શાપર-વેરાવળ પાસે 'હિટ એન્ડ રન': ઠોકર મારતા જનકબેન મકવાણાનું મોત
શાપરના ઓવરબ્રીજની પાસે બનાવઃ અકસ્માત સર્જી ટ્રક ચાલક ટ્રક લઈ ભાગી ગયો
રાજકોટ, તા. ૨૧ :. શાપર-વેરાવળમાં શીતળા માતાના મંદિરના ઓવરબ્રીજ પાસે 'હિટ એન્ડ રન'ની ઘટનામાં ટ્રકે વણકર મહિલાને હડફેટે લેતા મોત નિપજ્યુ હતું. જ્યારે ચાલક ટ્રક લઈ નાશી જતા પોલીસે તેની શોધખોળ આદરી છે.
મળતી વિગત મુજબ શાપર વેરાવળમાં શીતળા માતાના મંદિર પાછળ સીતારામ પાર્ક સોસાયટીમાં રહેતા જનકબેન પરસોતમભાઈ મકવાણા (ઉ.વ. ૩૩) ગઈકાલે પોતાના ઘરેથી નિકળી ચાલીને જતા હતા ત્યારે શીતળા માતાના મંદિર નજીક ઓવરબ્રીજ પાસે રોડ ક્રોસ કરતા હતા ત્યારે એમ.એચ. ૪૬ એ.આર. ૮૦૭૭ નંબરના ટ્રક ચાલકે વણકર મહિલાને ઠોકર મારતા મહિલાને માથાના ભાગે ગંભીર ઈજા થતા તેનુ ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ. અકસ્માત સર્જી ટ્રક ચાલક ટ્રક લઈ ભાગી ગયો હતો. મૃતક જનકબેનના પતિ મજુરીકામ કરે છે. તેને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. આ બનાવ અંગે શાપર વેરાવળ પોલીસે મૃતક મહિલાના પતિ પરસોતમભાઈ આલજીભાઈ મકવાણાની ફરીયાદ પરથી ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરી તપાસ આદરી છે.