાળાનું અપહરણ કરી ગયો

અગાઉ હિતેષે બાળાને મોબાઇલ ફોન આપ્યો હોઇ પરિવારજનોએ ઠપકો આપતાં પોતે તેને ભગાડી જશે તેવી ધમકી દીધી'તીઃ આજીડેમ પોલીસે શોધખોળ આદરી

રાજકોટ તા. ૨૧: વડાળી ગામનો હિતેષ નામનો શખ્સ ૧૫ વર્ષની બાળાને લલચાવી ફોસલાવી ભગાડી જતાં આજીડેમ પોલીસે અપહરણનો ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

આ મામલે અપહૃત બાળાના પિતાની ફરિયાદ પરથી ત્રંબા પાસેના વડાળી ગામના હિતેષ ધીરૂભાઇ બારૈયા સામે આઇપીસી ૩૬૩, ૩૬૬ મુજબ ગુનો નોંધ્યો છે. ફરિયાદી ખેતી કામ કરી ગુજરાન ચલાવે છે અને સંતાનમાં બે પુત્રી તથા બે પુત્ર છે. સોૈથી નાની દિકરી ૧૫ વર્ષની છે. ૧૯/૪ના રાતે તે અને તેમના પત્નિ તથા બાળકો જમીને સુઇ ગયા હતાં. નાની દિકરી માતા સાથે એક જ ખાટલામાં સુતી હતી. ૨૦મીએ મોડી રાતે ત્રણેક વાગ્યે માતાની ઉંડ ઉડી ત્યારે બાજુમાં દિકરી જોવા ન મળતાં તેણીએ ઘરના બીજા લોકોને જગાડ્યા હતાં. બધાએ આસપાસમાં તપાસ કરતાં તે કયાંય જોવા મળી નહોતી. વાડી વિસ્તારમાં પણ શોધખોળ કરી હતી. પરંતુ પત્તો મળ્યો નહોતો.

અગાઉ આ બાળા પાસેથી પરિવારજનોને એક મોબાઇલ ફોન મળ્યો હતો અને તે બાબતે તેણીને ઠપકો આપ્યો હતો. ત્યારે તેણીએ આ ફોન પોતાને ગામના જ હિતેષ બારૈયાએ આપ્યો હોવાનું કહ્યું હતું. જે તે વખતે પરિવારજનોએ મોબાઇલ ફોન તોડી નાંખી હિતેષ કોૈટુંબીક સગામાં થતો હોઇ તેને પણ ઠપકો આપ્યો હતો. ત્યારે હિતેષે ધમકી આપી હતી કે પોતે સગીરાને ભગાડીને લઇ જશે, થાય તે કરી લેજો. હાલમાં હિતેષના બે મોબાઇલ પણ બંધ આવતાં હોઇ તપાસ કરતાં તેના ઘરેથી તે પણ ગાયબ હોવાનું જણાતાં એ જ લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયાનું જણાતાં તેના વિરૂધ્ધ ફરિયાદ કરી હતી.

અપહૃત સગીરા પાતળા બાંધાની અને ઘંઉવર્ણી છ. તેની ઉંચાઇ આશરે ચાર ફુટ છે. ઘરેથી નીકળી ત્યારે કબુતરી કલરનો ટોપ અને સફેદ ચોરણી પહેર્યા હતાં. આજીડેમ પીઆઇ વી. જે. ચાવડા, એએસઆઇ જાવેદભાઇ રિઝવી, સ્મીતભાઇ વૈશ્નાણીએ અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(12:01 pm IST)