રાજકોટ
News of Thursday, 21st January 2021

ટીસ્યુ કલ્ચર પદ્ધતિથી વાડીમાં સ્ટ્રોબેરીના એક લાખ છોડ ઉછેર્યા

ગોમટામાં સ્ટ્રોબેરીની સફળ ખેતીઃ પાટીદારભાઈઓની કમાલ

'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રાએ ફાર્મ હાઉસની મુલાકાત લીધી : રાજકોટમાં હોમ ડીલીવરીની વ્યવસ્થા : કેમિકલ એન્જીનિયર ગિરીશ ધુલિયા અને ગ્રેજ્યુએટ રાજેશ ધુલિયાએ કૃષિ ક્ષેત્રે સફળ પ્રયોગ કર્યોઃ વાવેતરના બે મહિનામાં ફળ આવ્યાઃ પ્રયોગની સફળતાથી સૌરાષ્ટ્રના ખેડૂતોને નવી દિશા મળશેઃ ૪ પ્રકારની સ્ટ્રોબેરીનું ઉત્પાદનઃ ઓર્ડર પ્રમાણે સ્ટ્રોબેરીનું વેચાણ ચાલુઃ ગિરીશભાઈ (૯૪૨૯૦ ૯૮૩૪૫), રાજુભાઈ (૬૩૫૫૦ ૯૦૮૯૦) : ગોમટા ખાતે ગોપાલ ફાર્મની મુલાકાતે જવા માટે રાજકોટ-જૂનાગઢ હાઈવે ઉપર, રાજકોટથી ૫૦ કિ.મી. દૂર ગોમટા ગામથી ૩ કિ.મી. અંદરની સાઈડે ૧૦ વિઘાનું ગોપાલ ફાર્મ આવેલુ છે. તેની પરિવાર સાથે અનેક લોકો મુલાકાત લઈ રહ્યા છે અને લાઈવ સ્ટ્રોબેરીની મજા માણી રહ્યા છે

ગોમટા ગોપાલ ફાર્મની મુલાકાત 'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રાએ લીધી હતી. ત્યાંથી લાઈવ પ્રસારણ પણ કર્યુ હતું. ગિરિશભાઈ ધુલિયા, રાજુભાઈ ધુલિયા સાથે શ્રી કિરીટભાઈ દર્શાય છે.

રાજકોટ, તા. ૨૦ :. ગોંડલ પાસે આવેલા ગોમટા ગામમાં ગોપાલ ફાર્મમાં સ્ટ્રોબેરીના એક લાખ છોડ લહેરાઈ રહ્યા છે. એકદમ તાજી સ્ટોબેરી ઉછરે છે. સૌરાષ્ટ્રની ભૂમિમાં સ્ટોબેરી ઉછેરીને પટેલભાઈઓએ કમાલ કરી છે.

'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રાએ તાજેતરમાં ગોપાલ ફાર્મની મુલાકાત કરી હતી.

સ્વાદ-સત્વથી ભરપૂર ટીસ્યુ કલ્ચર પદ્ધતિથી ઉછરેલી સ્ટ્રોબેરી સૌરાષ્ટ્રના કૃષિ ક્ષેત્રને નવી દિશા આપી શકે છે. પાટીદાર ભાઈઓ ગિરીશભાઈ ધુલિયા અને રાજુભાઈ ધુલિયાએ જણાવ્યુ હતુ કે, તાજી સ્ટ્રોબેરીનું વેચાણ ચાલુ છે. ૫૦૦ ગ્રામના બોકસ પેકિંગ કરાયા છે. જેની કિંમત રૂ. ૨૦૦ રખાઈ છે. સવારે ઓર્ડર આપો એટલે સાંજે સ્ટ્રોબેરી મળી જાય. પાટીદાર બંધુઓએ લોકોને ફાર્મ હાઉસની મુલાકાત કરવાનો પણ આગ્રહ કર્યો છે. વીરપુર તરફ જતી વખતે ગોપાલ ફાર્મ હાઉસ - ગોમટાની મુલાકાત થઈ શકે છે. આ અંગે વધારે વિગતો માટે ગિરીશભાઈ ધુલિયા (મો. ૯૪૨૯૦ ૯૮૩૪૫), રાજુભાઈ ધુલિયા (મો. ૬૩૫૫૦ ૯૦૮૯૦)નો સંપર્ક થઈ શકે છે.

સામાન્ય રીતે ઠંડીની સિઝનમાં બજારમાં આવે છે. રાજકોટ જીલ્લાના ગોંડલ તાલુકામાં બે ભાઈઓ દ્વારા સ્ટ્રોબેરીની ખેતી સફળતાપૂર્વક કરવામાં આવી છે.

લોકડાઉનના ગાળામાં સ્ટ્રોબેરીની ખેતી માટે કેમિકલ એન્જીનીયરીંગની ડિગ્રી ધરાવતા ગીરીશભાઈ ધુલીયા અને તેમના ગ્રેજ્યુએટ ભાઈ રાજુભાઈ ધુલીયાને રસ જાગ્યો હતો. અમે મહારાષ્ટ્રના મહાબળેશ્વરના બગીચાઓમાં સ્ટ્રોબેરીનું મબલખ ઉત્પાદન થતુ જોયુ હતું. આપણા જેવા સુકા પ્રદેશમાં સ્ટ્રોબેરીનું ઉત્પાદન અઘરૂ હતુ એટલે અમે પૂનાસ્થિત કન્સલ્ટન્સી પેઢીનો સંપર્ક કર્યો હતો. તેમણે અમને ટીસ્યુ કલ્ચર પ્લાન્ટનો વિચાર આપ્યો હતો તેમ ગીરીશ અને રાજુભાઈ ધુલીયાએ જણાવેલ.

ટીસ્યુ કલ્ચરની ખેતી દ્વારા હવે અમે દરરોજ ૨૦થી ૨૫ કિલો સ્ટ્રોબેરીનું ઉત્પાદન લઈએ છીએ. શીયાળાની સિઝનમાં ઉત્પાદન વધી ગયુ છે. અમે પૂનાથી ૧ લાખ પ્લાન્ટસ લાવ્યા હતા. સાથોસાથ કાણાવાળી પ્લાસ્ટીક શીટસ પણ લાવ્યા હતા જે છોડવાની માટીમાં ભેજ ટકાવી રાખે છે અને ઉછેરમાં મદદરૂપ થાય છે.

ઓકટોબર ૧૫મીથી એક લાખ છોડનું વાવેતર શરૂ કરવામાં આવ્યુ હતું. બે મહિના પછી છોડ ઉપર ફળ આવવા લાગ્યા હતા. વિન્ટર સ્ટાર્ટ, વિન્ટર ડાઉન, સ્વીટ સેન્સેશન, ઈલીટ (Eliot) પ્રકારની ૪ જાત ધુલીયા ભાઈઓએ વાવી હતી. સ્વીટ સેન્સેશન અને વિન્ટર ડાઉનના છોડ ફળ આપે છે જે માર્ચ ૧૫ સુધી આવશે.

ગીરીશ ઈન્ડીયન પેટ્રો કેમીકલ્સ-વડોદરા ખાતે એન્જીનીયર છે. તેણે યુએઈમા પણ કેમિકલ એન્જીનીયર તરીકે પાંચ વર્ષ નોકરી કરી છે.

ખેતચોરો અને પ્રાણીઓથી સ્ટ્રોબેરીના વાવેતરને રક્ષણ આપવા ધુલીયા ભાઈઓએ ફાર્મ હાઉસ ફરતે ઈલેકટ્રીક ફેન્સીંગ કરી સીસીટીવી કેમેરા ફીટ કર્યા છે. ૨૫ ટનનું ઉત્પાદન થાય એટલે રાજકોટ અને ગુજરાતના સીટીમાં સ્ટ્રોબેરી સપ્લાયનો લક્ષ્યાંક બન્ને ભાઈઓએ રાખ્યો છે.(તસ્વીરોઃ બકુલ રૂપાણી, સંદિપ નમકીન-રાજકોટ)

(11:53 am IST)