રાજકોટ
News of Tuesday, 21st January 2020

રૈયાધારમાં શેરીમાં બલ્બ ફિટ કરાવવાના નામે વારેઘડીએ રૂપિયાની ઉઘરાણીઃ ન દેતા હુમલો

શિવા અને તેના ભાઇ જીતેન્દ્રને ઇજાઃ બંનેનો આક્ષેપ-૧૦૦ રૂપિયાના બલ્બ માટે અવાર-નવાર ઘર દિઠ ૫૦-૫૦ રૂપિયાના ઉઘરાણા થતાં હોઇ મજૂર વર્ગ પરેશાનઃ મંજુબેન અને ગોપાલે ધોકાવાળી કર્યાનો આરોપ

રાજકોટ તા. ૨૧: રૈયાધાર રાધેશ્યામ ગોૈશાળા પાસે રહેતાં અને મજૂરી કરી ગુજરાન ચલાવતાં મુળ યુપીના બે ભાઇઓએ શેરીમાં બલ્બ ફિટ કરાવવાના નામે રૂપિયા ઉઘરાવતી મહિલાને રૂપિયા આપવાની ના પાડતાં આ બંને પર ધોકા-પથ્થરથી હુમલો થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતાં.

રૈયાધારમાં રહેતો શિવા ભગવાનભાઇ યાદવ (ઉ.૩૮) અને તેનો ભાઇ જીતેન્દ્ર ભગવાનભાઇ યાદવ (ઉ.૩૫) સાંજે સાડા આઠેક વાગ્યે ઘર પાસે હતાં ત્યારે ધોકાથી હુમલો થતાં અને પથ્થરમારો કરી ઇજા પહોંચાડાતાં બંને હોસ્પિટલે પહોંચ્યા હતાં. ચોકીના સ્ટાફની પુછતાછમાં પોતાના પર આ વિસ્તારની મંજુબેન અને ગોપાલભાઇએ હુમલો કર્યાનો આક્ષેપ કરવામાં આવતાં યુનિવર્સિટી પોલીસ મથકમાં એન્ટ્રી નોંધાવાઇ હતી.

ઘાયલોના કહેવા મુજબ આ વિસ્તારમાં શેરીમાં બલ્બ ફીટ કરાવવાના બહાને અવાર-નવાર રૂપિયાના ઉઘરાણા મજૂર વર્ગ પાસેથી કરવામાં આવે છે. બલ્બની કિંમત વધીને ૧૦૦ કે ૨૦૦ રૂપિયા હોય છે. પરંતુ ઘર દીઠ ૫૦-૫૦ રૂપિયા ઉઘરાવાય છે. આ રીતે અનેક ઘરોમાં રહેતાં મજૂરો પાસેથી પૈસા પડાવાય છે. ગઇકાલે ફરીથી આ રીતે નાણા માંગવામાં આવતાં પોતે પૈસા નહિ આપે તેમ કહેતાં હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસ આ બાબતે તપાસ કરે તે જરૂરી છે.

(4:04 pm IST)