રાજકોટ
News of Saturday, 21st April 2018

વધુ પાંચ બંગાળી બાળ મજૂરોનું શોષણઃ મુકત કરાવી સંરક્ષણ ગૃહમાં મોકલાયા

શ્રમ અધિકારી અને પોલીસની ટીમે મોરબી રોડના મકાનમાંથી છોડાવ્યાઃ બે બંગાળી શખ્સો સામે ગુનો નોંધાયો

રાજકોટ તા. ૨૧: અગાઉ સમાજ સુરક્ષા વિભાગ અને બાળ મજૂર નિયમન અને પ્રતિબંધ કચેરીના શ્રમ અધિકારીની ટીમ  દ્વારા સામા કાંઠે અને સોની બજારમાંથી બાળ મજૂરોને મુકત કરાવાયા હતાં અને પોલીસ ફરિયાદ પણ દાખલ કરાવાઇ હતી. ત્યાં મોરબી રોડ પર ગ્રીનલેન્ડ ચોકડી અને સ્વસ્તિક વીલા રાધામીરા સોસાયટીમાંથી વધુ પાંચ બાળ મજૂરો મુકત કરાવાયા છે અને આ અંગે મજૂરી કરાવનારા બંગાળી શખ્સો સામે ગુનો નોંધાયો છે.

બી-ડિવીઝન પોલીસે સરકારી શ્રમ અધિકારી તથા બાળ મજુર (નિયમન અને પ્રતિબંધ) કચેરીના નિરીક્ષક કલ્પેશ જી. પંડ્યાની ફરિયાદ પરથી મોરબી રોડ ગ્રીનલેન્ડ ચોકડી પાસે તિરૂપતી સોસાયટી-૩માં રહેતાં શેખ સલામ અયનીલ અને શેખ જમાલ અયનીલ નામના બંગાળી શખ્સો સામે બાળ મજુર અધિનિયમ ૧૯૮૬ની કલમ ૩, ૩ (એ), ૭ (૪), ૧૪ તથા જુવેનાઇલ એકટ હેઠળ ગુનો નોંધ્યો છે.

આ બંગાળી શખ્સોએ તિરૂપતી સોસાયટી અને રાધામીરા સોસાયટીના પોતાના મકાનોમાં ૧૧ થી ૧૬ વર્ષના પાંચ બંગાળી બાળકોને ઇમિટેશન અને ચાંદી કામની મજૂરીએ રાખ્યા હતાં. આ બાળકો પાસે આઠ કલાકથી વધુ મજૂરી કરાવાતી હતી તેમજ રાત્રીના સમયે પણ કામ કરવા માટે ફરજ પાડી વેતન પણ ખુબ ઓછુ અપાતું હતું. બાળકોને ગઇકાલે મુકત કરાવડાવી બાળ સંરક્ષણ ગૃહમાં મોકલાયા છે.

બાળકોને મુકત કરાવવાની કાર્યવાહીમાં સી.એસ. સાપરા, પી.આર. ખોખર, ડી. બી. મોણપરા, અરવિંદભાઇ પરમાર, પેરોલ ફરલો સ્કવોડના બાદલભાઇ દવે, હેડકોન્સ. હબીબભાઇ સમા સહિતના જોડાયા હતાં. 

(12:19 pm IST)