હિતેષે મામાના ઘરે જીવાપર જઇ 'સગપણમાં મોડુ કેમ કરો છો' કહી ઝઘડો કર્યો પછી ઘરે આવી ફાંસો ખાધો
ગોંડલના પાંચીયાવદરના યુવાનને સારવાર માટે રાજકોટ ખસેડાયો
રાજકોટ તા. ૧૦: ગોંડલના પાંચીયાવદર ગામે રહેતાં હિતેષ ચનાભાઇ ધાધલ (ઉ.વ.૨૮) નામના યુવાને રાતે અગિયારેક વાગ્યે ઘરમાં પંખાના હુકમાં દોરડુ બાંધી ગળાફાંસો ખાઇ લેતાં પરિવારજનો જોઇ જતાં બચાવી લીધો હતો. તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના હેડકોન્સ. વાલજીભાઇ નિનામાએ ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી.
હિતેષ બે ભાઇ અને એક બહેનમાં નાનો તથા કુંવારો છે. તે સેન્ટીંગ કામ અને કડીયા કામની મજૂરી કરે છે. પરિવારજનોના કહેવા મુજબ હિતેષનું સગપણ જીવાપર રહેતાં મામાની દિકરી સાથે કરવાની વાત ચાલે છે. પણ હાલ કન્યાની ઉમર થોડી ઓછી હોઇ સગપણ પાછુ ઠેલાયું છે. ગઇકાલે હિતેષ મામાના ઘરે પહોંચ્યો હતો અને સગપણમાં મોડુ કેમ કરો છો? કહી ઝઘડો કર્યો હતો. એ પછી પાંચીયાવદર ઘરે આવીને ગળાફાંસો ખાઇ લીધો હતો. પોલીસે આ અંગે વિશેષ તપાસ હાથ ધરી છે.