રાજકોટ
News of Wednesday, 21st March 2018

યુવતીને પરાણે સંબંધ રાખવા દબાણ કરી ધમકી આપનાર યુવકને ૧૮૧ની ટીમે કાયદાનું ભાન કરાવ્યું

રાજકોટ, તા., ર૧: રાજકોટમાં એક હોસ્પીટલમાં નોકરી કરતી ર૦ વર્ષની યુવતીને તેની સાથે કામ કરતા ૧૮ વર્ષના યુવકે બળજબરી પુર્વક સંબંધ રાખવા માટે દબાણ કરી બ્લેક મેઇલ કરવાની ધમકી આપતો હોવાનો મામલો સામે આવતા ૧૮૧ અભ્યમ દ્વારા યુવકને બોલાવી માફી મંગાવતા મામલો થાળે પડયો હતો.

મળતી વિગત મુજબ જુનાગઢ પંથકની ર૦ વર્ષની યુવતી રાજકોટની એક હોસ્પીટલમાં નોકરી કરતી હતી. તેની સાથે નોકરી કરતો ૧૮ વર્ષનો યુવક સાથે પરીચય થતા બંને બે માસથી એક બીજાના કોન્ટેકટમાં હતા અને તે ફ્રેન્ડશીપમાં પરીણમી હતી. પરંતુ યુવકે તેનો ગેરફાયદો ઉઠાવી યુવતીને બળજબરીથી સંબંધ રાખવા હેરાન કરવા લાગ્યો હતો. આટલુ જ નહી યુવતીને સંબંધ રાખવાની ના પાડતા યુવકે ફોન પર હેરાન કરી બ્લેકમેઇલ કરવાની ધમકી આપી હતી. તેમજ યુવતીના ફોટા કે જે તેના મોબાઇલમાં હતા તે તેના પરીવારને દેખાડવાનું જણાવી પરેશાન કરતો હતો. યુવતીએ આ અંગે ૧૮૧ ને જાણ કરતા તેના કાઉન્સેલર સરલાબેન અને કરણસિંહ ઝાલાએ રેસ્કયુ વેન સાથે ત્યાં પહોંચી યુવતી દ્વારા ફોન કરાવી યુવકને ઢેબર રોડ પર બોલાવ્યો હતો. બાદમાં તેના મોબાઇલમાંથી યુવતીના ફોટા અને નંબર ડીલીટ કરાવ્યા હતા. યુવકે જાહેરમાં માફી માંગી લેતા મામલો થાળે પડયો હતો. જો કે આ અંગે ફરીયાદ કરવાનું યુવતીએ ટાળ્યું હતું.

(4:20 pm IST)