રાજકોટ
News of Sunday, 21st March 2021

રાજકોટ 'આપ'માં ભંગાણ ? : કાર્યકરોમાં ભારે રોષ

પક્ષના શહેરના આગેવાનો - કાર્યકરોની વાત કે રજૂઆત સાંભળતા ન હોવાનો આરોપ : રાજીનામાઓ ફગાવી દેવાની તૈયારી : નારાજ જૂથ પત્રકાર પરિષદ પણ સંબોધશે : ઈન્દુભા સહિતના કાર્યકરોનો આક્રોશ

રાજકોટ, તા. ૨૦ : સ્થાનિક સ્વરાજયની ચંૂટણીઓમાં આમ આદમી પાર્ટીએ સારૂ પ્રદર્શન કર્યુ હતું. દરમિયાન રાજકોટ શહેરમાં આમ આદમી પાર્ટીમાં ખટપટ શરૂ થઈ ગઈ હોવાનું જાણવા મળે છે. પક્ષમાં બે ભાગલા પડે તો પણ નવાઈ નહિં.

નારાજ જૂથના 'આપ'ના સેન્ટ્રલ ઝોનના પ્રભારી ઈન્દુભા રાઓલ, મહામંત્રી દિવ્યકાંતભાઈ કગરાણા, યુવા પ્રમુખ દેવાંગભાઈ ગજ્જર, વોર્ડ નં.૧૪ના પ્રભારી પરેશભાઇ વોરા, વેપારી સેલના પ્રમુખ દિપકભાઈ લહેરૂ, ઓબીસી સેલ પ્રમુખ હરીભાઈ રાઠોડ, વોર્ડ નં.૧૭ પ્રમુખ નૈમીષ ભંડેરી, વોર્ડ નં.૧૦ પ્રમુખ નરેન્દ્રસિંહ ચુડાસમા, વોર્ડ નં.૩ યુવા પ્રમુખ પાર્થભાઈ રાઠોડની એક યાદીમાં જણાવ્યુ છે કે રાજકોટ શહેરમાં 'આપ'નાં કાર્યકરોની અવગણના કરવામાં આવી રહી છે. આ મામલે 'આપ'ના પ્રદેશ પ્રમુખ ગોપાલભાઈ ઈટાલીયાને 'કાર્યકરો એ પાર્ટીનો પ્રાણ કહેવાય, તેને સાચવો' રજૂઆત પણ કરવામાં આવેલી. આમ છતાં પણ કોઈ પગલા લેવામાં આવ્યા નથી.

જેથી આગામી દિવસોમાં પત્રકાર પરિષદ બોલાવી ૩૦૦થી વધુ કાર્યકરો રાજીનામા આપે તેમ અંતમાં જણાવેલ છે.

આ અંગે 'આપ'ના સત્તાવાર વર્તુળોનો સંપર્ક સાધતા તેઓએ આ મામલે કંઈ પણ કહેવાનો ઈન્કાર કરી દીધો હતો.

(3:42 pm IST)