રાજકોટ
News of Tuesday, 21st January 2020

LRD ભરતીમાં ૧-૮-૨૦૧૮નો પરિપત્ર તાકિદે રદ્દ કરો : કોંગ્રેસ સમિતિનું આવેદન

શહેર કોંગ્રેસ સમિતિ (ઓબીસી)એ એલઆરડી મુદ્દે જિલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું તે નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૧ : શહેર કોંગ્રેસ સમિતિના (ઓબીસી) પ્રમુખ રાજેશ આમરણીયા અને અન્યોએ સૂત્રોચ્ચાર સાથે કલેકટરને આવેદન પાઠવી એલ.આર.ડી. ભરતીમાં સરકારની અનામત જોગવાઇ હેઠળ તારીખ ૧-૮-૨૦૧૮ના પરિપત્ર રદ્દ કરવા માંગણી કરી હતી.

આવેદનમાં ઉમેર્યું હતું કે, ઘણા સમયથી ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણી એલઆરડી ભરતીમાં સરકારની અનામત જોગવાઇ હેઠળ તા. ૧-૮-૨૦૧૮ના પરિપત્રનો વિરોધ કરવા માટે સમગ્ર ગુજરાતના એસ.સી. - એસ.ટી. અને ઓબીસીની મહિલા ઉમેદવારો સરકારના નવા કરેલ પરિપત્રથી તેમને અન્યાય થયેલ છે અને તે સંદર્ભની માંગણીને લઇ તેઓ ઉપવાસ - ધરણા વિરોધ પ્રદર્શન જેવા કાર્યક્રમો કરી રહ્યા છે.

સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ જે તે કર્મચારી ઓપન કેટેગરીમાં મેરીટ સાથે આવતા હોય તેમને મેરીટમાં પ્રથમ હોય છે ત્યારબાદ એસ.સી. - એસ.ટી. અને ઓબીસીને આરક્ષણનો લાભ આપવો જોઇએ તેવી સ્પષ્ટ સુચના છે તેમ છતાં અત્યારથી એલઆરડીની ભરતીમાં એવી સ્થિતિનું નિર્માણ થયું છે કે આરક્ષણ કેટેગરીમાં આવતી મહિલાઓથી ઓપન કેટેગરીમાં આવતી મહિલાઓના માર્કસ ઓછા હોવા છતાં પણ ભરતીની પસંદગી યાદીમાં સમાવેશ થયેલ છે તે બાબતે સંવિધાનની દ્રષ્ટિએ યોગ્ય નથી. જેમાં દેશની બંધારણીય જોગવાઇ (આર્ટીકલ - ૧૬(૪)નું ભંગ થાય છે.

આવેદનપત્ર દેવામાં વશરામભાઇ સાગઠીયા, મનીષાબા વાળા, અંકુર માવાણી, દુરૈયા મુસાણી, મયુર ખોખર, દર્શન રાઠોડ, દિનેશ મકવાણા, આશીષ વાઢેર, નરેશ ગઢવી વિગેરે જોડાયા હતા.

(3:57 pm IST)