કાગદડી અને કોઠારીયા વચ્ચે બાઇક સ્લીપ થતાં ઘવાયેલા વાછકપરના ત્રણ મિત્રોમાંથી રજપૂત યુવાન સાગરનું મોત
માતાજીના પ્રસંગમાંથી સુનિલ કોળી, સાગરસિંહ રજપૂત અને દિક્ષીત બાવાજી બાઇક લઇ ચા-પાણી પીવા નીકળ્યા ત્યારે ૧૪મીએ રાતે અકસ્માત નડ્યો'તોઃ ૨૩ વર્ષના સાગરસિંહના મોતથી ડોડીયા પરિવારમાં અરેરાટી
રાજકોટ તા. ૨૧: ટંકારાના કાગદડી અને કોઠારીયા સાત દિવસ પહેલા ત્રણ સવારીવાળુ બાઇક સ્લીપ થઇ જતાં વાછકપર બેડીના ત્રણ મિત્રો કોળી, રજપૂત અને બાવાજી યુવાનને ઇજા થઇ હતી. જેમાં સારવાર દરમિયાન કારડીયા રજપૂત યુવાને દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.
જાણવા મળ્યા મુજબ વાછકપર રહેતાં સુનિલ રમેશભાઇ વઢરૂકીયા (ઉ.૨૦), સાગરસિંહ દોલતસિંહ ડોડીયા (ઉ.૨૧) અને દિક્ષીત કિશોરભાઇ અગ્રાવત (ઉ.૨૦) તા. ૧૪/૪ના રાત્રીના બારેક વાગ્યે બાઇક પર બેસીને જતાં હતાં ત્યારે કાગદડી-કોઠારીયા વચ્ચે બાઇક સ્લીપ થતાં ત્રણેયને ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને ધીરેનભાઇ ગઢવીએ કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી. ત્રણેય યુવાન માતાજીના પ્રસંગમાં હોઇ ત્યાંથી ચા-પાણી પીવા નીકળ્યા હતાં અને આ બનાવ બન્યો હતો. રજપૂત યુવાન સાગરસિંહને ગંભીર ઇજા પહોંચી હોઇ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ગઇકાલે તેને ફરીથી સિવિલમાં લાવવામાં આવ્યો હતો અને અહિ મોત નિપજ્યું હતું. કુવાડવાના પી.એસ.આઇ. આર. એલ. ખટાણા, રાજેશભાઇ સોલંકીએ જરૂરી કાર્યવાહી કરી હતી.
મૃત્યુ પામનાર સાગરસિંહ બે ભાઇમાં નાનો હતો અને પિતા સાથે ખેતીના કામમાં મદદરૂપ થતો હતો. માતાનું નામ સોનીબેન છે. યુવાન દિકરાના મૃત્યુથી પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી. (૧૪.૫)