રાજકોટ
News of Tuesday, 21st January 2020

રાજકોટના પાંચ ફલાયઓવર બ્રીજ માટે ર૩ કરોડ ફાળવી દેતુ મ્યુ. ફાઇનાન્સ બોર્ડ

પ્રથમ ચરણની કામગીરી શરૂ કરવા માટે કુલ ર૩૦ કરોડની ૧૦% રકમ અપાઇ છે પછી તબક્કાવાર ગ્રાન્ટ આપવામાં આવશે : ચેરમેન ધનસુખ ભંડેરી દ્વારા બ્રીજ નિર્માણ માટે ઝડપી હુકમો

રાજકોટ, તા. ર૧ : શહેરમાં ટ્રાફિકજામની સમસ્યા હળવી કરવા માટે મ્યુ. કોર્ર્પોરેશન દ્વારા કુલ ર૩૦ કરોડની સરકારી ગ્રાન્ટના આધારે પાંચ સ્થળોએ ફલાય ઓવરબ્રીજ બનાવવામાં આવનાર છે. જેનાં પ્રારંભિક તબક્કાનાં નિર્માણ માટે રાજય સરકારનાં મ્યુ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી દ્વારા કુલ ખર્ચની ૧૦ ટકા રકમ ર૩ કરોડ ફાળવી દેવા હુકમો કર્યા છે.

આ અંગે શ્રી ભંડેરીના જણાવ્યા મુજબ રાજકોટ મહાનગરપાલિકાની સદર ફલાય ઓવરબ્રીજના કામની દરખાસ્ત મુજબ સરકારશ્રીની મળેલ સૈધ્ધાંતિક મંજુરી તથા ગ્રાંટ ચુકવણીની મંજુરીને આધીન (૧) ૧પ૦ ફૂટ રીંગ રોડ રામાપીર ચોકડી ઓવર બ્રીન-૪૦ કરોડ, (ર) ૧પ૦ ફુટ રીંગ રોડ / નાના મવા ચોકડી ઓવર બ્રીજ-૪૦ કરોડ, (૩) કાલાવડ રોડ જડુસ રેસ્ટોરન્ટ પાસે ફલાયઓવર બ્રીજ-પ૦ કરોડ, (૪) ગ્રીન લેન્ડ ચોકડી ઓવરબ્રીજ-પ૦ કરોડ, (પ) ૧પ૦ ફૂટ રીંગ રોડ ઉમીયા ચોક ફલાય ઓવર બ્રીજ-પ૦ કરોડ એમ કુલ રૂ. ર૩૦ કરોડ ની ગ્રાન્ટ મ્યુ. ફાઇનાન્સ બોર્ડ આપવાની થાય છે.

આમ ઉપરોકત જણાવેલ બ્રીજના પાંચ કામોની અંદાજી રૂ. ર૩૦ કરોડના કામની દરખાસ્તને સૈધ્ધાંતિક મંજુર કરી, તત્કાલિન ૧૦ ટકા મુજબની રકમ રૂ. ર૩ કરોડ (અંકે રૂપિયા ત્રેવીસ કરોડ) રાજકોટ મહાનગરપાલિકાને ચુકવણી કરવા આદેશ કરાયો છે.

ઉપરોકત મંજુર કરેલ ફલાયઓવર પૈકી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ આગઉ કોઇ ફલાયઓવર મંજુર થયેલ હોય તેવા ફલાયઓવર માટે આ હુકમથી મંજુર કરેલ ગ્રાંટ પૈકી કોઇ ખર્ચ મહાનગરપાલિકાએ કરી નહી શકે.

સદર મંજુર કરેલ રકમ રૂ. ર૩ કરોડ, મંજુર કરેલ ઉકત ફલાય ઓવરના કામે જ રાજકોટ મહાનરગપાલિકાએ ઉપયોગ કરવાનો રહેશે. તેમજ પ્રસ્તુત ફલાયઓવર બ્રીજના કામે સંબંધિત વિભાગના સક્ષમ અધિકારીશ્રીની પાસે સ્ટ્રકચલ ડીઝાઇન તથા તાંત્રિક મંજુરી મેળવી, કામના અંદાજનો ડીટેઇલ પ્રોજેકટ તથા તેના અંદાજની વિગત સહ શહેરી વિકાસ વિભાગને તથા આ બોર્ડને મોકલી આપવાના રહેશે.

(3:49 pm IST)