રાજકોટ
News of Sunday, 21st April 2019

ગૃહીણીઓ પાણી પ્રશ્ને રણચંડી બનીઃ મવડી ચોકડીએ ચક્કાજામઃ માટલા ફોડયા

વોર્ડ નં. ૧રના રિધ્ધીસિધ્ધી સોસાયટી, વૃંદાવન, દ્વારકાધીશ, જલજીત સહીતનાં વિસ્તારોમાં પાણી અત્યંત ઓછુ મળતું હોઇ કાળા ઉનાળે ભારે મુશ્કેલીઃ શાસકપક્ષ ભાજપ કિન્નાખોરીથી પાણી નથી આપતોઃ કોંગી કોર્પોરેટર વિજય વાંક, સંજય અજુડીયાના આક્ષેપોઃ ઇજનેરોને સ્થળ ઉપર બોલાવીને પાણી પ્રશ્ન ઉકેલવાની ખાત્રી લેવાઇ

રકઝક-ઝપાઝપીના દ્રશ્યોઃ મવડી ચોકડીએ વોર્ડ નં. ૧રની ગૃહીણીઓએ ચક્કાજામ કર્યો હતો અને માટલા ફોડયા હતા તે વખતે બંદોબસ્તમાં રહેલ પોલીસ અને કોંગી કોર્પોરેટરો વિજય વાંક, સંજય અજુડીયા તથા કોંગી અગ્રણી કનકસિંહ અને કાર્યકરો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા., ર૦ : શહેરનાં છેવાડાનાં વિસ્તાર મવડીમાં આવેલ વોર્ડ નં. ૧૨માં પાણી નહી મળતું હોવાની ફરીયાદોનો નિકાલ નહી થતો હોવાનો અને શાસકપક્ષ ભાજપ દ્વારા કિન્નાખોરીથી આ વિસ્તારમાં પાણી નહી અપાતું હોવાનાં આક્ષેપો સાથે આ વિસ્તારનાં કોંગી કોર્પોરેટરો વિજયવાંક, સંજય અજુડિયાની આગેવાની તળે વિસ્તારની મહિલાઓએ પાણીનાં માટલા સાથે વોર્ડ ઓફિસે હલ્લાબોલ કરી અને ધરણા પ્રદર્શન સાથે પાણીની સમસ્યા ઉકેલવા ઉગ્ર રજુઆતો કરી હતી અને વોર્ડ ઓફિસમાં જ માટલા ફોડી તંત્ર સામે રોષ વ્યકત કર્યો હતો અને ત્યાર બાદ ર૦૦ થી વધુની સંખ્યામાંઆ વિસ્તારની ગૃહીણીઓ એકત્રીત થઇ અને મવડી ચોકડીએ કોંગી કોર્પોરેટરોની આગેવાનીમાં ચક્કાજામ કર્યો હતો. તેમજ માટલા ફોડી અને શાસકો સામે પાણી આપો... પાણી આપો...ના નારા લગાવ્યા હતા. આ બધી ધમાલ એકાદ કલાક જેટલી ચાલી હતી. ત્યાર બાદ સ્થળ ઉપર ઇજનેરોને બોલાવી અને પાણી પ્રશ્ન ઉકેલવાની ખાત્રી લેવાઇ હતી અને આ કાર્યક્રમ આટોપી લેવાયો હતો.

આ અંગે કોંગ્રેસના કોર્પોરેટરો વિજય વાંક-સંજય અજુડીયાએ જણાવ્યું હતું કે, વોર્ડ નં. ૧રના  છેવાડાના વિસ્તારો રિધ્ધી સીધ્ધી સોસાયટી,  વૃંદાવન, દ્વારકાધીશ, જલજીત સહીતનાં વિસ્તારોમાં પાણી અત્યંત ઓછુ મળતું હોઇ કાળા ઉનાળે ભારે મુશ્કેલી સર્જાઇ રહી છે અને આ કોંગી કોર્પોરેટરોએ આ તકે એવો આક્ષેપ પણ કર્યો હતો કે આ વિસ્તારમાં કોંગ્રેસના કોર્પોરેટરો ચુંટાયેલા હોય શાસક પક્ષ ભાજપના પદાધિકારીઓ દ્વારા કિન્નાખોરી રાખી અને પાણી અત્યંત ઓછુ આપવામાં આવી રહયું છે. અત્યારે ઉનાળાના આકરા તાપમાં લોકોને પીવાના પાણીના પણ વલખા મારવા પડે છે તેટલી હદે પાણીની મુશ્કેલી હોવાનો આક્ષેપ કોંગી કોર્પોેરેટરોએ કર્યો હતો અને સવારે ૧૦.૩૦ વાગ્યે વિસ્તારની સેંકડો મહિલાઓને સાથે રાખી વોર્ડ નં. ૧રની વોર્ડ ઓફીસે જઇ અને પાણી પ્રશ્ને ઉગ્ર રજુઆત કરી ધરણા પ્રદર્શન કરી વોર્ડ ઓફીસે માટલા ફોડયા હતા. ત્યાર બાદ અંદાજે ર૦૦થી વધુ ગૃહીણીઓના ટોળાએ મવડી ચોકડીએ ધસી જઇ અને પુરતું પાણી આપવાની માંગણી સાથે ચક્કાજામ કરતા ૧પ૦ ફુટ રીંગ રોડ ઉપર બંન્ને તરફ ટ્રાફીકજામના દ્રશ્યો સર્જાયા હતા અને આ દરમિયાન ૩ ગૃહીણીઓએ રોડ ઉપર માટલા ફોડી અને પાણી આપવાની ઉગ્ર માંગ ઉઠાવી હતી.

અંદાજે એકથી દોઢ કલાક સુધી ચક્કજામની આ ધમાલ ચાલી હતી. ત્યાર બાદ સ્થળ ઉપર સીટી ઇજનેર શ્રી દોઢીયાને બોલાવવામાં આવ્યા હતા તેઓએ જણાવેલ કે જે વિસ્તારોમાં પાણી ઓછું મળવાની ફરીયાદ છે તે સાવ છેવાડાના છે અને આ વિસ્તારો માટે ખાસ નવા પાણીના ટાંકા બની રહયા છે. આ ટાંકા બની ગયા બાદ આ વિસ્તારનો પાણીનો પ્રશ્ન કાયમી ધોરણે ઉકેલાઇ જશે આમ ઇજનેરે આવી ખાત્રી આપતા કોંગી આગેવાનોએ આંદોલન સમેટી લીધું હતું.

(3:54 pm IST)