રાજકોટ
News of Monday, 21st January 2019

શહેરના ૧ર૭ મોબાઈલ ટાવરોથી મહાપાલિકા જ અજાણ

ઓનરેકોર્ડ ૬૦૪ મોબાઈલ ટાવર : ૧૦૬ને એનઓસી અપાયું : ૧ર૭ અનઆઈડેન્ટીફાઈડ જાહેર

રાજકોટ તા. ૨૧ : રાજકોટ આખું મોબાઈલ ફોનના ટાવરોથી ઘેરાઈ ગયું છે. મહાપાલિકાના સતાવાર રેકોર્ડ મુજબ શહેરમાં કુલ ૬૦૪ મોબાઈલ ટાવરો લગાવાયા છે જેમાં ૧૦૬ ટાવરોને ટીપી શાખા દવારા એનઓસી આપવામાં આવ્યું છે. ૧ર૭ મોબાઈલ ટાવર એવા છે જે કોના છે તે ખૂદ મહાપાલિકાને ખબર નથી અને આ ટાવરોને અનઆઈડેન્ફિાઈડ કેટેગરીમાં મૂકી દીધા છે. મોટાભાગના ખાનગી માલિકીની જગ્યા પર છે. ખાનગી માલિકી સિવાય તમામ ટાવરની મંજૂરી જગ્યા રોકાણ વિભાગ દવારા આપવામાં આવે છે.

શહેરી રહેણાંક વિસ્તારોમાં મોબાઈલ ટાવરો લગાવવા વિશે કોઈ સ્પષ્ટ નીતિ ન હોવાથી મોબાઈલ કંપનીઓ મનફાવે ત્યાં ટાવર લગાવી રહી છે. રાજકોટમાં રોડ–રસ્તા, રહેણાંક મકાન, ઈમારતોમાં ગમે ત્યાં ગમે ત્યારે મોબાઈલ ટાવર ખડકાઈ રહયા છે. મોબાઈલ ટાવર સ્વાસ્થ્ય માટે હાનિકારક છે કે કેમ તે અભ્યાસનો વિષય છે પરંતુ મહાપાલિકા ટેલીકોમ કંપનીઓ પર કંઈક વધુ જ મહેરબાન છે એટલે શહેરમાં દિવસે ને દિવસે મોબાઈલ ટાવરોની સંખ્યા વધી રહી છે. મહાપાલિકા એનઓસી આપે છે પરંતુ જેમના ઘરની બાજુમાં મોબાઈલ ટાવર ઉભો થાય છે તેમને કોઈ પુછતું નથી. હાલ ગમે ત્યાંથી પસાર થાવ અને ઉેચે નજર કરો એટલે મોબાઈલ ટાવર દેખાયા વિના રહેતો નથી.

વેસ્ટ ઝોન આખો મોબાઈલ ટાવરથી ઉભરાઈ રહયો છે. અહીં શાળાઓ અને હોસ્પિટલો આસપાસ એટલે સુધી કે રહેણાંક ઈમારતોના ફલેટમાં લોકોના બેડરૂમમાંથી નજીકમાં લાગેલ મોબાઈલ ટાવર જોવા મળે છે. મહાપાલિકાને ટેલીકોમ કંપનીઓ પર વિશેષ પ્રેમ હોવાનું જણાય છે કારણ કે શહેર આડેધડ ગમે ત્યાં મોબાઈલ ટાવર લગાવી દેવાની મંજૂરી આપી દેવામાં આવે છે. કાર્પેટ વેરામાં ટેલીકોમ કંપનીઓને મોબાઈલ ટાવરમાં રાહતની છૂટાહાથે લ્હાણી કરનાર મહાપાલિકાએ મોબાઈલ ટાવરની વધતી રહેલી સંખ્યાને નિયંત્રિત કરવા કોઈ યોજના ઘડી નથી. ટૂંકાગાળામાં રાજકોટ મોબાઈલ ટાવરોથી ઘેરાઈ ગયું છે.

૬૦૪ મોબાઈલ ટાવર હોવાનું જાહેર કરનાર મહાપાલિકા પાસે એવી કોઈ વિગત નથી કે આ ટાવરો ખાનગી માલિકીની જગ્યા પર છે કે સરકારી માલિકીની જગ્યા પર? તે અંગે કોઈ અલગ રેકર્ડ ઉપલબ્ધ નથી.

મોબાઈલ ફોનની સેવા પુરી પાડતી કંપનીઓ પોતાની જરૂરીયાત અનુસાર શહેરમાં મોબાઈલ ટાવર લગાવતી રહે છે અને મહાપાલિકામાં મંજૂરી મેળવવામાં કોઈ મુશ્કેલ વાત નથી.

મોબાઈલ ટાવર લગાવવાના નિયમો અને ચાર્જીસ અંગે વિવાદ લાંબા સમયથી ચાલી રહયો છે. હાઈકોર્ટમાં પણ મામલો પહોંચ્યો હતો. દરમિયાન મોબાઈલ કંપનીઓ દ્વારા જરૂરી ચાર્જીસ લઈ એનઓસી ઈસ્યૂ કરવા સ્વૈચ્છીક રજૂઆત કરવામાં આવતાં મ્યુ.કમિશનર દ્વારા પ્રવર્તમાન જીડીસીઆરની જોગવાઈ મુજબ ફાઈલ પર થયેલ આદેશ અનુસાર મોબાઈલ કંપનીના ટાવરનાં ચાર્જીસ વસૂલવામાં આવે છે. રાજકોટમાં ખાનગી માલિકી સિવાય તમામ ટાવરની મંજૂરી જગ્યા રોકાણ વિભાગ દવારા આપવામાં આવે છે.

મહાપાલિકાના સતાવાર રેકોર્ડ મુજબ રાજકોટમાં કુલ ૬૦૪ મોબાઈલ ફોન ટાવર આવેલા છે. જેમાં રિલાયન્સ, એરટેલ, વોડાફોન, ટાટા, બીએસએનએલ, વાયઓમ, ઈન્ડસ ટાવર, ટાવર વિઝન, આઈડીયા, ફોરજી રિલાયન્સ, તુલીપ, એસેન્ડ ટેલીકોમ, જીટીએલ, આઈટીઆઈએલ, ટાટા એન્ડ વીડીયોકોન વગેરે કંપનીઓ સામેલ છે.

મહાપાલિકા પાસે જે મોબાઈલ ટાવરોની ઓળખ નથી તેમાં જયુબીલી ચોક પાસે, જામનગર રોડ, કસ્તુરબા રોડ, શ્રોફ રોડ ખૂણો, ગોસલીયા માર્ગ ચર્ચ પાસે, રૂડા બિલ્ડીંગ પાછળ જામનગર રોડ, રેસકોર્ષ પાર્ક ફાટક પાસે, રેસકોર્ષ રીંગરોડ, એરપોર્ટ ફાટક નજીક, રૈયારોડ, સદર વનવે, રેસકોર્ષ રીંગરોડ, એરપોર્ટ રોડ, મોચીબજાર મેઈન રોડ, ભીડ ભંજન સોસાયટી, રેલનગર, જાગનાથ પ્લોટ, કરણસિંહજી મેઈન રોડ, રામનાથપરા, વર્ધમાનનગર, રૈયાનાકા ટાવર પાસે, કેનાલ રોડના ખૂણે, પંચનાથ મેઈન રોડ, રામકૃષ્ણ આશ્રમ પાસે, રાષ્ટ્રીય શાળા સામે, મનહરપ્લોટ, ગોંડલ રોડ, રજપુતપરા મેઈન રોડ, ગુરૂકુળ પાસે, આનંદ બંગલા ચોક, ગોંડલ રોડ, મવડી મેઈન રોડ, લક્ષ્મીનગર મેઈન રોડ, ઉદ્યોગનગર, ૧પ૦ ફૂટ રીંગરોડ, કેવડાવાડી મેઈન રોડ, ૮૦ ફૂટ રોડ, સોરઠીયાવાડી સર્કલ પાસે, સહકાર મેઈન રોડ, ગાયત્રીનગર મેઈન રોડ વગેરે વિસ્તારો સામેલ છે. અહીં લાગેલા અનેક મોબાઈલ ટાવર કોના છે તે મહાપાલિકાને પણ ખબર નથી.

(3:22 pm IST)