રાજકોટ
News of Wednesday, 21st March 2018

આપણી દોટ લોકપ્રિય થવાની છે, જેથી પરિવારપ્રિય થઈ શકતા નથી : પૂ.અપૂર્વ સ્વામી

બીએપીએસ સ્વામીનારાયણ મંદિર દ્વારા શાપર - વેરાવળના ઉદ્યોગપતિઓ માટે યોજાઈ ગયેલ પ્રતિષ્ઠા પ્રેરણા સમારોહ

રાજકોટ, તા. ૨૧ : પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજનો ૯૮મો જન્મજયંતિ મહોત્સવ રાજકોટ ખાતે ઉજવનાર હોય જે અંતર્ગત ગઈકાલે રાજકોટ બીએપીએસ સ્વામીનારાયણ મંદિર દ્વારા શાપર, વેરાવળ, હડમતાળા, ભુણાવા, કોઠારીયા, વાવડી, લોઠડા, પડવલા આસપાસ આવેલી ઈન્ડસ્ટ્રીઓના ઉદ્યોગપતિઓ માટે ગોંડલ રોડ સ્થિત શ્રી સ્વામીનારાયણ વાડી ખાતે રાજકોટ લીડર્સ સેમીનારનું આયોજન કરવામાં આવ્યુ હતું.

આ સેમીનારમાં ઉદ્યોગપતિઓ સમક્ષ વિડીયો શો રજૂ કરવામાં આવેલ. રાજકોટ મંદિરના કોઠારી પૂ. બ્રહ્મતીર્થ સ્વામી તથા સંત નિર્દેશક પૂ.અપૂર્વમુનિ સ્વામીનું ઉદ્યોગપતિઓ દ્વારા અભિવાદન કરવામાં આવ્યુ.

પૂ.અપૂર્વમુનિ સ્વામીએ ''પાથ ઓફ પ્રોગ્રેસ'' વિષય દ્વારા ફીઝીકલ પ્રોગ્રેસ, ઈકોનોમીકલ પ્રોગ્રેસ, સોશિયલ પ્રોગ્રેસ, મેન્ટલ પ્રોગ્રેસ તથા સ્પીરીચ્યુઅલ પ્રોગ્રેસ આ પાંચ મુદ્દા પર સુંદર રીતે પ્રેરક ઉદ્દબોધનનો લાભ આપ્યો હતો. તેઓએ કરેલા ઉદ્દબોધનના અંશો અહીં પ્રસ્તુત છે. આપણે સમૃદ્ધિને અપડેટ કરી, પણ સાધનાને અપડેટ નથી કરી. સાધનોથી અપડેટ ન થવાય, સાધનાથી જીવન સુદૃઢ થાય. જો પોતાના પરીવારને સમય ન આપી શકીએ તો લાખ રૂપિયા પણ રાખ સમાન છે. આપણી દોટ લોકપ્રિય થવાની છે જેથી પરીવારપ્રિય નથી થઈ શકતા. પૈસા વધ્યા છે, પરંતુ પૈસાને સાચવવાની વૃતિ ઘટી છે. વેલણ બદલવાથી રોટલી સારી ન થાય, વલણ બદલવાથી થાય છે. બીએપીએસના સંતોએ પોતાના લૌકિક કુટુંબને છોડીને સમગ્ર વિશ્વને પોતાનું કુટુંબ બનાવવાનો બૃહદ વિચાર સાથે રાખ્યો છે. જીવનમાં બધા જ પ્રોગ્રેસ હોવા છતા પણ જો સ્પીરીચ્યુઅલ પ્રોગ્રેસ ન હોય તો અંતરમાં શાંતિનો અનુભવ થતો નથી.

વધુમાં પૂજય અપૂર્વમુનિ સ્વામીએ જણાવ્યુ કે આજના આધુનિક માનવીને શારીરીક, આર્થિક, સામાજીક અને માનસિક પ્રોગ્રેસની સાથે સાથે જરૂર છે આધ્યાત્મિક પ્રોગ્રેસની. વૈજ્ઞાનિકો પણ હવે ઈન્ટેલીજન્ટ કવોશન્ટ, ઈમોશનલ કવોશન્ટની સાથે સ્પીરીચ્યુઅલ કવોશન્ટનો સ્વીકાર કરતા થયા છે. પ્રમુખ સ્વામી મહારાજની આધ્યાત્મિક પ્રગતિથી અભિભૂત થઈ વિશ્વ્ના શ્રેષ્ઠ વૈજ્ઞાનિક અને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ કલામે પ્રમુખસ્વામી મહારાજ પર પુસ્તક લખ્યુ છે, જેમાં તેઓ પ્રમુખ સ્વામી મહારાજને એમના 'અલ્ટીમેટ ટીચર' ગણાવી જણાવે છે કે પ્રમુખ સ્વામી મહારાજે મને ભગવાનની ભ્રમણ કક્ષામાં  મૂકી દીધો છે. જે પ્રભાવ સ્પીરીચ્યુઅલ પ્રોગ્રેસનો છે. જીવનમાં બધી જ પ્રોગ્રેસ હોવા છતા પણ જો સ્પીરીચ્યુઅલ પ્રોગ્રેસ ન હોય તો અંતરમાં શાંતિનો અનુભવ થતો નથી. એ વાત પ્રમુખસ્વામી મહારાજે આપણને સૌ કોઈને શીખવી છે.

(1:06 pm IST)