રાજકોટ
News of Wednesday, 7th April 2021

કોરોનાનો કહેર ઍટલી હદે વકર્યો કે કોવિડ પ્રોટોકોલ પણ નથી જળવાતોઃ ખાનગી હોસ્પિટલને ૧.૧૧ લાખનું બિલ ચૂકવ્યુ છતાં મૃતકને ફાટેલી પીપીઇ કીટ પહેરાવાઇઃ મૃતકની આવી હાલતથી દર્દનાક સ્થિતિઃ હોસ્પિટલ સંચાલકોની બેદરકારી સામે રોષ

રાજકોટ: કોરોનાના કહેર વચ્ચે લોકો ચિંતિત છે, ત્યારે અનેક એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે જે જોઈને આપણું હૈયુ હચમચી ઉઠે. આવો જ એક કિસ્સો ગુજરાતના રાજકોટ શહેરમાંથી સામે આવ્યો છે. જ્યાં એક ખાનગી હોસ્પિટલ જાણે કોવિડ પ્રોટેકોલના લીરેલીરા ઉડાડતી હોય તેમ કોરોના પોઝિટિવ દર્દીના મૃતદેહને એટલી ખરાબ સ્થિતિમાં સ્મશાન મોકલ્યો સૌ કોઈ ચોંકી ઉઠ્યા. મૃતકના પરિવારજનો સારવાર માટે 1.11 લાખ રૂપિયા ચૂકવ્યા હોવા છતાં દર્દીનો મૃતદેહ ફાટેલી PPE કિટમાં હતો અને તેના નાક અને કાનમાંથી લોહી પણ ટપકી રહ્યું હતું.

આ અંગે અમરેલી જિલ્લાના ચાંપાથળ ગામમાં રહેતા મૃતકના પુત્ર મુકેશભાઈએ જણાવ્યું કે, પિતાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે અમે રાજકોટની ક્રાઈસ્ટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. આ માટે 1,11,000ની ફી પણ જમા કરીવી હતી. જો કે સારવારના 3 દિવસો બાદ સોમવારે તેમનું મોત નીપજ્યું હતું. હોસ્પિટલ સત્તાધીશોએ પરિવારજનોને જણાવ્યું કે, કોરોના ગાઈડલાઈન મુજબ તેમના મૃતદેહને સીધો સ્મશાનગૃહમાં મોકલવામાં આવશે. આથી તમે પણ ત્યાંજ પહોંચી જજો.

મુકેશભાઈએ વધુમાં જણાવ્યું કે, પિતાનું મોત સવારે થયું હતુ, પરંતુ બપોરે તેમનો મૃતદેહ સ્મશાન પહોંચ્યો હતો. એમ્બ્યુલન્સમાં ઉતારતા સમયે અમે જોયુ કે મૃતદેહ ફાટેલી પીપીઈ કિટમાં હતો અને નાક અને કાનમાંથી લોહી ટપકી રહ્યું હતું.

જ્યારે અમે હોસ્પિટલમાં સ્ટાફની બેદરકારીની ફરિયાદ કરી, ત્યારે ડોક્ટરે કહ્યું કે, ઑક્સિજનની નળી નીકાળ્યા બાદ લોહી વહે છે. આવું અનેક કિસ્સાઓમાં થાય છે. જો કે મૃતદેહને પીપીઈ કિટમાં પેક કર્યા પહેલા સ્ટાફે લોહી સાફ કરવું જોઈતુ હતું. જેમાં તેમણે બેદરકારી દાખવી છે.

(5:26 pm IST)