રાજકોટ
News of Wednesday, 21st March 2018

રામનાથપરામાં મફતમાં ભેળ માંગી જીતેન્દ્રભાઇ તન્નાની રેંકડીમાં તોડફોડ

ચંપકનગરના સંદીપ ખત્રી વિરૂધ્ધ પોલીસ કમિશનરને રજૂઆત

રાજકોટ તા. ર૧ :.. રામનાથપરામાં ભેળની લારી ચલાવતા લોહાણા યુવાનની રેંકડીએ આવેલા શખ્સે મફતમાં ભેળ માંગી ઉશ્કેરાઇને લારીમાં તોડફોડ કરી ધમકી આપતા લોહાણા યુવાને પોલીસ કમિશનરને રજૂઆત કરી છે.

મળતી વિગત મુજબ રામનાથપરા શેરી નં. ૧૩ માં રહેતા જીતેન્દ્રભાઇ મોહનલાલ તન્ના એ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને કરેલી લેખીત રજૂઆતમાં જણાવ્યું છે કે, પોતે ઘર પાસે ભેળની રેકડી રાખી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત તા. ૧ર ના રોજ રાત્રે પોતે રેંકડીએ હતાં ત્યારે એક શખ્સ દારૂ પીધેલી હાલતમાં આવ્યો હતો. અને તેણે મફતમાં ભેળની માંગણી કરતા પોતે ના પાડતા તે શખ્સે ઉશ્કેરાઇને ગાળો આપી રેંકડીમાં પડેલ સામાન વેર-વિખેર કર્યો હતો. અને તોડફોડ કરી હતી. આ મામલે પોતે તપાસ કરતા આ શખ્સ ચંપકનગર પાણીના ઘોડા પાસે રહેતો સંદીપ ઇશ્વરભાઇ ખત્રી હોવાનું જાણવા મળ્યુ હતું. આ શખ્સ સામે પગલા લઇ કાર્યવાહી કરવા જણાવાયું છે.

(4:13 pm IST)