વિજયભાઇ બાવડાને બાઇક પરથી ખેંચી પછાડી લાકડી-પાઇપના ઘાઃ એક પગ ભાંગી નાંખ્યો
સહકાર રોડ પર રઘુવીર સોસાયટીમાં બનાવઃ ચૂંટણી વખતે થયેલા ડખ્ખાનો ખાર ઉતાર્યો : પાડોશી નારણ ખુંગલા, લાભુભાઇ ખુંગલા અને બે અજાણ્યાએ ખૂનની ધમકી પણ દીધાની ફરિયાદ
રાજકોટ તા. ૧૧: સહકાર રોડ પર રઘુવીર સોસાયટી-૩માં રવેચી કૃપા ખાતે રહેતાં અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં વિજયભાઇ રામભાઇ બાવડા (ગઢવી) (ઉ.વ.૪૭) પર રાત્રે તેમના જ પડોશીઓ સહિતે બાઇક પરથી ખેંચીને પછાડી દીધા બાદ લાકડી-પાઇપથી બેફામ માર મારી પગ ભાંગી નાંખતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
બનાવની જાણ હોસ્પિટલ ચોકી મારફત થતાં ભકિતનગરના પીએસઆઇ એસ. એન. જાડેજાએ ત્યાં પહોંચી વિજયભાઇના પત્નિ રામબાઇબેન (રમાબેન) બાવડા (ઉ.વ.૪૨)ની ફરિયાદ પરથી તેના પડોશીઓ નારણ લાભુભાઇ ખુંગલા (આહિર) અને લાભુભાઇ આપાભાઇ ખુંગલા તથા બે અજાણ્યા સામે આઇપીસી ૩૨૬, ૩૨૫, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે. વિજયભાઇ ઘર પાસે બાઇક હંકારીને જતાં હતાં ત્યારે જુના મનદુઃખનો ખાર રાખી તેને બાઇક પરથી ખેંચીને પછાડી દીધા બાદ નારણ, લાભુભાઇ અને બે અજાણ્યાએ લાકડી-પાઇપથી આડેધડ માર માર્યો હતો. જેમાં ડાબો પગ ભાંગી ગયો હતો.
ગાળો દઇ ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી પણ અપાઇ હતી. વિજયભાઇએ હોસ્પિટલના બિછાનેથી જણાવ્યું હતું કે ગત આરએમસીની ચૂંટણીમાં તેની ઇકો ગાડી મામલતદાર કચેરી હસ્તક ચૂંટણીના કામ માટે વોર્ડ નં. ૧૩, ૧૪, ૧૫માં મુકવામાં આવી હતી. તે વખતે ગાડી લઇ પોતે ઘરે આવતાં હોઇ પડોશીઓએ ઘર પાસે કાર લાવવી જ નહિ તેમ કહી ઝઘડો કરતાં ત્યારે તેણે પોલીસને જાણ કરી હતી. એ બાબતનું મનદુઃખ હોઇ આ હુમલો કરાયો હતો.