રાજકોટ
News of Wednesday, 21st March 2018

પીતાંબરા બગલામુખી માતાના પ૧ કુંડી યજ્ઞની તડામાર તૈયારીઃ ચૌધરી મેદાન હોમાદિક કાર્યથી ધમધમશે

રાજકોટ તા. ર૧: પીતાંબરા પીઠ શોધ સંસ્થાનના ઉપક્રમે તા. ૧ એપ્રિલે શહેરની ચૌધરી સ્કૂલના મેદાનમાં પ૧ કુંડી પીતાંબરા બગલામુખી માતાજી યજ્ઞનું દિવ્ય આયોજન થયું છે.

પીતાંબરા માતાજીના ઉપાસક આરાધક ગુરૂ કવિ સુમંતજીની ગુરૂપરંપરા અનુસાર ગુરૂશ્રી મહેન્દ્રભાઇ રાવલના માર્ગદર્શન અને પ્રેરણાથી માઇભકતો આ આયોજનની તૈયારી કરી રહ્યા છે. રવિવારે તા. ૧ના સવારે ગુરૂપૂજન સાથે આ પાવન કાર્યની શરૂઆત થશે. ત્યારબાદ ગણેશજી, ભૈરવ, યોગિની, ક્ષેત્રપાલ તથા મા પીતાંબરાનું પૂજન થશે. ગાયત્રી માતા, મહા મૃત્યુંજય, ગ્રહહોમ બાદ બપોરે ૧ર-૩૦ એ ફળાહાર અપાશે. બપોરે ર વાગ્યે શ્રી સૂકત તથા અષ્ટોત્તર સતનામ હોમનો આરંભ થશે. ૩ વાગ્યે પીતાંબરા બગલામુખી પીતાંબરા હોમ શરૂ થશે.

આખું આયોજન અત્યંત સુંદર અને ફળદાયી છે. વ્યકિતગત વિકાસથી લઇને સમાજ ઉત્થાન, દેશનું કલ્યાણ અને વિશ્વકલ્યાણ સહિતના ઉદ્દેશ આ યજ્ઞકાર્ય પાછળ છે. પરંતુ યજ્ઞના અંતિમ તબકકામાં ઇચ્છાપૂર્તિ હોમ પણ થશે. જે પ૧ ભાવિકો યજ્ઞમાં બેસવાના છે એ સિવાયના જે લોકો ત્યાં હાજર હશે એ બધા પણ એમાં આહૂતિ આપી શકશે. જે પ વાગ્યે બીડું હોમવાની સાથે યજ્ઞનું સમાપન થશે. ત્યારબાદ સંતો આશિર્વચન પાઠવશે.

યજ્ઞ દરમિયાન રાજકોટના રામકૃષ્ણ આશ્રમના શ્રી પ્રભુસેવાનંદજી, વાંકાનેરની ગાયત્રી શકિત પીઠના અધ્યક્ષ શ્રી અશ્વિનભાઇ રાવલ, બોટાદના ભજનાનંદ આશ્રમના પૂ. સ્વામી આત્માનંદજી સરસ્વતીજી, તથા મોરબીના ખાખરાવાળી મેલડી માતાજી મંદિરના મહંત, પીતાંબરા માતાજીના ઉપાસક શ્રી દેવનારાયણભાઇ ઝા સહિતના સંતો ઉપસ્થિત રહીને આશીર્વાદ આપશે.

યજ્ઞમાં આહૂતિ આપવા માટેના નામ નોંધાઇ ગયાં છે. આ પાવન કાર્યમાં તન, મન અને ધનથી સહકાર આપવા અનેક લોકો, સંસ્થજાઓ પણ તૈયાર થઇ છે, પાણી વિતરણ, પ્રસાદ વ્યવસ્થા, હવન સામગ્રી વ્યવસ્થા સહિતની સેવા માટે લોકોએ સામેથી તૈયારી દર્શાવી છે.

યજ્ઞકાર્યની પવિત્રતા અને ગરિમા બરાબર જળવાય એનું પણ ધ્યાન રખાઇ રહ્યું છે. જે માળા યજ્ઞમાં બેસનારા ભાવિકોનેઅ ાપવાની છે એ પીળા રંગની રહેશે. એ પણ હળદરના પાણીમાં ખાસ બનાવાશે, એમાં કોઇ રંગ નહીં હોય, હોમદ્રવ્ય પણ ખાસ તૈયાર કરાયું છે. ગીરગાયના ગોબરમાંથી બનતા સુગંધિત છાણા અને એવી જ અગરબત્તી અપાશે. યજ્ઞમાં બેસનાર દરેકને ગુરૂજી અને માતાજીનો ફોટો તથા સિધ્ધ કરેલું યંત્ર પણ અપાશે.

ગુરૂજી મહેન્દ્રભાઇ રાવલના માર્ગદર્શનમાં દરેક વિધિ-વિધાનનું પાલન થાય, પૂજનથી લઇને હવનની ભસ્મનું પણ યોગ્ય રીતે વિસર્જન થાય એ તમામ બાબતોનું ધ્યાન રખાઇ રહ્યું છે. વિવિધ સમિતિ આ આખા આયોજનને સફળ બનાવવા માટે સક્રિય હોવાનું પીતાંબરા પીઠ શોધ સંસ્થાનના મહેન્દ્રભાઇ રાવલ (મો. ૯૪ર૬ર રરર૬૬) કમલેશભાઇ જોશી (મો. ૯૮ર૪ર ૦૮પ૦૪) અને હિમાંશુભાઇ જોશી (મો. ૯૮ર૪ર ૦૮પ૦૩)ની યાદીમાં જણાવાયું છે.

(4:38 pm IST)